
દેશમાં અત્યાર સુધી જે કોઈપણ શિક્ષણ આપવામાં આવે છે તે પુસ્તકીયું જ્ઞાન છે. સ્કૂલ કે કોલેજમાં ભણ્યા બાદ વિદ્યાર્થી જ્યારે કમાવા માટે જાય છે ત્યારે આ પુસ્તકીયું જ્ઞાન તેને વધારે કામ લાગતું નથી. હકીકતમાં થિયરી અને પ્રેક્ટિકલ વર્કમાં ખુબ મોટો ફરક હોય છે. મોટાભાગના અભ્યાસક્રમો એવા છે કે જેમાં થિયરી શીખ્યા બાદ પ્રેક્ટિકલ કામ માટે અલગથી શીખવું પડે છે. જોકે, હવે દેશમાં શિક્ષણ નીતિ બદલાઈ રહી છે. 2020માં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બનાવવામાં આવી હતી અને ધીરેધીરે હવે વિદ્યાર્થીઓને અપાતા ભણતરમાં ફેરફારો થવા લાગ્યા છે. હાલમાં જ સીબીએસઈ દ્વારા એક મોટો અને ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં હવેથી સીબીએસઈના વિદ્યાર્થીઓને ધો.6થી 8 સુધીમાં ફરજિયાતપણે વાસ્તવિક જીવનના પાઠો પણ ભણવાના રહેશે. સીબીએસઈની શાળાઓએ હવે કૌશલ્ય આધારીત શિક્ષણને મુખ્ય પ્રવાહના શિક્ષણનો અભિન્ન અંગ બનાવવું પડશે. એનસીઈઆરટી દ્વારા તૈયાર કરવામાં આવેલા કૌશલ્ય બોધ શ્રેણીના પુસ્તકોનો અમલ ફરજિયાત કરવામાં આવ્ચો છે. ધો.6થી 8 દરમિયાન વિદ્યાર્થીઓને આ પુસ્તકોમાંથી કૌશલ્ય માટે તૈયાર કરવાના રહેશે. વિદ્યાર્થીઓને જે શીખવાનું રહેશે તેમાં જીવંત જોવી સાથે કામ કરવાનું રહેશે. જેમાં છોડ અને પ્રાણીઓની સંભાળ રાખવા જેવા કૌશલ્યો, મશીનો અને સામગ્રી સાથે કામ કે જેમાં મૂળભૂત યાંત્રિક કૌશલ્યો તેમજ માનવ સેવાઓ સાથે કામ કરવાનું રહેશે. જે નવો ફેરફાર કરવામાં આવ્યો છે તેમાં ધો.6થી 8માં વિદ્યાર્થીએ નવ પ્રોજેક્ટ્સ પુરા કરવાના રહેશે. જેમાં 270 કલાકોના વ્યવહારૂ કાર્ય સામેલ છે. આનાથી વિદ્યાર્થીઓ ફકત તેઓ શું અભ્યાસ કરે છે તેના આધારે જ નહીં પરંતુ તેઓ શું કરે છે અને કેવી રીતે શીખે છે તેના આધારે પણ નિર્ણયો કરાશે. જેથી વિદ્યાર્થીઓની સર્વાંગી ક્ષમતાઓને વિકસાવી શકાશે. આ પહેલા માટે આગામી દિવસોમાં સીબીએસઈ શાળાના સમયપત્રકમાં પણ મોટો ફેરફાર કરવામાં આવશે. દર વર્ષે 110 કલાક ફક્ત કૌશલ્ય શિક્ષણ માટે સમર્પિત કરવામાં આવશે.
અઠવાડિયામાં સતત બે સમયગાળા આ વિષય માટે ફાળવવામાં આવશે. આ માટે પહેલા શિક્ષકોને તાલીમ અપાશે અને બાદમાં વિદ્યાર્થીઓને શિક્ષકો શીખવાડશે.માત્ર શિક્ષણ જ નહીં પરંતુ વર્ષના કૌશલ્ય મેળાનું પણ આયોજન કરવામાં આવશે. જ્યાં વિદ્યાર્થીઓેએ પોતાના પ્રોજેક્ટ્સ, મોડેલ્સ અને તેઓ શું શીખ્યા તેના અનુભવો રજૂ કરવાના રહેશે. આ મેળા થકી વાલીઓને એ ખબર પડશે કે વિદ્યાર્થીઓ પુસ્તકોની બહારની દુનિયામાં કેટલું શીખ્યા છે? આ કૌશલ્ય શિક્ષણનું પણ મૂલ્યાંકન પણ કરવામાં આવશે. જે પરંપરાગત પરીક્ષાઓ કરતાં અલગ હશે. જેમાં વ્યવહારિક કાર્ય પર વધુ ભાર મુકવામાં આવશે. આ માટે લેખિત પરીક્ષાનો ભારાંક 10 ટકા, વાઈવા અથવા પ્રેઝન્ટેશનનો ભારાંક 30 ટકા, પ્રવૃત્તિ પુસ્તકનો ભારાંક 30 ટકા, પોર્ટફોલિયો 10 ટકા અને શિક્ષક નિરીક્ષણના 20 ટકા રહેશે. આને કારણે વિદ્યાર્થીઓ પોતાના કૌશલ્યને સારી રીતે રજૂ કરી શકશે. સીબીએસઈ દ્વારા કરવામાં આવેલો આ ફેરફાર એક સારી શરૂઆત છે પરંતુ આટલો ફેરફાર વિદ્યાર્થીઓના કૌશલ્યને બહાર લાવવા માટે પૂરતો નહીં હોય. વિદ્યાર્થીઓનું ઘડતર શિક્ષકો જ કરી શકે છે ત્યારે આ માટે શિક્ષકોએ પણ એ તૈયારી રાખવી પડશે કે તેઓ વિદ્યાર્થીઓને શીખવાડી શકે. સીબીએસઈ દ્વારા જે શરૂઆત કરવામાં આવી છે તેને અન્ય બોર્ડ દ્વારા પણ અનુસરણ કરવામાં આવે તે જરૂરી છે. વિદ્યાર્થીને જેમ તૈયાર કરવા માંગીએ તેવી રીતે તૈયાર કરી શકાય છે. જરૂરીયાત માત્ર આયોજનોની જ હોય છે. જોકે, એ પણ એટલું જ સત્ય છે કે આજના સમયમાં વિદ્યાર્થીઓને સ્કૂલોમાં એટલું જ્ઞાન અપાતું જ નથી ત્યારે તેમના કૌશલ્યને કેવી રીતે બહાર લાવવું તે મોટો પ્રશ્ન છે. સીબીએસઈની આ પહેલ સામે શિક્ષકો તૈયાર નહીં થાય તો આ સુધારાનો કોઈ જ મતલબ નથી તે ચોક્કસ છે.