સુરત(Surat) : શહેરના લીંબાયત (Limbayat) મસ્જિદ ખાતે નમાજ પઢીને બહાર નીકળ્યા બાદ બે કિશોરો વચ્ચે થયેલા ઝઘડામાં (Fight) એક બાળકને યુવકે જાહેરમાં નિર્દયતાથી ફટકારી બે વાર જમીન પર પછાડી ગંભીર ઇજા પહોંચાડી હોવાના CCTV સામે આવતા ચર્ચાનો વિષય બન્યો છે. આ કેસમાં પોલીસે તાત્કાલિક હુમલાખોર યુવકને પકડી કાયદેસરની કાર્યવાહી કરી છે.
મોસીન (ફરહાન ખાન, ઇજાગ્રસ્ત બાળકના કાકા) એ જણાવ્યું હતું કે ભાઈ તસ્લિમ પઠાણ ના 6 સંતાનોમાં ફરહાન મોટો દીકરો છે. ધોરણ-6 માં અભ્યાસ કરે છે. રવિવારના રોજ લીંબાયત મસ્જિદ એ અકતર રઝા માં નમાજ પઢવા ગયો હતો. જ્યાં નમાજ દરમિયાન બાળકો વચ્ચે કોઈ બાબતે વાદ-વિવાદ થયો હતો. બસ ત્યારબાદ બાળકો મસ્જિદ બહાર આવતા ફરહાન અને ફયાન વચ્ચે ઝગડો થયા બાદ ધક્કા મુક્કી થઈ હતી. જેને લઈ ફયાનના કાકા તૌસિફ એ ફરહાન સાથે જાહેરમાં મારઝૂડ કરી હવામાં ઉછળી જમીન પર પછાડ્યો હતો.
વધુમાં જણાવ્યું હતું કે એક બાળક ને ઉપાડી જમીન પર પછાડતા જોઈ સ્થાનિક લોકો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. એટલું જ નહીં પણ લોકોએ ફરહાનને બચાવ્યો ન હોત તો હજી ગંભીર ઇજા પહોંચી હોત. આ ઘટના બાદ તૌસિફ અને એનો ભત્રીજો ભાગી ગયા હતા. ઇજાગ્રસ્ત હાલતમાં ફરહાનને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવાતા કપાળ પર 7 ટાંકા આવ્યા હતા. હાથ-પગ પર ઇજા થઇ હતી. ઘટનાને લઈ પોલીસ ફરિયાદ નોંધાવતા તૌસિફની ધરપકડ કરવામાં આવી હતી.
વધુમાં જણાવ્યું હતું કે ઘટનાના CCTV સામે આવતા તૌસિફની નિર્દયતા સામે આવી હતી. ફરહાનના પિતા સાડી કટિંગનું કામ કરે છે અને સામાન્ય પરિવારના વડીલ છે. 6 સંતાનોનું ગુજરાન ચલાવી રહ્યા છે. હાલ ઘટનાને લઈ ભારે ચર્ચાનો વિષય બન્યો છે. મસ્જિદમાં બાળકો વચ્ચે વાદ-વિવાદ સામાન્ય ઘટના બની ગઈ છે. ત્યારબાદ આ તમામ બાળકો એકસાથે જ રમતા હોય છે. હાલ પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.