,વડોદરા : વડોદરા મહાનગર પાલિકા દ્વારા શહેરમાં મરેલા પશુઓના નિકાલ માટે ગાજરાવાડી ખાતે સ્લોટર હાઉસ બનાવવામાં આવ્યું છે. પણ ત્યા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની સૂચના પછી પણ ક્રસર પ્લાન્ટ વિના જ પશુઆેના મૃતદેહોનો નિકાલ કરવામાં આવતો હોઇ જીપીસીબીએ પાલિકાને કારણ દર્શક નોટિસ આપીને કરવામાં આવેલી કાર્યવાહીનો રિપોર્ટ 15 દિવસમાં આપવા અન્યથા કાયદાકીય પગલાં ભરવાની તાકીદ કરાઇ છે.
વડોદરા મહાનગર પાલિકા સ્લોટર હાઉસમાં મરેલા પશુઓનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ નહી કરીને મરેલા ઢોરો ખુલ્લામાં મૂકી રાખતા હોઇ વિસ્તારમાં અતિશય દુર્ગંધ તેમજ પશુ તેમજ પક્ષીઓનો જમાવડો જોવા મળે છે. ધ કોર્ટ બેઝ ચેરિટેબલ ટ્રસ્ટે આ બાબતે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડમાં ફરિયાદ કરતા ગત ડિસેમ્બરમાં બોર્ડ દ્વારા સ્થળ સ્થિતિની તપાસ કરાઇ હતી.
જેમાં મરેલા ઢોરોના નિકાલ માટે મૂકવામાં આવેલ ક્રસર પ્લાન્ટના ઉપયોગ કરતો ન હતો તેમજ મૃત પશુઓના હાડકાં જોવા મળતા હતા. બોર્ડ દ્વારા મૃતપશુઓના નિકાલ માટે કન્સેન્ટ યુ એસ્ટા બ્લિસ (સીટીઇ) આપી હતી. જેની મુદ્દત તા.5,ડિસેમ્બર,2018 સુધીની હતી. આ મુદ્દત પુરી થયા પછી કોર્પોરેશનને નવી મંજૂરી લીધી ન હતી.
કરારમાં ક્રશ થયેલા મૃત પ્રાણીઓને પર્યાવરણીય સુરક્ષિત નિકલા કરવા, ખુલ્લાં પાડીને પડી રહેલા મૃતદેહોની દુર્ગંધ અટકાવવા, દુર્ગંધ ન ફેલાય તે માટે ડિઓરડન્ટનો છંટકાવ કરવા, પશુઓને બાળવા માટેની સુવિધા, કોઇપણ બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ કરવા તાકીદ કરી છે. આ ઉપરાંત મૃતપશુઓને ક્રશ કર્યા બાદ ગેસ પ્લાટન્ટમાં લઇ જવાય છે. જેમાં પેદા થતા ગેસથી ઊર્જા સેટ ચલાવાય છે.
આ ગેસ પ્લાન્ટમાંથી જ વધારાનું પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. જેના નિકાલ માટે પણ કોઇ વ્યવસ્થા પાલિકા તરફથી કરાઇ નથી અને પાણી ટ્રીટ પણ કરાયુ નથી. આ સ્લોટર હાઉસમાં રોજના ચારથી પાંચ મૃત પશુઓ આવે છે.
પાલિકાના વિભાગીય સૂત્રોના જણાવ્યા અનુસાર ભૂતકાળમાં એનઓસી લીધી હતી. એટલુ જ નહી પ્લાટન્ટમાં કરાયેલા સુધારા વધારા બાબતે બોર્ડમાં અરજી કરાઇ હતી. જેના આધારે જે કાર્યવાહી કરવાની હશે તે વિભાગ દ્વારા કરાશે.