દેશમાં વૈશ્વિક ગેસ સંકટ વચ્ચે હોટલ્સ અને રેસ્ટોરન્ટ્સ દ્વારા ગ્રાહકો પાસેથી વસૂલાત કરવામાં આવતા વધારાના ‘LPG ચાર્જ’ પર કેન્દ્ર સરકારે પ્રતિબંધ લગાવ્યો છે. કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તામંડળ (CCPA)એ આ પ્રકારની વસૂલાતને ‘અનુચિત વ્યાપાર પ્રથા’ ગણાવીને તાત્કાલિક અસરથી રોક લગાવવાનો નિર્ણય કર્યો છે. હવે કોઈ પણ હોટલ કે રેસ્ટોરન્ટ ગ્રાહકના બિલમાં મેનૂમાં દર્શાવેલી કિંમત સિવાય ‘ગેસ સરચાર્જ’, ‘LPG ચાર્જ’ અથવા ‘ફ્યુઅલ કોસ્ટ રિકવરી’ વસૂલી નહીં શકે. ડીપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યુમર અફેર્સની એડવાઈઝરી અનુસાર, ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019ની કલમ 10 હેઠળ આ પ્રકારના વધારાના ચાર્જને ડિફોલ્ટ રૂપે વસૂલવું ગેરકાનૂની ગણાશે. નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન (NCH) પર મળેલી ફરિયાદો અને મીડિયા રિપોર્ટ્સ દર્શાવે છે કે કેટલીક હોટલ્સ મેનૂમાં દર્શાવેલી કિંમતો સિવાય અલગથી ગેસ ચાર્જ વસૂલતી હતી, જેના કારણે પારદર્શકતામાં ઘટાડો થતો હતો અને ગ્રાહકો પર વધારાનો આર્થિક ભાર પડતો હતો.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે હોટલ્સ અને રેસ્ટોરન્ટ્સનો ઈંધણ, LPG, વીજળી અને અન્ય ઓપરેશનલ ખર્ચ વ્યવસાયનો સામાન્ય ભાગ છે. આ ખર્ચને અલગ વસૂલવા કરતાં મેનૂમાં દર્શાવેલી કિંમતમાં જ સામેલ કરવી યોગ્ય રહેશે. ગ્રાહક સુરક્ષા અધિનિયમની કલમ 2(47) મુજબ, મેનૂમાં દર્શાવેલી કિંમત જ અંતિમ ગણાશે, જેમાં માત્ર લાગુ પડતા સરકારી ટેક્સ અલગથી ઉમેરી શકાય. જો કોઈ હોટલ આ નિયમનું ઉલ્લંઘન કરશે, તો તેના વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આ પગલાથી ગ્રાહકોને બિલમાં છુપાયેલા વધારાના ચાર્જથી રાહત મળશે અને હોટલ્સમાં પારદર્શકતા વધશે. નિષ્ણાતોના મતે, આ નિર્ણય વ્યવસાયીઓને ખર્ચ સંભાળવાની વધુ જવાબદારી લેવા અને ગ્રાહકોના વિશ્વાસને જાળવવા પ્રેરણા આપશે. આ પહેલા પણ સરકારે અનેક હોટેલ્સમાં લગાવવામાં આવતા સર્વિસ ટેક્સને ગ્રાહક નકારી શકે છે એ અંગે પણ લોકોને જાગૃત કર્યા હતા, હવે યુદ્ઘની આ પરિસ્થિતિમાં ઊંચા દામે ખરીદાયેલા ગેસની કિંમત હોટેલ અને રેસ્ટોરાં ગ્રાહકો પાસે વસૂલે એ ખોટું છે. ગ્રાહકની જાણ વગર આ પ્રકારના છૂપા ટેક્સ લગાડવા એ બરાબર નથી. આ માટે સીસીપીએ લોકોને આ આદેશ આપી માહિતગાર કર્યા છે.