નવસારી, વલસાડ: (Navsari Valsad) એક જ દિવસમાં નવસારી શહેરમાં 6 અને જલાલપોર તાલુકામાં કોરોનાના નવા 6 કેસ નોંધાવા સાથે નવસારી જિલ્લામાં એક જ દિવસમાં કોરોનાના નવા 17 કેસ અને વલસાડ જિલ્લામાં બુધવારે કોરોનાના 9 કેસ (Case) નોંધાયા હતા.
નવસારી જિલ્લામાં ફરીથી કોરોનાનો વિસ્ફોટ થઇ રહ્યો છે. બુધવારે એક જ દિવસમાં કોરોનાના નવા 17 કેસો નોંધાયા હતા. ખેરગામમાં કેયુર પટેલ, ગણદેવી તાલુકાના ગડતમાં દક્ષા પ્રજાપતિ, નવસારી શહેરમાં ખત્રીવાડમાં જિગર ગોહિલ, ઉનના ઓમપ્રકાશ સાકેટ, જુનાથાણા સુચિતા પંચાલ, ઇટાળવા રોડના ડોલી બાવરા, કબિલપોરના કોમલ પટેલ, કાલિયાવાડીના જેનિષ પટેલ, જલાલપોર તાલુકાના મરોલી બજારના પિયુષ પટેલ, વેસ્માના વિપુલ પટેલ, એરુના એક જ પરિવારના ઇલાબેન સોનદાગર, તેમના પુત્ર રાહુલ સોનદાગર અને તેની પત્ની દયા સોનદાગર અને વિજલપોરના દીલિપ સૂર્યવંશી, ચીખલી તાલુકાના બામણવેલ પાટીયાના લક્ષ્મણ ભોયા, રાનવેરી કલ્લાના રાકેશ પરમાર અને વેલણપુરના રેખા પટેલ એમ કુલ 17 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.
વલસાડ જિલ્લામાં બુધવારે કોરોનાના 9 કેસ નોંધાયા હતા. જેમાં 7 કેસ વલસાડ તાલુકામાં નોંધાયા છે. 5 દર્દીઓ સાજા થતા રજા અપાઈ હતી. બુધવારે નોંધાયેલા કેસમાં અબ્રામા સુધાનગર ગરીબ નવાઝ સોસાયટીની બાજુમાં રહેતો 17 વર્ષનો યુવાન, અબ્રામા ઋતુ એપાર્ટમેન્ટનો 45 વર્ષનો પુરુષ, ધનોરી કણબીવાડનો 58 વર્ષનો પુરુષ, ગોરગામ તીઘરામાં 76 વર્ષનો વૃદ્ધ, વેલવાચ પટેલ ફળીયામાં 65 વર્ષનો પુરુષ, રેલવે યાર્ડનો 42 વર્ષનો પુરુષ, દાંડી ભાગલ ગામનો 53 વર્ષનો પુરુષ, વાપી તાલુકામાં રમઝાન વાડી વૈષ્ણવ નિવાસની 75 વર્ષની વૃદ્ધા અને વાપી ચણોદમાં 46 વર્ષની વૃદ્ધાનો સમાવેશ થાય છે.
ઉટડીની લોક વિદ્યાલયના બે વિદ્યાર્થીને કોરોનાનો ચેપ લાગ્યો
વલસાડના ઉટડીની લોક વિદ્યાલયનો એક વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગે વિદ્યાર્થી સાથેના સંપર્ક આવેલા વિદ્યાર્થીઓના ટેસ્ટ કરતા તેમાંથી એક વિદ્યાર્થી પોઝિટિવ જણાતા બંને વિદ્યાર્થીઓને હોમ આઈસોલેટ કરી અન્ય વિદ્યાર્થીઓના ટેસ્ટ કરાયા હતા.
કોરોનાની વાસ્તવિક પરિસ્થિતિ બહાર આવતી નથી
વલસાડ જિલ્લામાં કોરોનાની વાસ્તવિક પરિસ્થિતિ બહાર આવતી નથી તેવું લાગી રહ્યું છે. રેપીડ ટેસ્ટના આંકડાઓ બહાર નહી આવતા ખરેખર વાસ્તવિક પરિસ્થિતિ જાણી શકાતી નથી. તેવા સમયે વલસાડ જિલ્લાના ગામડાઓમાં કોરોનાના મળી રહેલા દર્દીઓને જોતા તંત્ર દ્વારા સેનિટાઈઝેશન, ટેસ્ટીગ સર્વેલન્સ વધારવાની આવશ્યકતા ઉભી થઇ રહી છે.
દમણમાં 7 અને દા.ન.હ.માં 12 કેસ નોંધાયા
દમણ : સંઘપ્રદેશ દમણમાં બુધવારે વધુ 7 કેસ કોરોના પોઝિટિવનાં નોંધાયા છે. સાતેય દર્દીઓને કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. જ્યારે દાદરા નગર હવેલીમાં નવા 12 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. પ્રદેશમાં હાલ 112 સક્રિય કેસ છે, અત્યાર સુધીમાં 1687 કેસ રીકવર થઇ ચુક્યા છે અને એક વ્યક્તિનું મોત પણ થયેલું છે. પ્રદેશમાં 242 નમૂના લેવાયા હતા. જેમાંથી 12 વ્યક્તિનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. દમણમાં એક્ટિવ કોરોના પોઝિટિવની સંખ્યા 51 ઉપર પહોંચી ગઈ છે. આજે વધુ 2 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં 1434 જેટલા દર્દીઓ કોરોનાને માત આપી સ્વસ્થ થવા પામ્યા છે. જ્યારે અગાઉ એક વ્યક્તિનું કોરોનાને લઈ મોત નિપજ્યું હતું. હજી સુધી દમણમાં કોઈપણ જગ્યાએ કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયો નથી.
દાહોદમાં નોકરી કરતો ખેરગામનો 32 વર્ષીય યુવાન કોરોના પોઝિટિવ
ખેરગામ : ખેરગામ તાલુકામાં બહારથી આવનારાના કારણે કોરોના સંક્રમણમાં વધારો થતાં સ્થાનિક લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલમાં બે કેસ એક્ટિવ છે. ત્યારે દાહોદની આઈટીઆઈમાં નોકરી કરતો મૂળ ખેરગામની ગાંધીનગર સોસાયટીમાં રહેતો 32 વર્ષના યુવાનને કોરોના પોઝિટિવ આવતા તેને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યો છે.
આહવાની 28 વર્ષીય યુવતીનો રિપોર્ટ પોઝિટિવ
સાપુતારા : ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાની 28 વર્ષીય યુવતીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ડાંગ જિલ્લામાં છેલ્લા સપ્તાહથી કોરોનાનાં કેસોમાં ઉછાળો નોંધાઈ રહ્યો છે. આજે આહવાના જામલાપાડાની 28 વર્ષીય યુવતીનો કોવિડ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવતા કેર હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.