સુરત: શહેરના સચિનના પાલિગામમાં ચિકન ખાધા બાદ ફૂડ પોઇઝનની અસર થતા બે મજૂરોને તાત્કાલિક 108ની મદદથી સિવિલ ખસેડાયા હતા. મજૂરો કહ્યું હતું કે, ચીકનમાંથી ઈયળ નીકળી હતી. ફરિયાદ કરતા લારીવાળાએ મારવાની ધમકી આપી હતી. ચિકન ખાધાના 10 મિનિટ બાદ જ ઊલટીઓ શરૂ થઈ જતા 108માં સિવિલ આવ્યા હતા. હાલ બંન્નેની તબિયત સાધારણ છે.
- સચિનમાં ચિકન પકોડા ખાધા બાદ બે જણાને ફૂડ પોઇઝનની અસર
- બન્ને મજૂરો ને 108ની મદદથી સિવિલ લવાયા
- સવારે 20 રૂપિયાના પકોડા લીધા બાદ અંદરથી ઈયળ નીકળી હતી
- ચિકનમાં ઈયળ હોવાની ફરિયાદ કરતા લારીવાળાએ મારવાની ધમકી મળી
પીડિત મજૂર શંભુ દિવાન રાજભરએ જણાવ્યું હતું કે તેઓ કલર કામની મજૂરી કામ કરી રહ્યા છે. કામ પર જવા પહેલા નાસ્તામાં લારી પરથી 20 રૂપિયાના ચિકન પકોડા લીધા બાદ ખાતી વખતે ઈયળ નીકળી હતી. જે બાબતે લારી વાળાને કહેવા જતા ધમકી આપી મારવા લીધા હતા. બસ તેના 10 મિનિટ બાદ ઊલટીઓ શરૂ થઈ ગઈ હતી.
અન્ય પીડિત વિકાસ શિવ પાસવાન (ઉ.વ.25) એ જણાવ્યું હતું કે તેઓ પણ મજૂરી કામ કરે છે. સાથી મજૂર મિત્ર એ લીધેલા ચિકન પકોડા ખાધા બાદ તબિયત બગડી હતી. મિત્ર એ કહ્યું હતું કે પકોડામાં ઈયળ હતી. જે પેકેટ હાથમાં લઈને સિવિલ આવ્યા હતા. ડોક્ટરો પણ ચોંકી ગયા હતા. હાલ બન્ને જણા સારવાર હેઠળ છે.
ડોક્ટરોએ કહ્યું હતું કે બન્ને મજૂરો સચિન પાલિગામના કાલી મંદિર પાસેના રહેવાસી છે અને ઘટના આજે સવારે શુક્રવાર સવારની છે. શંભુ યુપીનો રહેવાસી અને વિકાસ બિહારનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. એક વર્ષ પહેલા બન્ને મિત્રો રોજગારીની શોધમાં સુરત આવ્યા હતા. હાલ બન્ને ની તબિયત સારી છે.