Columns

બિલાડી અને ખિલાડી

સવારે સવારે મારા બાંકડે ચા પીવા મારા એક નિયમિત ગ્રાહક નૌતમલાલ આવ્યા. એમના ખભે અને ગળા પર પાટો વીંટેલો જોઈ મેં પૂછ્યું, ‘શું થઈ ગયું નૌતમકાકા? કંઈ એક્સિડન્ટ થયો કે શું? આ પાટાપિંડી કેમ કરવી પડી?’ ‘હવે એક્સિડન્ટ કહો કે હુમલો કહો કે મારા નસીબ ફૂટેલા એમ કહો પણ વગર વાંકગુને હું તો ઘાયલ થઈ ગયો’ ચાની પ્યાલી લેતા નૌતમલાલ બોલ્યા. નૌતમલાલ આવ્યા એની 2 મિનિટ પહેલાં જ એક પ્રોફેસર ચા પીવા આવ્યા હતા. મારા બાંકડા પર જ ઓળખાણ થતા એ પણ નૌતમલાલને જાણતા. એમણે ચિંતિત થઇ પૂછ્યું, ‘એવું બધું શું થઇ ગયું? આપણા વિસ્તારમાં થયું કંઈ?’

‘આપણા વિસ્તારમાં નહીં ભાઈ ઘેર બેઠા થયું. બિલાડીએ હુમલો કર્યો!’ આ સાંભળી પ્રોફેસર અને મને નવાઈ લાગી. ‘બિલાડી? પણ તમે ક્યાં કોઈ બિલાડી પાળી છે?’ ‘નથી પાળી. પણ જુઓ એણે મને પાડી નાખ્યો.’ પછી નૌતમલાલે વિસ્તારથી વાત કરી. તેઓ પાંચેક દિવસ માટે બહારગામ ગયેલા. એકલા જ રહે એટલે બારીબારણાં વ્યવસ્થિત બંધ કરી ગયેલા. સોસાયટીમાં ફરતી એક બિલાડી એ બંધ ઘરમાં કેદ થઈ ગઈ. પછી નૌતમલાલે પાછા આવી ઘરનો દરવાજો ખોલ્યો ત્યારે ભૂખતરસથી વ્યાકુળ અને ત્રાસેલી બિલાડીએ નૌતમભાઈ પર હુમલો કરી એમને ઘાયલ કરી નાખ્યા.

‘હું હંમેશાં એ બિલાડીને ખાવાનું આપતો, આવતા – જતા મળી જાય તો લાડ કરતો અને જુઓ એણે શું બદલો આપ્યો મને મારા સ્નેહનો!’ નિરાશ અવાજમાં નૌતમભાઈ બોલ્યા. ‘ના વડીલ, આમ જીવ નાનો ન કરો. એ બિલાડીએ તમારા પર હુમલો કર્યો એ વાત ખરી પણ એવું એણે શું કામ કર્યું એ વિચારો.’ ‘એમાં શું વિચારવાનું! જંગલી પ્રાણી, એ શું સમજે સ્નેહ અને કાળજીમાં. આપણે આપણા સ્વભાવ પ્રમાણે એમની સાથે પ્રેમથી વર્તીએ અને એ એના હિંસક સ્વભાવ પ્રમાણે આપણી સાથે વર્તે. આપણી લાગણી સાથે રમત રમે છે. બિલાડી તો ખિલાડી નીકળી. આટલી સરળ વાત છે, એમાં વિચારવાનું શું?’

