Dakshin Gujarat

કોસંબા નજીક ટ્રોલી બેગમાં મળેલી ડેડબોડીનો કેસ ઉકેલાયો, પ્રેમીએ જ મહિલાની હત્યા કરી હતી

કોસંબા નજીક હાઈવે પર સોમવારે સવારે દોઢ ફૂટની ટ્રોલી બેગમાંથી 5.2 ફૂટની મહિલાનો મૃતદેહ મળ્યો હતો. આ કેસ બે જ દિવસમાં પોલીસે ઉકેલી નાંખ્યો છે. એલસીબીએ મહિલાના હત્યારાને દિલ્હી નજીક ફિરોઝાબાદમાંથી દબોચી લીધો છે.

ચોંકાવનારી બાબત એ છે કે મહિલાની હત્યા તેની સાથે લિવ ઈનમાં રહેતા તેના પ્રેમીએ જ કરી હતી. આરોપી હત્યારાનું નામ રવિ શર્મા હોવાનું ખુલ્યું છે. તે મૂળ બિહારના મુઝ્ફ્ફરપુરનો રહેવાસી છે. મૃતક મહિલા સાથે રવિને લાંબા સમયથી પ્રેમસંબંધ હતા. મહિલા લગ્ન માટે દબાણ કરતી હોવાથી ગુસ્સામાં રવિએ તેણીની હત્યા કરી હતી. બાદમાં ટ્રોલી બેગમાં મહિલાની લાશ પેક કરી હાઈવે કિનારે ફેંકીને ભાગી ગયો હતો.

ગળું દબાવી હત્યા કરી હતી
બેગમાંથી મહિલાની ડેડબોડી મળ્યા બાદ તેનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાયું હતું. સુરત સિવિલ હોસ્પિટલમાં કરાયેલા પોર્સ્ટમોર્ટમ રિપોર્ટમાં એવો ખુલાસો થયો કે મહિલાની ઉંમર અંદાજે 25થી 30 વર્ષ આસપાસ છે અને તેણીનું ગળું દબાવી હત્યા કરાઈ છે. ડેડબોડી મળી તેના 24થી 48 કલાક પહેલાં હત્યા કરાઈ હતી.

હત્યાના દિવસે શું થયું?
પડોશીઓએ કહ્યું કે હત્યાના દિવસે એટલે કે રવિવારે સાંજે રવિ ઝડપથી એક બેગ લઈ દાદર પરથી ઉતરી રહ્યો હતો ત્યારે બેગ હાથમાં છટકીને પડી હતી. આસપાસની મહિલાઓએ પૂછ્યું તો બેગ પડી ગઈ એમ કહી જતો રહ્યો હતો. 20-25 મિનિટ પછી પાછો આવ્યો ત્યારે તેના હાથમાં બેગ નહોતી. નાની બેગમાં થોડો સામાન લઈ રૂમને તાળું મારી પડોશીને ચાવી આપી તે જતો રહ્યો હતો. જતી વખતે પડોશીઓને રવિએ કહ્યું કે દિલ્હીમાં નોકરી મળી છે.

ટેટૂ, સીસીટીવીની મદદથી પોલીસે કેસ ઉકેલ્યો
મહિલાની ડેડબોડી પર એક ટેટુ મળ્યું હતું તેના આધારે પોલીસે ઓળખ પ્રસ્થાપિત કરી હતી. ત્યાર બાદ સીસીટીવી ફૂટેજની મદદથી પોલીસ હત્યારા સુધી પહોંચી હતી. હત્યારાએ જ્યાંથી બેગ ખરીદી હતી તે દુકાન પણ પોલીસે શોધી કાઢી હતી. એક બાદ એક કડી જોડી પોલીસે બે જ દિવસમાં હત્યારાને દબોચી લેવામાં સફળતા મેળવી હતી.

Most Popular

To Top