ગાંધીનગર: ગુજરાતનાં IAS અધિકારી કે. રાજેશને ત્યાં CBIએ દરોડા પાડ્યા છે. CBIએ ઓફિસ અને નિવાસસ્થાન પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ગાંધીનગર, સુરેન્દ્રનગર, સુરત અને ઓફિસરના હોમ સ્ટેટ આંધ્રપ્રદેશમાં એક સાથે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કે.રાજેશ સામે જમીન સોદા કૌભાંડ, બંદુકનું લાયસન્સ આપવામાં લાંચ લીધી હોવાનો આરોપ, સરકારી જમીન પ્રાઈવેટ વ્યક્તિઓને પધરાવી હોવાનો આરોપ તેમજ અપ્રમાણસર મિલકતનાં સબંધમાં દરોડા પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત બીજા કેટલાંક પ્રકરણની પણ તપાસ થઇ રહી છે.
- ગાંધીનગરમાં IAS ઓફિસર કે.રાજેશને ત્યાં CBIના દરોડા
- બંદુક લાયસન્સમાં ગેરરીતિ સહિત અનેક આરોપો લાગ્યા છે
- વિપક્ષી નેતા દર્શન નાયકે પુરાવાઓ સાથે સીબીઆઈમાં કરી હતી ફરિયાદ
- દિલ્હી CBIમાં FIR થયા બાદ મોડી રાત્રે ઓપરેશન
- સુરતના ડીડીઓ અને સુરેન્દ્રનગરના કલેકટર રહી ચુક્યા છે કે.રાજેશ
4 સ્થળોએ સર્ચ ઓપરેશન
આ મામલે દિલ્હી CBIમાં FIR થયા બાદ મોડી રાત્રે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. CBIના દિલ્હી યુનિટની એન્ટી કરપ્શન વિંગની ટીમ ગાંધીનગર પહોંચી હતી અને ગાંધીનગર સ્થિત CBI અધિકારીઓની મદદથી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. CBIએ ગાધીનગર ઉપરાંત સૂરત, સુરેન્દ્રનગર તથા અધિકારીના વતન રાજ્યના નિવાસ પર પણ દરોડા પાડ્યાના અહેવાલ મળી રહ્યા છે. આ ઉપરાંત અન્ન વિતરણ સાથે જોડાયેલા અને બીજા રાજ્યમા લાંબો સમય ફરજ અદાયગી કરનારા IASને ત્યા પણ દરોડા પાડ્યાની માહિતી મળી છે.
સુરતથી રફીક મેમણની ધરપકડ
CBIનાં તપાસમાં મોટા ખુલાસાઓ થઈ રહ્યાં છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ રેડમાં IAS ઓફીસરના અંગત વ્યક્તિની CBIએ ધરપકડ કરી છે. સુરતના રફીક મેમણ નામના શખ્સની CBIએ ધરપકડ કરી છે. રફીક મેમણ કે.રાજેશનો વિશ્વાસુ વ્યક્તિ હતો. કે.રાજેશ મોટાપાયે સામે લાગેલા લાંચનાં આરોપમાં ફીક મેમણ વચેટિયાની ભૂમિકા અદા કરતો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જેથી સુરતમાં રફીક મેમણને ત્યાં પણ CBIએ તપાસ હાથ ધરી છે.
વિપક્ષી નેતા દર્શન નાયકે પુરાવા સાથે કરી હતી ફરિયાદ
સુરત જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા દર્શન નાયકે કે.રાજેશના કૌભાંડ અંગે રાજ્યના મુખ્યમંત્રી,ચીફ સેક્રેટરી અને સીબીઆઈમાં પુરાવાઓ સાથે ફરિયાદ કરી હતી. સુરતમાં નેશનલ રૂરલ હેલ્થ મિશનની ગ્રાન્ટના ફંડનો દુરુપયોગ કર્યો હતો. સુરતમાં રોગી કલ્યાણ સમિતિના ફંડનો દુરુપયોગ કર્યો હતો. બે દિવસ પહેલા સીબીઆઈ એ દર્શન નાયક પાસેથી વિગતો મેળવી પ્રાથમિક નિવેદન લીધું હતું. આ સમગ્ર મામલે સીબીઆઈ સુરતના કોળી પટેલ સમાજના અગ્રણી, જિલ્લા પંચાયતના માજી પ્રમુખની પૂછપરછ કરી શકે છે.
મુખ્યમંત્રી અને વિજિલન્સને લેખિતમાં ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી નહી કરાઈ: દર્શન નાયક
IAS અધિકારી કે.રાજેશને ત્યાં સીબીઆઈના દરોડા મામલે વિપક્ષ નેતા દર્શન નાયકે જણાવ્યું કે, આ મામલે તેઓએ મુખ્યમંત્રી અને વિજિલન્સ ને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી. આ ઉપરાંત આયોગ અને મુખ્ય સચિવ પણ લેખિતમાં ફરિયાદ કરાઇ હતી. સરકારી ગ્રાન્ટોમાં ગેરરીતિ કરવામાં આવી હોવાના આક્ષેપ તેમજ જિલ્લા પંચાયતના સ્વભંડોળની દુરુપયોગ કર્યો હોવાના આક્ષેપ સાથે ફરિયાદ કરવામાં આવી હતી છતાં કે.રાજેશ સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી. જો કે સીબીઆઈએ કરેલી કાર્યવાહીને અમે આવકારીએ છે.
તપાસમાં CBI સાથે ED પણ જોડાઈ
કે.રાજેશ મૂળ આંધ્રપ્રદેશના વતની છે અને 2011 ગુજરાત બેચ ના IAS અધિકારી છે. રાજેશ અગાઉ સુરતના ડીડીઓ પણ રહી ચુક્યા છે તેમજ સુરેન્દ્રનગરમાં કલેકટર તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે. CBIની સાથે સાથે આ તપાસમાં ED પણ જોડાઈ હોવાની માહિતી મળી રહી છે. રાજ્યના ભ્રષ્ટ IPS અને IAS અધિકારીઓ સામે સીબીઆઈએ લાલ આંખ કરી છે. જેના પગલે મોટા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે.