મોટા સમાચાર સામે આવ્યા છે. પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલ પરથી રાજદ્રોહના તમામ કેસો પાછા ખેંચી લેવામાં આવ્યા છે. આ અંગેની જાહેરાત ખુદ હાર્દિક પટેલે કરી છે. હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આની જાહેરાત કરી છે. જોકે કેસ પાછા ખેંચવાના નિર્ણય લેવાઈ ચૂક્યો હોવાની સરકાર કે ગૃહવિભાગ તરફથી હજુ સુધી કોઈ પુષ્ટી થઈ નથી.
રાજ્યમાં વર્ષ 2015માં પાટીદારો દ્વારા અનામત આંદોલન છેડવામાં આવ્યું હતું. આ આંદોલનનાં પડઘા સમગ્ર દેશમાં પડ્યા હતાં. આંદોલન દરમિયાન હાર્દિક પટેલ, ગોપાલ ઈટાલિયા, અલ્પેશ કથરિયા, રેશ્મા પટેલ જેવા મોટા નેતાઓ ઉભરી આવ્યા હતાં.
આ પાટીદાર અનામત આંદોલનમાં સામેલ અનેક પાટીદારો વિરુદ્ધ રાજ્ય સરકાર દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ તેમજ રાજદ્રોહ સહિત વિવિધ ફોજદારી ધારાઓ હેઠળ ગુનાઓ દાખલ કરાયા હતાં. ત્યારથી એટલે કે વર્ષ 2015થી પાટીદાર નેતાઓ દ્વારા આ ગુનાઓ પરત ખેંચવાની માંગ કરવામાં આવી રહી હતી. પરંતુ આંદોલનના 10 વર્ષ સુધી ગુના પાછા ખેંચાયા નહતાં.
જોકે, હવે 10 વર્ષ બાદ અનામત આંદોલનથી ઉભરેલા પાટીદાર નેતા હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી એવો સંદેશ આપ્યો છે કે, ભૂપેન્દ્ર પટેલની સરકારે આ ગુનાઓ પરત ખેંચી લીધા છે.
14 કેસ પાછા ખેંચ્યાનો દિનેશ બાંભણિયાનો દાવો
આ સિવાય પાસ (પાટીદાર અનામત આંદોલન સમિતિ) કન્વિનર દિનેશ બાંભણિયા દ્વારા પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર માન્યો છે. દિનેશ બાંભણિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. જેમાં બાંભણિયાએ લખ્યું કે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાટીદાર આંદોલનના મુખ્ય કેસો રાજદ્રોહ સહિતના ગંભીર કેસ પરત ખેંચવામાં આવ્યા છે, જેમાં હાર્દિક, દિનેશ, ચિરાગ, અલ્પેશ સહિતને આરોપી બતાવવામાં આવ્યા હતાં. આ તમામના કેસ પરત ખેંચવા માટે ખૂબ-ખૂબ આભાર… સત્યમેવ જયતે… જય સરદાર…
સોશલ મીડિયા પ્લેટફોર્મ X પર કરેલી પોસ્ટ પ્રમાણે અમદાવાદ, સુરત, ગાંધીનગર અને મહેસાણાના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ આંદોલનકારીઓ સામેના કેસ પાછો ખેંચવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. બાંભણિયાએ કરેલી પોસ્ટમાં ક્યા પ્રકારના 14 કેસ પરત ખેંચાય તેની યાદી પણ સામેલ કરી છે.
હાર્દિક પટેલે સરકારનો આભાર માન્યો
હાર્દિક પટેલે સોશિયલ મીડિયા X પર લખ્યું કે, પાટીદાર આંદોલન દરમિયાન મારા સહિત સમાજના અનેક યુવાઓ પર લાગેલા ગંભીર રાજદ્રોહ સહિતના કેસ આજે ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા પરત ખેંચવામાં આવ્યા છે. હું સમાજની તરફથી ગુજરાતની ભાજપ સરકારનો વિશેષ આભાર વ્યક્ત કરૂ છું.
વધુમાં હાર્દિક પટેલે કહ્યું કે, પાટીદાર આંદોલનથી ગુજરાતમાં બિનઅનામત વર્ગો માટે આયોગ-નિગમ બનાવવામાં આવ્યું છે. 1000 કરોડના યુવા સ્વાવલંબનની યોજના લાગુ થઈ અને દેશમાં આર્થિક આધારે સ્વર્ણોને 10% આરક્ષણનો લાભ મળ્યો છે.
અલ્પેશ કથીરિયા, ચિરાગ પટેલની પ્રતિક્રિયા સામે આવી
ચિરાગ પટેલે કહ્યું હતું કે સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. સરકાર તરફથી જાહેરાત ન થાય ત્યાં સુધી રાહ જોઈ રહ્યા છીએ. અલ્પેશ કથીરિયાએ કહ્યું કે ગંભીર કેસ પરત ખેંચવાની માંગ લાંબા સમયથી કરવામાં આવી હતી. બે મહિના પહેલા કેસોની રાજ્ય સરકારને માહિતી અપાઇ હતી. જે-તે વખતે આ કેસોનો લિસ્ટમાં સમાવેશ થયો ન હતો. જે-તે સમયે આંદોલનને કચડવાનો થયો હતો પ્રયાસ.
આ મામલે સરકારનું શું કહેવું છે?
પાટીદારો સામેના કેસ પાછા ખેંચવા મામલે રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, આ અહેવાલની કોઈ પુષ્ટી હજુ સુધી મળી નથી. સરકાર દ્વારા આ મામલે કોઈ સર્ક્યુલર કે પત્ર જાહેર કરાયો નથી. આ મામલે જ્યારે ટોચના અધિકારીઓ અને પોલીસ ઓફિસરનો સંપર્ક સાધવામાં આવ્યો તો તેમના તરફથી પણ કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી. પાટીદાર નેતાઓ દ્વારા સોશિયલ મીડિયા પર કોઈ આધાર પુરાવા વિના જ આ દાવા કરવામાં આવી રહ્યા છે.