Editorial

ચાલુ ડ્રાઈવિંગે મોબાઈલમાં વાત કરવાથી અકસ્માતમાં મોતના કેસ 4 ગણા વધી ગયા

મોબાઈલની શોધ અનેક રીતે લોકો માટે ઉપયોગી બની છે. મોબાઈલ નહોતા ત્યારે પડતી તકલીફોનો ઉકેલ આવ્યો છે. જેઓ એકલા રહે છે અને ખાસ કરીને વૃદ્ધો માટે સમય પસાર કરવા માટે મોબાઈલ ઉત્તમ સાધન છે પરંતુ જેવી રીતે મોબાઈલ લાભદાયી છે તેવી જ રીતે મોબાઈલને કારણે અનેક નવી સમસ્યાઓ પણ ઊભી થઈ છે. તેમાં પણ ખાસ કરીને ડ્રાઈવિંગ કરતી વખતે મોબાઈલ પરથી વાત કરવાને કારણે અકસ્માતોના કેસમાં મોટો વધારો થઈ ગયો છે. વાહન ચલાવતી વખતે મોબાઈલ પર વાત કરવાને કારણે અકસ્માત થવાની અને તેમાં મોત થવાની ઘટનાઓ ચાર ગણી થઈ ગઈ છે. તાજેતરમાં આઈઆઈટી દિલ્હીના ટ્રાન્સપોર્ટ રિસર્ચ એન્ડ ઈન્જરી પ્રિવેન્શન સેન્ટર દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં આ વિગતો બહાર આવી હતી. આ અભ્યાસે બતાવ્યું હતું કે, વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ જીવલેણ સાબિત થાય છે. મોબાઈલનો ઉપયોગ કરતી વખતે સિગ્નલ લાઈટ તોડવાની ઘટનાઓ કરતાં ચાર ગણી અકસ્માતમાં મોતને ભેટવાની ઘટનાઓ બની રહી છે.

આ અભ્યાસ પ્રમાણે, 2022માં દેશમાં માર્ગ અકસ્માતમાં 61038 લોકોના મોત થયા હતા. જ્યારે 2021માં અકસ્માતમાં 56000 લોકોના મોત થયા હતા. સેફ્ટી-2024 કોન્ફરન્સમાં આ અભ્યાસનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. મોબાઈલના ઉપયોગ વખતે માર્ગ અકસ્માતમાં મોતની ઘટનાઓ મોટાભાગે હાઈવે પર વધારે નોંધાઈ છે. દર 100 કિ.મી.ના અંતરે 45ના મોત થયા છે. જ્યારે સ્ટેટ હાઈવે પર દર 100 કિ.મી. પર 23 લોકોના મોત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના નેશનલ સ્ટ્રેટેજી ડોક્યુમેન્ટ પ્રમાણે, માર્ગ અકસ્માતને કારણે થતાં મૃત્યું તમિલનાડુ, લદાખ, તેલંગાણા, છત્તીસગઢ અને કર્ણાટકમાં સૌથી વધુ થયા છે. જ્યારે દેશના મોટા શહેરની સરખામણીમાં સૌથી વધુ મોત જયપુરમાં થયા છે. જયપુરમાં દર એક લાખની વસતીએ 19.13 રોકોના મોત થયા છે. જ્યારે ચેન્નાઈમાં આ જ આંકડો 11.80નો છે.

જો રાજ્યોની વાત કરવામાં આવે તો બિહાર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને આસામમાં 2015-16થી 2019-20ની વચ્ચે માર્ગ અકસ્માતમાં મૃત્યુદરમાં 25 ટકાનો વધારો થયો છે. સૌથી વધુ મોત ઓવર સ્પીડિંગને કારણે જ થાય છે. દેશમાં 2022માં માર્ગ અકસ્માતમાં જે મોત થાય છે તેમાં ઝડપને કાર0ણે 45928, ખોટી દિશાને કારણે 3544, માદક દ્રવ્યોના વ્યસનને કારણે 1503, મોબાઈલ ફોનને કારણે 1132, લાલ બત્તીને કારણે 271ના મોત થયા છે. જ્યારે અન્ય કારણોને કારણે 8660 લોકોના મોત થયા છે. આ અભ્યાસ રિપોર્ટમાં શું કરવાથી અકસ્માતોને અટકાવી શકાય તેના સૂચનો પણ કરવામાં આવ્યા છે. આ સૂચનોમાં રસ્તાની ડિઝાઈનમાં સુધારો, રસ્તાઓ પર પ્રકાશની પૂરતી વ્યવસ્થા, સારી ગુણવત્તાવાળી હેલ્મેટનો ઉપયોગ કરવાની સાથે ફોરવ્હીલ બનાવનાર કંપનીઓએ તેને વૈશ્વિક એનસીપીના ધોરણે બનાવવા જોઈએ તેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વર્ષોથી માર્ગ અકસ્માતમાં મોત થતાં રહ્યા છે પરંતુ જે રીતે મોબાઈલના વધતા ઉપયોગને કારણે મોતના આંકડા વધી રહ્યા છે તે ચિંતાજનક છે. માત્ર મોબાઈલ પર વાત કરવાથી જ નહીં પરંતુ હાલમાં ચાલુ ગાડીએ મોબાઈલ જોવામાં પણ ધ્યાન ચૂકવાથી અકસ્માત થવાની સંખ્યાઓ વધી રહી છે. ખાસ કરીને ચાલુ ડ્રાઈવિંગે મોબાઈલમાં રીલ કે પછી અન્ય વસ્તુઓ જોવામાં અકસ્માતો થઈ રહ્યા છે. જેવી રીતે હાલમાં ડ્રાઈવિંગ કરતી વખતે મોબાઈલમાં વાતચીત કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેવી રીતે ભવિષ્યમાં ચાલુ ડ્રાઈવિંગે મોબાઈલના ઉપયોગ પર જ પ્રતિબંધ મુકવો પડશે તે નક્કી છે.

Most Popular

To Top