National

માર્ગ અકસ્માત બાદ અપાશે કેશલેસ સારવાર, સુપ્રીમ કોર્ટે કહ્યું- સરકાર 14 માર્ચ સુધીમાં યોજના લાગુ કરે

માર્ગ અકસ્માત બાદ ઘાયલોની સારવાર અંગે સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે સરકારે એવી યોજના બનાવવી જોઈએ જેથી અકસ્માત પછી લોકો કોઈ પણ પૈસા ચૂકવ્યા વિના તુરંત સારવાર મેળવી શકે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કેન્દ્ર સરકારે “ગોલ્ડન અવર” સમયગાળા દરમિયાન માર્ગ અકસ્માત પીડિતો માટે કેશલેસ તબીબી સુવિધા માટે એક યોજના તૈયાર કરવી જોઈએ. ગંભીર ઈજા પછીના પહેલા કલાકને “ગોલ્ડન અવર” કહેવામાં આવે છે. ઘાયલોની સારવાર માટે આ સમય સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

ગંભીર ઈજાના કિસ્સામાં એક કલાકની અંદર યોગ્ય સારવાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સમય દરમિયાન જો ઘાયલ વ્યક્તિને સારવાર મળે તો તેના બચવાની શક્યતા વધુ હોય છે. જો વિલંબ થાય છે, તો મૃત્યુ અથવા અપંગતાનું જોખમ વધે છે. જેથી સુપ્રીમ કોર્ટે કહ્યું કે સરકારે એવી યોજના બનાવવી જોઈએ જેથી અકસ્માત પછી લોકો કોઈ પણ પૈસા ચૂકવ્યા વિના તુરંત સારવાર મેળવી શકે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઘણી વખત એવું બને છે કે અકસ્માતમાં ઘાયલ વ્યક્તિના નજીકના લોકો અને સંબંધીઓ તેની આસપાસ હોતા નથી. એટલા માટે તેને મદદ કરવા માટે કોઈ હોતું નથી. ગોલ્ડન અવર દરમિયાન ઘાયલ વ્યક્તિને જરૂરી સારવાર મળવી જોઈએ પરંતુ ઘણીવાર ગોલ્ડન અવર દરમિયાન જરૂરી સારવારનો ઇનકાર કરવામાં આવે છે. આવી પરિસ્થિતિઓમાં હોસ્પિટલો પણ ક્યારેક પોલીસ આવે ત્યાં સુધી રાહ જુએ છે. તેમને ચિંતા સારવારના ખર્ચની છે. ઘણા કિસ્સાઓમાં જો ગોલ્ડન અવર દરમિયાન જરૂરી સારવાર ન મળે તો ઘાયલોનું મૃત્યુ થઈ શકે છે. આવી સ્થિતિમાં કેશલેસ યોજના જરૂરી છે.

કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કેશલેસ સારવાર યોજનાની જાહેરાત કરી
ગયા વર્ષે એટલે કે 2024 માં દેશભરમાં માર્ગ અકસ્માતમાં 1 લાખ 80 હજાર લોકોના મોત થયા હતા. મૃતકોમાંથી 66% 18 થી 34 વર્ષની વયના યુવાનો હતા. જો સમયસર સારવાર મળી હોત તો આમાંના ઘણા લોકોને બચાવી શકાયા હોત. આ વાતને ધ્યાનમાં રાખીને 7 જાન્યુઆરીના રોજ કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ દિલ્હીના ભારત મંડપમ ખાતે કેશલેસ સારવાર યોજનાની જાહેરાત કરી હતી. ૭ જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ, માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ દેશભરમાં આ યોજનાની સત્તાવાર શરૂઆતની જાહેરાત કરી. આ યોજના હેઠળ દેશમાં ગમે ત્યાં કોઈ પણ માર્ગ અકસ્માત થાય તો ઘાયલ વ્યક્તિને ભારત સરકાર દ્વારા સારવાર માટે વધુમાં વધુ 1.5 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. જેના કારણે તે 7 દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર કરાવી શકશે.

સરકાર 14 માર્ચ સુધી નીતિ લાગૂ કરે
જસ્ટિસ અભય એસ ઓકા અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે જણાવ્યું હતું કે મોટર વાહન અધિનિયમની કલમ ૧૬૨ હેઠળ સુવર્ણ અવરમાં અકસ્માત પીડિતોને કેશલેસ સારવાર પૂરી પાડવાની કેન્દ્ર સરકારની જવાબદારી છે. કોર્ટે સરકારને યોજના લાગુ કરવા માટે 14 માર્ચ સુધીનો સમય આપ્યો છે. સુપ્રીમ કોર્ટ 24 માર્ચે ફરી આ મામલાની સુનાવણી કરશે.

Most Popular

To Top