નવી દિલ્હી: હેલ્થ ઈન્સ્યોરન્સ (HealthInsurance) એટલે કે મેડિકલેઈમ પોલિસી (MediclaimPolicy) ધરાવતા નાગરિકો માટે રાહતના સમાચાર આવ્યા છે. હવે કોઈ પણ કંપનીનો મેડિક્લેઈમ ઈન્સ્યોરન્સ ધરાવતા પોલિસી ધારકોને દેશની દરેક હોસ્પિટલમાં (Hospital) કેશલેસની (Cashless) સુવિધા મળશે.
જો તમે ક્યારેય સ્વાસ્થ્ય વીમા પર તમારી સારવાર કરાવી હોય, તો તમે જાણશો કે વીમા કંપનીઓએ પહેલેથી જ કેટલીક હોસ્પિટલો સાથે જોડાણ કર્યું હોય છે. કંપનીઓએ જે હોસ્પિટલમાં જોડાણ કર્યું હોય ત્યાં જ પોલિસી ધારકને કેશલેસ સારવારનો લાભ મળતો હોય છે. આવા સંજોગોમાં દર્દી ચોક્કસ હોસ્પિટલ કે તબીબ પાસે સારવાર કરાવવા માંગતો હોય તો તે શક્ય બનતું નથી.
જો તમારે તમારી વીમા કંપનીઓના નેટવર્કમાં ન હોય તેવી હોસ્પિટલમાંથી તમારી સારવાર કરાવવાની હોય, તો તમારે આ બિલ તમારા પોતાના ખિસ્સામાંથી ચૂકવવું પડતું હતું અને આ બિલ પાછળથી સેટલ કરવું પડતું હતું. પરંતુ હવે તમને દરેક હોસ્પિટલમાં કેશલેસ સારવાર મળશે. આ માટે જીઆઈસીએ નવું અભિયાન શરૂ કર્યું છે.
જનરલ ઈન્સ્યોરન્સ કાઉન્સિલ (GIC) એ હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી ધારકો માટે કેશલેસ એવરીવ્હેર નામની નવી પહેલ શરૂ કરી છે. આ અભિયાન હેઠળ હવે પોલિસી ધારકને દરેક હોસ્પિટલમાં કેશલેસ સારવારની સુવિધા મળશે.
48 કલાક અગાઉ માહિતી આપવાની રહેશે
જનરલ ઈન્સ્યોરન્સ કાઉન્સિલ (GIC)ની આ નવી પહેલ મુજબ કોઈપણ હોસ્પિટલમાં કેશલેસ સુવિધા મેળવવા માટે પોલિસી ધારકે તેની વીમા કંપનીને ઓછામાં ઓછા 48 કલાક અગાઉ જાણ કરવી પડશે. તમામ સામાન્ય અને આરોગ્ય વીમા કંપનીઓ સંયુક્ત રીતે કેશલેસ એવરીવ્હેરની સુવિધા શરૂ કરી રહી છે.