World

અમેરિકામાં કોવિડના કેસો બાળકોમાં વધતા ચિંતા: એક અઠવાડિયામાં સવા લાખ બાળકોને કોરોના

અમેરિકામાં કોવિડ-૧૯ના કેસો બાળકોમાં ખૂબ વધી જતા મોટી ચિંતા સર્જાઇ છે અને ઘણા બાળકોની વય પણ આ રોગની રસી લેવા માટે ખૂબ નાની જણાતા ચિંતામાં ઉમેરો થયો છે.અમેરિકામાં ગયા સપ્તાહે ૧૨૧૦૦૦ કરતા વધુ બાળકોનો આ વાયરસ માટેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે એમ અમેરિકન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ(આપ) દ્વારા જણાવવામાં આવ્યું છે.

માર્ચ ૨૦૨૦માં આ રોગચાળો શરૂ થયો ત્યારથી અત્યાર સુધી અમેરિકામાં બાળકોમાં ૪૪ લાખ કેસો નોંધાયા છે. જો કે છેલ્લા કેટલાક સમયમાં બાળકોમાં આ રોગનું પ્રમાણ વધતા ચિંતા સર્જાઇ છે. છેલ્લા છ મહિનામાં કોરોનાવાયરસ જન્ય કોવિડ-૧૯ના ચેપ સાથે હોસ્પિટલમાં દાખલ થનાર બાળકોના પ્રમાણમાં ૩૨ ટકાનો ઉછાળો આવ્યો છે.

ઘણા બધા બાળકો એવા છે કે આ રોગની રસી લેવા માટેની તેમની વય નાની છે અને તેથી પણ ચિંતામાં ઓર ઉમેરો થયો છે. અત્યારે અમેરિકામાં બાળકો માટેની જે રસીઓ છે તે ૧૨ વર્ષ કે તેથી વધુ વયના બાળકોને જ આપી શકાય છે. અત્યારે ડોકટરો મોડેર્નાના સંશોધકોને મદદ કરી રહ્યા છે અને ૧૨ વર્ષથી નાની વયના બાળકો માટે રસી વિકસાવવાનું કામ ચાલી રહ્યું છે પણ આવી રસી ઉપલબ્ધ થતાં ઘણા મહિનાઓ નિકળી જાય તેમ છે.

જો કે મૃત્યુ દર ઓછો છે, 0.01% પણ બાળકોમાં વધતા કેસ ચિંતાનું કારણ છે. અમેરિકામાં કોરોનાથી અત્યાર સુધીમાં 400થી વધુ બાળકો મૃત્યુ પપામ્યા છે. હાલ 2000 બાળકો હૉસ્પિટલમાં છે અને એમાંથી ઘણાં આઇસીયુમાં છે. અમુકની વય ચાર વર્ષ કરતાય ઓછી છે.
બાળકોમાં કેસો વધતા વાલીઓ, શાળા સંચાલકો, વહીવટીતંત્રો વગેરે વચ્ચેના વિવાદો પણ વધ્યા છે.

ખાસ કરીને ફલોરિડા અને ટેકસાસ જેવા રાજ્યોમાં આવા સંઘર્ષો વધ્યા છે. કેટલીક જ્ગ્યાએ શાળાઓએ બાળકોને માસ્ક પહેરીને આવવાનું જણાવ્યું હતું, જ્યારે કેટલાક ગવર્નરોએ બાળકોને માસ્ક પહેરવાની ફરજ પાડવા શાળાઓને મનાઇ ફરમાવી છે.

Most Popular

To Top