‘અરે ના ના એટલું સરળ નથી. બિલાડી જંગલી ન કહેવાય. જે પ્રાણીઓ સદીઓથી માણસ જાત સાથે રહે છે, એ હવે જંગલના સંસ્કાર ભૂલી ગયા છે માટે મરઘાં, કૂતરા કે બિલાડા ડોમેસ્ટિક પ્રાણી એટલે કે ઘરેલુ જાનવર ગણાય….’ ‘પણ સાહેબ દેશ માટે, જનતા માટે શું શું ત્યાગ કરે છે, દુઃખ ઉઠાવે છે એ તો સમજવું જોઈએ! સાલાઓ અભણ અને જંગલી બસ કોઈ ટીચું મળતાં જ સાહેબની ઇમેજ પર હુમલો કરવા તૈયાર જ બેઠા હોય છે. ઓ ભાઈ અહીં 5 કટિંગ આલ….’

કોઈ મધુરું ગીત રેડિયો પર સાંભળતા હોઈએ અને અચાનક એમાં ખેલકૂદના સમાચાર કે દૂરના કોઈ દેશમાં આવેલા નદીના પૂરની વિગત આવવી શરૂ થઈ જાય. ગીત કેમ ગાયબ થઈ ગયું અને આ ભળતી જ વાત કોણ શું કામ કરે છે એમ આપણે મૂંઝાઈ જઈએ. પછી યાદ આવે કે રેડિયો સિલોનના સ્ટેશન પર વાગી રહ્યો છે, જ્યાં આમ અચાનક સિગ્નલ મિક્સ થઈ જતા હોય છે એવું અમારા ત્રણે સાથે થયું. પ્રોફેસર નૌતમલાલ બિલાડી વિશે કંઈક ડાહી ડાહી વાત કહેવી હજી શરૂ કરે ત્યાં અચાનક ભળતા વિષય પર જોરશોરથી ચર્ચા ચાલુ થઈ ગઈ.

ચર્ચાનો વિષય હતો હાલ જ સરકાર દ્વારા રજૂ થયેલી 4 વર્ષની લશ્કરી નોકરીની જાહેરાત અને એના પગલે દેશના અમુક હિસ્સામાં ફાટી નીકળેલા તોફાનો. પાંચેક ઉત્સાહી યુવાનો અચાનક આ ચર્ચા કરતા કરતા મારા બાંકડે આવી ગયા હતા. એમને ઉત્સાહી એટલે કહ્યા કેમ કે પાંચેનો દલીલો કરવાનો ઉમંગ એટલો બધો હતો કે એ લોકો એકબીજાની પણ આખી વાત સાંભળી નહોતા રહ્યા, તો એવા શોરબકોરમાં નૌતમલાલ અને પ્રોફેસર ક્યાંથી પોતાની વાતો કરી શકવાના હતા!

એ યુવાનોમાં 2 જણ સરકાર માટે સહાનુભૂતિ ધરાવતા હતા અને એક આ તોફાની વિરોધને ‘સમજવાની’ વાત કરી રહ્યો હતો. ‘તોફાન એટલે તોફાન, એમાં સમજવાનું શું વળી? ગામના ઉતાર જેવા જંગલી લોકો છે – આમજનતાની સંપત્તિ પર પથ્થરમારો કરવું એ ક્યાંની અક્કલ છે?’ એક ઘોઘરા અવાજવાળા યુવાને ઊંચા સૂરમાં કહ્યું. ત્યારે એક મૃદુ સ્વરના એના મિત્રે એને કહ્યું, ‘તું જરા ધીમે વાત કર, શું સમજવા કહું છું એ તો સાંભળ?’

તરત એક ટોપી પહેરેલ બીજા યુવાને મૃદુ સ્વરના યુવાનને ધમકાવી નાખતાં અવાજમાં કહ્યું, ‘સાહેબે પોતાની કોઠાસૂઝ વાપરીને હવામાંથી રોજગાર ઊભો કર્યો છે. લાખોની સંખ્યામાં આમ નોકરીની તક ઊભી કરી તો એના ગુણ વખાણવાને બદલે લુચ્ચાઓ સાહેબની ઇમેજ બગાડી રહ્યા છે!’ પેલા ઘોઘરા અવાજવાળાએ આમ સમર્થન મળતાં વધુ ઉત્તેજિત થઇ કહ્યું, ‘આ જનતાને ડંડા જ પડવા જોઈએ. સાહેબના જનતા માટેના સ્નેહ અને કાળજીની કોઈને કદર જ નથી.’

