Charchapatra

જલ્દી મૃત્યુનાં કારણો…

જેણે જન્મ લીધો તેનું મૃત્યુ નિશ્ચિત છે. વૈદિક જયોતિષ શાસ્ત્ર એવું છે કે તેમાં ગ્રહોની સ્થિતિ દરેક વ્યકિતનાં જન્માક્ષરમાં કેવી છે તે પ્રમાણે મનુષ્ય આવરદા-જીવવાનો સમય જાણી શકાય છે. આઝે પણ સમાચાર પત્રોમાં કોઇ વ્યકિત નર કે માદા એકસો દસ વર્ષનું આયુષ્ય ભોગવે છે, ઘણાં સો વર્ષનાં જીવતરમાં પણ કાર્યરત હોય છે વગેરે જાણવા મળે છે. પરંતુ મોટે ભાગે તો અસમયે-અકાળે-મૃત્યુનાં સમાચાર જ રોજે રોજ વધારે હોય છે.

કોઇનાં જીવનમાં જીવતરનાં નેવું વર્ષ જન્માક્ષર બતાવે અને તે પચાસ-પંચાવન વર્ષની ઉંમરે જ મૃત્યુ પામે છે. ત્યારે બુધ્ધિ વિચારક જ્ઞાનીઓ રેશનાલીસ્ટને મઝા આવી જાય છે. કારણ તેમણે તો જયોતિષ વિદ્યાને ખોટી સાબિત કરવી હોય છે. પરંતુ તેઓ વિચારતા નથી કે આ માનવીનું મૃત્યુ કેમ વહેલુ થયું. જયોતિષશાસ્ત્રનો સિધ્ધાંત તો જે મનુષ્ય સાત્વિક જીવન અને આરોગ્યલક્ષી જીવન ગુજારતો હોય તેને માટે લખાયું હોય છે. તે એમ કહી શકતી નથી કે આ વ્યકિત દારૂ કે ડ્રગ્સની આદતમાં પડી જલ્દી મરણ પામશે.

એ વ્યકિતની પોતાની નિજી જીવનશૈલી છે કે તે આરોગ્યપ્રદ રહી જીવન જીવવા માંગે છે કે નશાઓમાં અટવાઇ જલ્દી મૃત્યું પામવા તૈયાર છે. આજની વ્યકિત જે પૈસા કમાવાની પ્રવૃત્તિમાં પડી કેટલીક મૃત્યુલક્ષી આદતોમાં પણ અટવાઇ જાય છે. જરૂરિયાત કરતાં વધારે પૈસા કમાવાની વૃત્તિમાં આરોગ્ય વિરૂધ્ધની વસ્તુઓ પણ ઘૂસી જાય છે. પૈસા કમાવાની લ્હાયમાં મનુષ્ય આરોગ્યપ્રદ શારિરીક વ્યાયામો ખોરાક બધું ભૂલી જાય છે અને શરીરમાં ચરબી ઘૂસી જાય છે. બીડી, સિગરેટ વગેરેથી શ્વાસોચ્છવાસની પ્રક્રિયામાં ખામી આવે છે અને એક દિવસ શ્વાસમાં અવરોધ આવી શ્વાસ રૂંધાય છે. અનઆરોગ્યપ્રદ ખોરાકો વ્યકિતનું લિવર અને હાર્ટ પર અશર કરે છે. તેના કુદરતી ચક્રમાં અવરોધ લાવે છે એટલે તે વ્યકિતનું આયુષ્ય લાંબુ હોવા છતાં જલ્દી મૃત્યુ થાય છે. આપણાં પૂર્વજો વ્યસન વગર રહીને લાંબુ આયુષ્ય અને આરોગ્યપ્રદ જીવન જીવતાં હતાં!
સુરત     – ડો. કે.ટી. સોની  – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top