વડોદરા : વડોદરા શહેરમાં કોવિડના કેસો ઘટી રહ્યા છે.છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાએ ત્રણ હજારની સપાટી વટાવી હતી.જેમાં હવે ઘટાડો જોવા મળ્યો છે.શુક્રવારે નવા 2527 કેસ તેમજ કોરોનાથી 4 વ્યક્તિઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 640 પર પહોંચ્યો છે.શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે.કોરોનાની ત્રીજી લહેરમાં પાલિકા દ્વારા જારી કરાયેલ કોવિડ બુલેટિનમાં અત્યાર સુધીમાં સત્તાવાર 17 વ્યક્તિઓના કોરોનાના કારણે મોત નિપજ્યા હોવાનું જાહેર કરવામાં છે. વડોદરા શહેરમાં કોરોનાની ત્રીજી લહેરમાં સંક્રમણ તેજ ગતિએ ફેલાતા રોજ બ રોજ મોટી સંખ્યામાં લોકો કોરોનાની ઝપેટમાં સપડાયા હતા.જ્યારે બીજી તરફ સાવચેતીના ભાગરૂપે બેડ ઓક્સિજન ,વેન્ટિલેટર સહિતની તમામ વ્યવસ્થાઓ કરી દેવાઈ હતી.જોકે કોરોના હવે ધીમે ધીમે નબળો પડી રહ્યો હોવાનું સામે આવ્યું છે.
વીતેલા 24 કલાકમાં 9536 સેમ્પલ લેવાયા હતા.જેમાંથી 2527 પોઝિટિવ આવ્યા હતા.જ્યારે 7009 નેગેટિવ આવ્યા હતા.સરકારી અને ખાનગી હોસ્પિટલ તેમજ હોમ આઈસોલેશન માંથી 3157 દર્દીઓ સાજા થઈ જતા હોસ્પિટલ માંથી રજા આપી દેવામાં આવી હતી.જે તમામને રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પણ નિયમ મુજબ હોમક્વોરેન્ટાઈન રહેવા સૂચના આપવામાં આવી છે.કુલ ડિસ્ચાર્જ કરાયેલ દર્દીઓનો આંક 90,485 પર પહોંચ્યો છે.વીતેલા 24 કલાકમાં કરાયેલ સેમ્પલીંગની કામગીરીમાં શહેરના ઉત્તર ઝોનમાં 445 દર્દીઓ,દક્ષિણ ઝોનમાં 568 દર્દીઓ ,પૂર્વ ઝોનમાંથી 355 દર્દીઓ અને પશ્ચિમ ઝોન માંથી 631 વ્યક્તિઓ કોરોનાં સંક્રમિત થયા છે.જ્યારે વડોદરા રૂરલ માંથી 528 દર્દી મળી કુલ 2527 કોરોનાં પોઝિટિવ દર્દી નોંધાયા હતા.જ્યારે અત્યાર સુધીમાં કોરોનાં પોઝિટિવના કુલ કેસોનો આંક 1,14,740 ઉપર પહોંચ્યો છે.