‘અરે પણ મારી વાત તો સાંભળો!’ મૃદુ અવાજવાળાએ આજીજી કરી પણ પેલા બન્ને ખૂબ આવેશમાં હતા. ‘તું શેનો એ તોફાનીઓની વકીલાત કરે છે દેશદ્રોહી!’ ‘દેશદ્રોહી?’ મૃદુ અવાજવાળાએ આઘાત સાથે પૂછ્યું.‘હાસ્તો. જે લોકો સાહેબની વિરુદ્ધ એ લોકો દેશની વિરુદ્ધ’ ઘોઘરા અવાજવાળાએ નિર્ણાયક ટોનમાં કહ્યું. ‘અરે વાહ! તો એ તોફાનીઓ કયા દેશના છે? હું કયા દેશનો? દેશદ્રોહ કરી હું ક્યાં રહેવા જવાનો હોઈશ?’ એ મૃદુ સ્વરવાળાએ નવાઈ સાથે પૂછ્યું. ‘અમને શું ખબર! જે લોકો આવા તોફાન કરી સાહેબની ઇમેજ બગાડવાના પૈસા આપે છે એ લોકોના દેશમાં જવાનો હશે’ ટોપી પહેરેલા એના સાથીએ કહ્યું.

‘તમારા લોકોના મગજ સાહેબની વાતો અને સાહેબની હરકતોના બચાવમાં નકામા થઈ ગયા છે.’ મૃદુ સ્વરવાળાએ ચિઢાઈ જતા કહ્યું, ‘દેશ બહારના યુવાનો અનેક પ્રકારની સરકારી નોકરી માટે ઇન્ટરવ્યૂ આપી, પાસ થઈને કેટલાય વર્ષોથી એમની નિમણૂક થાય એની રાહ જુએ છે. લશ્કરથી માંડીને શાળાઓ અને સરકારી ઓફિસથી માંડીને જાહેરક્ષેત્રના અનેક વિભાગોમાં કંઈ કેટલા હોદ્દા ખાલી પડ્યા છે. સરકારી નોકરી કરનારા નિવૃત્ત થાય પછી એ જગ્યાએ કોઈ નવી નિમણૂક થઈ જ નથી રહી.

પ્રજાના કામ એમાં ખોરંભે ચડે છે અને જ્યારે આખા દેશમાં લાખો લોકો નોકરીના નિમણૂકપત્રની રાહ જોતા હોય, ત્યારે એના વિશે કોઈ સ્પષ્ટતા કરવાને બદલે 4 વર્ષની કોન્ટ્રાક્ટ પદ્ધતિની વાત સરકાર કરે અને એ પણ રોજગાર માટે તરસી રહેલા અસંખ્ય યુવાનો સામે તમે ધોયેલો ટુવાલ ઝાટકતા હોય, એવો પાણીનો છંટકાવ જેવી રોજગારીની ઓફર મૂકો તો લોકો શું કરે? એ વિચાર્યું છે?’ મૃદુ સ્વરવાળાની આ દલીલ સાંભળી ઘોઘરા અવાજવાળો અને ટોપીવાળો બે પળ ચૂપ થઈ ગયા પણ માત્ર બે પળ. પછી ઘોઘરા અવાજવાળો જોરશોરથી બોલવા માંડ્યો, ‘આ બધી અફવા છે. કોઈ હોદા ક્યાંય ખાલી નથી. દરેક જગ્યાએ ખૂબ વ્યવસ્થિત કામ ચાલી રહ્યું છે.’

તરત ટોપીવાળાએ સૂર પુરાવતાં કહ્યું, ‘આ બધી અફવા છે, સાહેબની ઇમેજ પર હુમલો છે. આપણા દેશને નીચો દેખાડવાનું ષડયંત્ર છે.’ ‘કોનું ષડયંત્ર?’ મૃદુ સ્વરવાળાએ પૂછ્યું. ‘તને શરમ આવવી જોઈએ!’ ઘોઘરા અવાજવાળાએ કહ્યું. ‘કઈ વાતની?’ ‘તારી બુદ્ધિ તું દેશની ભલાઈ માટે નથી વાપરી રહ્યો. શેમ શેમ! આની સાથે શું વાત કરવી ચાલ.’ એમ કહી ટોપીવાળો ઘોઘરા અવાજવાળાને સાથે લઈ ચાલ્યો ગયો. એમની સાથે આવેલા બીજા 2 જણ જે આખી વાતચીત દરમિયાન ચૂપ હતા એ પણ પેલા બન્ને જોડે ચાલ્યા ગયા.

મૃદુ સ્વરવાળાએ હતાશામાં માથું ધુણાવતાં મને પૂછ્યું, ‘ચાના કેટલા પૈસા થયા?’ હું કેટલા પૈસા થયા એ ગણતો હતો એટલામાં એણે કહ્યું, ‘મને એક કડક મસાલેદાર ચા આપો.’ પછી બાંકડા પર બેસી પડતાં બબડ્યો, ‘મગજ ખરાબ કરી નાખ્યું ઘનચક્કરોએ!’ નૌતમલાલ, પ્રોફેસર અને હું – અમે ત્રણે જણ એના નિરાશ ચહેરા તરફ જોઈ રહ્યા. હું તો ચા બનાવવા માંડ્યો. પ્રોફેસરથી બોલ્યા વિના ન રહેવાયું. એમણે એ મૃદુ સ્વરવાળાને કહ્યું, ‘તમારી વાત વિચારવા જેવી છે….’

‘પણ તમે વિચારો એનો શું અર્થ?’ મૃદુ સ્વરવાળાએ પ્રોફેસરને કહ્યું, ‘જેમણે વિચારવાનું છે એ લોકો તો સાહેબની ટીકા સાંભળતા જ વિચારવાનું બંધ કરી દે છે.’ પ્રોફેસરને સમજાયું નહીં કે શું જવાબ દેવો, તેથી એ ચૂપ રહી માથું ધુણાવતાં રહ્યા. ‘આ લોકોને કઈ રીતે સમજાવું કે જનતા ત્રાસી ગઈ છે. જનતાની સ્થિતિ કોઈ બંધ ઓરડામાં ભૂખ્યાતરસ્યા પ્રાણી જેવી થઈ ગઈ છે. એવી સ્થિતિમાં પ્રાણી જો તક મળતાં હુમલો કરે તો એનો ઈરાદો હિંસાનો નહીં – સ્વબચાવનો હોય.’ મેં આપેલી ચા લેતા એ મૃદુ સ્વરવાળાએ પ્રોફેસરને કહ્યું.

‘જી, જી…’ પ્રોફેસરે કહ્યું.
મૃદુ સ્વરવાળો ચૂપચાપ ચા પીવા માંડ્યો. મેં પ્રોફેસર અને નૌતમલાલને પણ ચા આપી. પ્રોફેસરે ચા લઇ પીવા માંડી પણ નૌતમલાલે ચા માટે ના પાડી ઊભા થતાં કહ્યું, ‘હું હવે જાઉં.’ ‘પણ આપણી વાત અધૂરી છે…’ પ્રોફેસરે નૌતમલાલને કહ્યું.  ‘વાત તો થઈ ગઈ.’ નૌતમલાલે પ્રોફેસરને કહ્યું, ‘મને સમજાઈ ગયું કે વાંક બિલાડીનો નથી…. બિલાડી ખિલાડી નથી, અનાડી છે’ અને ચાલ્યા ગયા. મને થયું નૌતમલાલે કડક ચા પીધા વિના જ કડક વાત કરી નાખી.

Most Popular

To Top