બારડોલી, માંડવી: ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને (Heavy Rain) કારણે ઉકાઈ ડેમમાં (Ukai Dam) પાણીની આવક વધતા ૯૭ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આથી તાપી નદીની (Tapi River) જળ સપાટીમાં વધારો નોંધાયો છે. જેને પગલે બારડોલીના (Bardoli) કડોદ નજીક આવેલા હરિપુરા કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર માટે રસ્તો (Road) બંધ કરવામાં આવ્યો છે. ચોમાસાની સિઝનમાં વારંવાર રસ્તો બંધ થતો હોય નદીને સામે પાર આવેલા માંડવી તાલુકા ૧૪થી વધુ ગામોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. માંડવીનો કોસાડી-હરિપુરા કોઝવે પણ પાણીમાં 8મી વખત ડૂબી જતાં કમલાપોર, ખંજરોલી, પીપરિયા, ઉન, ગોદાવાડી, ઉમરસાડી વગેરે મોટા ભાગના ગામોના વાહન વ્યવહાર ઠપ્પ થયો હતો. અને વિદ્યાર્થીઓ,નો કરી ધંધા અર્થે જતા અન્ય વ્યક્તિઓ મુશ્કેલીમાં મુકાયા હતા.
ઉકાઇ ડેમમાંથી છોડવામાં આવેલું પાણી કોઝવે ઉપરથી પસાર થવા લાગતા સુરત જિલ્લા કલેક્ટરે કોઝવે પરથી અવર જવર ન કરવાની સૂચના વહેતી કરી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કોઝવેની બંને તરફ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે હરિપુરા કોઝવે પર દર ચોમાસે વારંવાર પાણી ફરી વળતા હોય કડોદ સાથે જોડાયેલા માંડવી તાલુકાના 14થી વધુ ગામના લોકોને હાલાકી વેઠવાનો વારો આવે છે. કોઝવે ડૂબી જતા વિસ્તારના ગામોએ 25 કિલોમીટરથી વધુનો ચકરાવો લગાવવાની ફરજ પડે છે. ત્યારે સ્થાનિક નેતાગીરી આ બાબતે ધ્યાન આપી ઊંચો પુલ બનાવી લોકોની મુશ્કેલી હળવી કરે તેવી માંગ ઉઠવા પામી છે.
માંડવી રિવર ફન્ટ આઠમી વખત પાણીમાં ગરકાવ
માંડવી: ઉકાઈ ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. એ જોતાં માંડવીના કાકરાપાર વિયર પરથી 88.400 ક્યુસેક પાણી ઈનફ્લો થયો હતો. જે કાકરાપાર ડેમ પરથી 5.50 ફૂટ ઉપરથી પાણી વહેતાં તાપી નદી બે કાંઠે વહી રહી છે. કાકરાપાર ડેમની સપાટી 165 છે. ત્યારે માંડવી રિવર ફન્ટ આઠમી વખત પાણીમાં ગરકાવ થયો હતો. જેને જોવા લોકટોળાં ઊમટ્યાં હતાં. અને સુરક્ષાના ભાગરૂપે પોલીસ તંત્ર તૈનાત રહ્યું હતું.