મહારાષ્ટ્ર: કેન્દ્રીય તપાસ એજન્સી ED બાદ હવે આવકવેરા વિભાગ પણ એક્શનમાં (Action) છે. બંગાળ બાદ મહારાષ્ટ્રમાં પણ આવકવેરા વિભાગના દરોડામાં જંગી રોકડ (Cash) મળી આવી છે. મહારાષ્ટ્રના (Maharastra) જાલનામાં આવકવેરા વિભાગે સ્ટીલ, કાપડ વેપારી અને રિયલ એસ્ટેટ ડેવલપર પર દરોડા પાડ્યા છે, જેમાં વિભાગને મોટી માત્રામાં બેનામી સંપત્તિ મળી આવી છે. આવકવેરા વિભાગે લગભગ 390 કરોડની બેનામી સંપત્તિ જપ્ત કરી છે, જેમાં 58 કરોડ રોકડા, 32 કિલો સોનું, હીરા અને મોતી અને ઘણી સંપત્તિના કાગળો મળી આવ્યા છે.
દરોડામાં મળી આવેલી રોકડની ગણતરી કરવામાં વિભાગને 13 કલાક લાગ્યા હતા. ઈન્કમટેક્સે 1 થી 8 ઓગસ્ટ વચ્ચે આ કાર્યવાહી કરી હતી. આવકવેરા વિભાગની નાસિક શાખાએ આ કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં રાજ્યભરમાંથી 260 અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. આઈટી કર્મચારીઓને પાંચ ટીમોમાં વહેંચવામાં આવ્યા હતા અને દરોડામાં 120 થી વધુ વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
કાપડ અને સ્ટીલના વેપારીના ઘરેથી મળેલી રોકડને જાલનાની સ્થાનિક સ્ટેટ બેંકની શાખામાં લઈ જઈને સવારે 11 થી રાતે 1 વાગ્યા સુધી રોકડની ગણતરી કરવામાં આવી હતી. રોકડની ગણતરી સવારે 11 વાગ્યે શરૂ થઈ હતી અને રાત્રે લગભગ 1 વાગ્યે સમાપ્ત થઈ હતી. આવકવેરા વિભાગને માહિતી મળી હતી કે જાલનાની ચાર સ્ટીલ કંપનીઓના વ્યવહારમાં અનિયમિતતા છે, જેના પછી આવકવેરા વિભાગ એક્શનમાં આવ્યું. આઈટીની ટીમે ઘર અને કારખાનાઓમાં દરોડા પાડ્યા હતા. જોકે ટીમને ઘરમાં કંઈ મળ્યું ન હતું, પરંતુ શહેરની બહાર ફાર્મહાઉસમાં રોકડ અને સોનું અને હીરા સહિતના ઘણાં અગત્યના કાગળો મળી આવ્યા હતા.
બંગાળમાં પાર્થ ચેટરજીની ગર્લ્ફ્રેન્ડના ઘરેથી કરોડો મળ્યા હતા
આ પહેલા કેન્દ્રીય એજન્સી EDની કાર્યવાહીમાં પશ્ચિમ બંગાળમાં પૂર્વ મંત્રી પાર્થ ચેટરજીની નજીકની અર્પિતા મુખર્જીના ઘરેથી લગભગ 50 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી હતી. આ સિવાય ED દ્વારા ઘણી મિલકતો પણ અટેચ કરવામાં આવી હતી. યુપીના કાનપુરમાં એક બિઝનેસમેન પીયૂષ જૈનના ઘરે દરોડા પાડીને 197 કરોડ રૂપિયાની રોકડ પણ મળી આવી હતી. આ સિવાય કરોડો રૂપિયાની અન્ય મિલકતો પણ એટેચ કરવામાં આવી હતી. તાજેતરમાં, મધ્યપ્રદેશના મેડિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં કામ કરતા ક્લાર્કના ઘરે EOWના દરોડામાં 85 લાખ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી હતી. આ સાથે કારકુનની આશરે ચાર કરોડ રૂપિયાની જુદી જુદી મિલકતોના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા.