Business

સુરતના હેરિટેજ કિલ્લાના નવા રંગરૂપને નિહાળવા માટે ટિકિટ ખરીદવી પડશે

સુરત: સુરત (Surat) શહેરના ઐતિહાસિક કિલ્લાનું (Castle) ફેઝ-2નું કામ પણ પૂર્ણ થયું છે. મનપા દ્વારા કિલ્લાના રિસ્ટોરેશનનું કામ કરવામાં આવ્યું હતું. જે બે ફેઝમાં કરાયું હતું અને હવે ફેઝ-2નું કામ પણ પૂર્ણ થતાં શહેરીજનો માટે શુક્રવારથી કિલ્લો ખુલ્લો મુકાયો છે. જેનું લોકાર્પણ વડાપ્રધાન (PM) મોદીના હસ્તે કરાયું છે. જે માટેના ટિકિટના ભાવો નક્કી કરી દેવાયા છે.

3થી 6 વર્ષ સુધીનાં બાળકો માટે રૂ. 20, 17થી 60 વર્ષના વયસ્કો માટે રૂ. 40, અને 60 વર્ષથી વધુ ઉંમરના સિનિયર સિટિઝન માટે રૂ. 20 તથા વિદેશી મુલાકાતીઓ માટે રૂ. 20 નક્કી કરવામાં આવ્યા છે. સાથે સાથે કિલ્લામાં ઘણાં લોકો લોકેશનને લઈ ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી પણ કરવા આવતા હોય તે માટેના રેટ પણ નક્કી કરાયા છે. જેમાં ફોટોગ્રાફીના રૂ. 20 તથા વિડીયોગ્રાફીના રૂ. 100 નક્કી કરાયા છે.

ડીએસએલઆર કેમેરાથી અથવા મિરલેસ કેમેરાથી ફોટોગ્રાફીના રૂ. 500 રાખવામાં આવ્યા છે. કિલ્લાની મુલાકાત વધુમાં વધુ બાળકો લાભ લઇ શકે તે માટે શાળાઓ, ટ્યુશન ક્લાસિસ, કોલેજો, ઇન્સ્ટિટ્યૂટ માટે ઇન્સ્ટિટ્યુશનલ મેમ્બરશીપના દર નક્કી કરાયા છે, જેમાં શાળાઓ તથા ટ્યુશન ક્લાસિસ માટે વાર્ષિક 500થી અમર્યાદિત વાર્ષિક પ્રવેશ માટે 5000થી લઇ 40 હજાર સુધીના દર નક્કી કરાયા છે. કોલેજો તથા ઇન્સ્ટિટ્યૂટ માટે વાર્ષિક 500 વિદ્યાર્થીથી અમર્યાદિત વાર્ષિક પ્રવેશ માટે 10 હજારથી 80 હજાર નક્કી કરવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કિલ્લાની મુલાકાતનો સમય મંગળવારથી રવિવારે સવારે 10થી સાંજે 6 કલાક સુધી રહેશે. જ્યારે ટિકિટબારીનો સમય મંગળવારથી રવિવારે સવારે 10 કલાકથી સાંજે 4:10 કલાક સુધી રહેશે. દર સોમવારે તથા રાષ્ટ્રીય તહેવારો તેમજ મુખ્ય તહેવારોના દિવસે બંધ રાખવામાં આવશે.

Most Popular

To Top