SURAT

VIDEO: સુરતમાં દે ધના ધન વરસાદ પડતાં તાપી બે કાંઠે, કોઝવે બંધ કરાયો, અઠવામાં રસ્તા પર ભૂવો પડ્યો

સુરત: છેલ્લાં ત્રણ દિવસથી સુરતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આજે સોમવારે સવારે પણ શહેરમાં સારો વરસાદ પડ્યો છે. વરસાદને પગલે તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે અને સિઝનમાં પહેલીવાર વિયર કમ કોઝવેના ગેટ બંધ કરી દેવાયા છે. બીજી તરફ ઉન વિસ્તારમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ગંભીર બેદરકારી સામે આવી છે. અહીં વરસતા વરસાદમાં વીજળીનો થાંભલો પડ્યો છે.

છેલ્લાં ત્રણ દિવસથી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચોમાસું જામ્યું છે. આજે પણ સુરત શહેરમાં વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો છવાયા છે. થોડી થોડી વાર વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે. તાપી નદીમાં નવા નીર આવતા સુરતનો વિયર કમ કોઝ વે પણ ઓવરફ્લોની નજીક પહોંચી ગયો છે. જેથી કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. કોઝવેનાં નયનરમ્ય દૃશ્યો જોવા મળી રહ્યાં છે. કોઝ વેની ભયજનક સપાટી 6 મીટર છે. 6 મીટરને પાર થતા કોઝવે ઓવરફલો થાય છે. કોઝવે ઓવરફ્લોથી દૂર છે ત્યારે જ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયો છે.

અઠવા-ઉમરા પોલીસ સ્ટેશન પાસે ભૂવો પડ્યો
ત્રણ દિવસથી પડી રહેલાં સતત વરસાદના લીધે સુરત શહેરની જમીન પોચી થઈ ગઈ છે. આ સાથે જ શહેરના રસ્તા પર ભુવા પડવા લાગ્યા છે. શહેર પોલીસ કમિશનર કચેરીની બાજુમાં ઉમરા પોલીસ સ્ટેશનની બહાર 12થી 15 ફૂટ ઊંડો ભૂવો આજે સવારે પડ્યો છે. પાલિકાની પ્રીમોન્સુન કામગીરીની પોલ ઉઘાડી પડી ગઈ છે. પોલીસે ભુવાની ફરતે બેરિકેડ કરી દીધા છે.

ઉનમાં વીજળીનો થાંભલો શોર્ટ સર્કિટ સાથે પટકાયો
સુરતમાં છેલ્લા 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે જમીન પોચી પડી ગઈ હોય તેવું સામે આવી રહ્યું છે. ઉન વિસ્તારમાં ડીજીવીસીએલની ગંભીર બેદરકારી સામે આવી છે. બે ઈલેક્ટ્રીક થાંભલા શોર્ટ સર્કિટના ધડાકા સાથે પટકાયા હતાં. વાયરો એક મેક સાથે અડકી જતાં તણખાં પણ ઝર્યા હતાં. બન્ને થાંભલા નીચે રિક્ષા પાર્ક હતી. જેમાં સિમેન્ટનો થાંભલો માથે પડતાં રિક્ષાના કડૂસલો વળી ગયો હતો. જ્યારે લોખંડનો થાંભળો વળી ગયો હતો. લોખંડના થાંભલા નીચેની રિક્ષામાંથી ચાલક જીવ બચાવી ભાગ્યો હતો. જો કે, થાંભલો વળી ગયો હોવાથી પોતે અને રિક્ષા બચાવવામાં સફળ રહ્યો હતો.

વરાછામાં ઝાડ પડતાં રસ્તો બંધ કરાયો
વરસાદ અને ભારે પવનના લીધે વરાછાના ગીતાંજલી વિસ્તારમાં વર્ષો જૂનું ઝાડ ધરાશાયી થયું હતું. ઝાડ પડતા રસ્તો બંધ કરી દેવાયો હતો. રાહદારીઓ અને વાહનચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરમાં અનેક જગ્યાએ ઝાડ પડવાની ઘટના વધી રહી છે. જેથી ફાયરબ્રિગેડના કર્મચારીઓ સતત દોડતાં જોવા મળી રહ્યાં છે.

ઉધના રેલવે પ્લેટફોર્મ પર જમીન બેસી ગઈ
ત્રણ દિવસથી પડી રહેલાં ભારે વરસાદના લીધે ઉધના રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ પરની જમીન બેસી ગઈ હતી. પ્લેટફોર્મ નંબર 2 અને 3ની જમીનમાં પાણી ઉતર્યું હોવાથી બેસી ગઈ હતી.

Most Popular

To Top