વડોદરા : વડોદરા શહેરને રખડતા ઢોરોમાંથી મુક્તિ અપાવી તેમના મારફતે થતા અકસ્માતો નિવારવા માટે પાલિકા દ્વારા પશુપાલકો સામે પાસા સુધીની કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો હતો.પરંતુ માત્ર આ વાત લોકમુખે જ હોવાનું સામે આવ્યું છે. હજીએ શહેરમાં રખડતા ઢોરો નજરે પડતા ઢોર પાર્ટીના અધિકારીઓ,કર્મચારીઓ સાથે ઢોરમાલિકોની મિલીભગત સ્પષ્ટ પણે દેખાઈ આવે છે. રખડતા ઢોરોના ત્રાસને ડામવા પાલિકા તંત્ર દ્વારા ઢોરોને પકડવાની સાથે સાથે બાકી રહી ગયેલા ઢોરોને આરએફઆઈડીનું ટેગીંગ કરવાની કામગીરી પાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે.જે 3 નવેમ્બર સુધી ચાલનાર છે.અત્યાર સુધીમાં 425થી વધુ ઢોરોને પકડ્યા છે.1600 નું ટેગીંગ કરવામાં આવ્યું છે.જ્યારે 7 દિવસમાં માલિક દ્વારા ઢોરને છોડાવવામાં ન આવે તો આવા ઢોરોને ગૌશાળાઓમાં મોકલી આપવામાં આવે છે. જોકે હજી પણ શહેરમાં રાત્રી દરમિયાન રાજમાર્ગો પર ઢોરોનો અડિંગો જોવા મળ્યો છે.
એક સર્વે પ્રમાણે શહેરમાં 2 હજારથી વધુ પશુપાલક પરિવારો 20 હજાર જેટલાં ઢોર ધરાવે છે. આ પશુપાલકો તેઓના ઢોરોને બેફામ રીતે રસ્તા પર છોડી દેતાં પશુ જાહેર રસ્તા પર આવી જાય છે . જેથી રસ્તા પર અવર – જવર કરતાં લોકોને ગંભીર અકસ્માત તેમજ જાનહાનિનો સામનો કરવો પડતો હોય છે. તાજેતરમાં જ મેયર કેયુર રોકડિયા , સાંસદ રંજનબેન ભટ્ટ મ્યુ.કમિ. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે સંયુક્ત બેઠક કરીને મહત્ત્વના મુદ્દા પર ચર્ચા થઇ હતી.
જેમાં જાહેર રસ્તા પરથી જો કોઇ ઢોર પ્રથમવાર પકડાય તો દંડ પેટે રૂા.2,200 તથા રૂા.100 ખાધા ખોરાકી પ્રતિદિન લેવામાં આવે છે અને જો તે જ પશુ બીજીવાર પકડાય છે તો રૂા .11,200 દંડ રૂા.100 ખાધા ખોરાકી પ્રતિદિન તે પશુના પશુપાલક પાસેથી વસુલવામાં આવે છે. છતાં રખડતા ઢોરોનો ત્રાસ ઓછો થતો ન હોવાથી હવે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. એક ઢોર માલિકે નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે જે સ્થળ ઉપરથી ઢોર પકડાય તો ફરજ પર હાજર અધિકારી અને કર્મચારીઓ દ્વારા સેટિંગ કરવામાં આવે છે.બે ઢોર પકડાય તો 10,000 રૂ.લઈ સ્થળથી થોડે દુર છોડી મુકવામાં આવે છે.
આમ હપ્તાખોરી ચલાવાઈ રહી છે.જેની પાસે માત્ર બે ઢોર હોય તો તેવો ઢોર માલિક ક્યાંથી આટલી મોટી રકમ પોતાના ઢોર છોડાવવા આપી શકે.બીજી તરફ રખડતા ઢોરોના ત્રાસની સાથે સાથે ઢોર પાર્ટીની ગાડીઓ સાથે ઢોર માલિકો પોતાનું ઢોર પકડાય નહીં અને છોડાવવા માટે હપ્તા કે દંડની રકમ ચૂકવવી ન પડે માટે પોતાના વાહનો પુરપાટ હંકારી રહ્યા છે. પાલિકા તંત્ર દ્વારા આ પહેલા પણ પાસા સુધીની કાર્યવાહી કરવા જણાવાયું હતું.ઢોરના કારણે ઈજા થઈ હોવાની 60 ફરિયાદ એફઆઈઆર અગાઉ થઈ ગઈ છે.જ્યારે છેલ્લા 6 એક મહિનામાં 36 એફઆઈઆર થઈ છે.