હેલ્મેટ પહેરવાને લીધે બધાંનાં માથાં સલામત થઇ ગયાં. હવે આડેધડ પાર્ક થતી રિક્ષાઓ પર તવાઇ આવવાની છે. રસ્તામાં પાર્કિંગ સ્ટેન્ડ સિવાય ચાર-પાંચ રિક્ષાઓ ઊભી હોય, ઓચિંતી કોઇ રિક્ષા વચ્ચે ઊભી રહી જાય એ બધાં કારણોસર અકસ્માત થવાનો ભય રહે છે. પણ બીજું એક કારણ એ છે કે સવારના ટાઇમે દૂધવાળાઓ બે બાજુ કેરિયર ફીટ કરાવી એની ઉપર મોટા મોટા કેન ગોઠવી એટલી ઝડપથી બાઇક ભગાવતા હોય અને જ્યારે એ લોકો ટર્ન લે ત્યારે બાઇક એટલી વાંકી વાળે કે સામા માણસથી ગભરાઇ જવાય. એટલે એ લોકો માટે પણ કંઇ કરવું જોઇએ. હવે લોકો તુંદરસ્તી માટે ખૂબ જ જાગૃત થઇ ગયા છે એટલે સવારે ચાર-પાંચ જણ એક લાઇનમાં રસ્તામાં ચાલતાં હોય છે.
બે બાજુએ ગાડીઓની હારમાળા અને આ ચાલનારાઓની લાઇનને લીધે રોડ પર એટલી ઓછી જગ્યા બચી હોય કે વાહન ચલાવવું અઘરું પડે. વળી કૂતરાઓનો ત્રાસ. વળી કેટલાક વિરલાએ તો વોટસએપમાં જોઇને ઊંધા ચાલવાનો પ્રયોગ પણ રોડ પર કરતા હોય છે. મદારીના ખેલ જેવું જ લાગે. ઘણી સોસાયટી કે એપાર્ટમેન્ટમાં બહાર નીકળવા માટે સ્લોપ હોય એટલે અંદરથી સ્પીડમાં આવતા વાહનની અડફટે રોડ પરથી પસાર થતાં વાહન ચઢી જાય છે. કારણ કે રોડ પરના વાહનચાલકને ખબર જ નથી હોતી કે અંદરથી કોઇ સ્પીડમાં પ્રગટ થશે. ટૂંકમાં અકસ્માત થવાનાં ઘણાં કારણો હોય છે જેમાંથી ઘણાં ચાલકો પોતે સમજીને નિવારી શકીએ.
સુરત – પલ્લવી ત્રિવેદી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ચૌટાબજારનાં રાહદારીની વેદના
સુરતનાં ચૌટાબજારમાં દુકાનોની આસપાસ પાથરણાંવાળાઓ અડિંગો જમાવી બેસી જાય છે અને દુકાનોવાળા પાથરણાવાળાઓની પાસે મહિનાના અંતે મોટા ભાડાંની ઉઘરાણી કરે છે, આમાં રાહદારીઓ માટે ચાલવાની જગ્યા પણ રહેતી નથી અને અમુક લોકો તો જાણે ચૌટુ એમનું હોય તે રીતે ચાલે છે. રસ્તામાં ચાલવાની જગ્યા પણ આપતા નથી ને પાછા ટોળામાં ચાલે અને શાંતિથી વાત કરીએ તો દાદાગીરીથી વાત કરે, એમનો તહેવાર આવે એટલે દાદાગીરી, ભીડ વધી જાય છે. પહેલા તો જે દુકાનોવાળા પરવાનગી બેસવાની તેની દુકાન બંધ કરાવી જોઈએ અને કોટવાળાની શેરીમાં તો જાણે દબાણ ઉભુ કરી દીધુ હોય એમ લાગે રસ્તાની વચ્ચો વચ્ચ જીન્સ-ટી-શર્ટના પૂતળા લાઈનબદ્ધ ઉભા કરી દીધા છે. આપણા સુરતના જ ગૃહરાજ્ય મંત્રીને પત્ર પણ લખેલો હતો તો હજુ સુધી નિકાળ નથી આવ્યો તો આવા સંજોગોમાં કોઈ પણ રાજકીય પક્ષોએ વોર્ડમાં મત માંગવા આવવુ નહીં અને મત મળી જાય છે તો આ લોકો પોતાનું મોઢુ પણ બતાવતા નથી. તો પહેલા ચૌટાબજારમાં દૂષણો વધી ગયા છે તેનો નિકાલ કરે છે.
સુરત – કૌરવ પંડ્યા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
