ભરૂચ,જંબુસર: ભરૂચ (Bharuch) જિલ્લાના જંબુસર (Jambusar) નગરમાં રખડતા પશુઓનો (stray animals) આતંક વધી ગયો છે. અહીં શાળાએથી પરત ઘરે જતી 6 વર્ષીય બાળકીને રખડતા ઢોરે શીંગડાથી ઊંચકી જમીન પર પટકી હોવાની સનસનીખેજ ઘટના બની છે. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઈ હતી. જંબુસરમાં છેલ્લા એક વર્ષમાં રખડતા ઢોરો દ્વારા ચાર જણાને અડફેટે લેવાનો કિસ્સાથી નગરજનો ચિંતિત બન્યા છે.
જંબુસરમાં રખડતા પશુઓનો ત્રાસ વધતો જાય છે. જંબુસર નગરમાં પશ્ચિમ વિસ્તારમાં પિશાચ મહાદેવ રોડ ઉપર આવેલા હાઉસિંગ બોર્ડમાં રહેતા યોગેશભાઈ પરમારની 6 વર્ષીય દીકરી વૃષ્ટિ સ્કુલેથી અભ્યાસ કરીને અન્ય સાથી બાળકો સાથે ઘરે પરત ફરી રહી હતી. ત્યારે તેણી ઘર નજીક પાછળથી એક ગાય ધસી આવીને શીંગડા વડે બાળકીના પાછળ ભેરવેલા દફતરથી ઊંચકીને માથું હલાવીને રીતસરની ફંગોળી મૂકી હતી. બાળકીને નીચે પટકાતા સદ્દનસીબે કોઈ ઈજા પહોચી ન હતી.
વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો
આખી ઘટના બાદ કેટલાક માલધારી અગ્રણીઓની વાતો છે કે વડોદરામાં રખડતા ઢોરોને અંકુશમાં લેવા માટે હાલમાં જંબુસરમાં ખાલી કરી જતા હોવાનો સંદેહ છે. ઉલ્લેખનીય એ છે કે આવી ઘટના ભવિષ્યમાં ન બને એ માટે સત્તાધીશો માટે જાગ્રત થઈને રખડતા ઢોરોને અંકુશમાં લાવવા માટે પ્રયત્ન કરવા જોઈએ.
માસુમ બાળકીને અડફેટે લેનાર ઢોરના પશુપાલક સામે પગલા ભરાશે: જંબુસર સીઓ
જંબુસર પાલિકાના સીઓ દિનેશભાઈ ડામોરે જણાવ્યું હતું કે થોડા સમય પહેલા અમે જંબુસર નગરમાં ગૌરક્ષા સમિતિ દ્વારા પશુ નિયંત્રણ માટેનું કામ સોપ્યું હતું.પણ સપ્ટેમ્બર મહિનામાં પશુપાલકોના પ્રતિકારને કારણે અટકાવ્યું હતું.એ વખતે અમે તેઓને કોઇપણ વ્યક્તિને અડફેટમાં લેશે અને ઈજા થાય તો તેની જવાબદારી પશુપાલકોની હશે.હાલમાં માસુમ બાળકીને ગાયે અડફેટે લીધી છે એ માટે જવાબદાર પશુપાલક સામે પગલાં લેવાશે.
એક વર્ષમાં રખડતા ઢોરોએ જંબુસરમાં 4 જણાને અડફેટે લીધા
જંબુસર નગરમાં છેલ્લા એક વર્ષમાં રખડતા ઢોરો દ્વારા ચાર જણાને અડફેટમાં લીધા હતા. આઠ મહિના પહેલા સોની ચકલા પાસે વૃદ્ધાને ટક્કર, લીલોતરી બજારમાં 19 વર્ષીય યુવતીને અડફેટે અને કાવી રીંગ રોડ પર કંપનીમાં નોકરિયાતને ટક્કર માર્યા બાદ હાલમાં માસુમ બાળકીને ફંગોળવાનો ચોથો બજાર બન્યો છે. જે મુદ્દે ભોગ બનનાર બાળકીના પિતા યોગેશભાઈ પરમારે જણાવ્યું હતું કે આ ઘટનામાં દીકરીને સામાન્ય ઈજા થઇ છે છતાં નગરજનોની સલામતી ખાતર રખડતા ઢોરોને પકડીને પાંજરાપોળમાં પુરવામાં આવે એવી માંગણી છે.