નવી દિલ્હી: સંદેશખાલીમાં (Sandeshkhali) મહિલા ઉત્પીડનના કેસમાં પશ્ચિમ બંગાળની (West Bengal) મમતા સરકારને સુપ્રીમ કોર્ટમાંથી (Supreme Court) રાહત મળી નથી. સુપ્રિમ કોર્ટે મમતા સરકારની ઝાટકણી કરી હતી અને કહ્યું હતું કે સીબીઆઈ (CBI) સંદેશખાલી કેસની તપાસ ચાલુ રાખશે. હાલમાં સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશ પર કોઈ સ્ટે મુક્યો નથી.
અગાવ સંદેશખાલી મામલે મમતા સરકારે કલકત્તા હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં સંદેશખાલીમાં મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ અને જમીન હડપ કરવાના આરોપોની સીબીઆઈ તપાસ કરાવવાનો નિર્દેશના વિષયમાં વાત કરવામાં આવી હતી. મમતા સરકારના જણાવ્યા મુજબ સંદેશખાલી જેવી મામુલી ઘટના માટે સીબીઆઇને તપાસ સોંપવી એ બંગાલના પોલીસના હકોને છીનવવા જેવી છે.
આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે રાજ્ય સરકાર ખાનગી વ્યક્તિ સામે કરવામાં આવી રહેલી તપાસનો વિરોધ કરી રહી છે. 10 એપ્રિલે કોલકત્તા હાઈકોર્ટે સંદેશખાલીમાં મહિલાઓના શોષણ અને લોકોની જમીન હડપ કરવાના આરોપોની તપાસ સીબીઆઈને સોંપી હતી. તેમજ રાજ્ય સરકારે તેનો વિરોધ કર્યો હતો.
અગાવ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ટી.એસ. જસ્ટિસ શિવગનમ અને જસ્ટિસ હિરન્મય ભટ્ટાચાર્યની ડિવિઝન બેન્ચે તપાસ એજન્સીને વિગતવાર રિપોર્ટ સોંપવા કહ્યું હતું. ત્યાર બાદ કોર્ટ આગળની કાર્યવાહી પર નિર્ણય લેવાની હતી. આ સીવાય હાઇકોર્ટે સીબીઆઈને એક અલગ પોર્ટલ અને ઈમેલ ખોલવાનો નિર્દેશ આપ્યો કે જેના પર સંદેશખાલીના પીડિતો જમીન પચાવી પાડવા અને ખંડણી સંબંધિત તેમની ફરિયાદો નોંધાવી શકે.
કોર્ટે કેન્દ્રીય એજન્સીને ફરિયાદીઓની ઓળખ અંગે સંપૂર્ણ ગુપ્તતા જાળવવાનો આદેશ પણ આપ્યો હતો. થોડા જ સમય પહેલા સંદેશખાલીની ઘણી મહિલાઓએ આરોપ લગાવ્યો છે કે શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સસ્પેન્ડેડ નેતા શેખ શાહજહાં અને તેના સહયોગીઓએ મહિલા ઉપર યૌન ઉત્પીડન કર્યું હતું તેમજ તેમની જમીન હડપ કરી હતી.
બંગાળ સરકારે અરજીમાં શું કહ્યું?
અરજીમાં કહેવામાં આવ્યું છે કે હાઈકોર્ટે ખૂબ જ સામાન્ય આદેશમાં રાજ્યને નિર્દેશ આપ્યો છે કે તેઓ કોઈપણ માર્ગદર્શિકા વિના સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ને જરૂરી સહાય પૂરી પાડે. ભલે તે પીઆઈએલ અરજદારો દ્વારા કરવામાં આવેલા આરોપો સાથે સંબંધિત ન હોય. આ સંદેશખાલી વિસ્તારમાં કોઈ પણ કોગ્નિઝેબલ ગુનાની તપાસ કરવા માટે રાજ્ય પોલીસની શક્તિઓને હડપવા સમાન છે.