Columns

ચાર લાખ હિન્દુ મંદિરોને સરકારના અંકુશમાંથી મુક્ત કરવા સુપ્રિમ કોર્ટમાં કેસ

આપણા દેશમાં જેમ યુનિફોર્મ સિવિલ કોડની જરૂર છે, તેમ યુનિફોર્મ રિલિજિયસ કોડની પણ જરૂર છે. આપણી સરકારો મુસ્લિમ અને ખ્રિસ્તી પૂજાસ્થળોને જેટલી વહીવટી સ્વતંત્રતા આપે છે, એટલી સ્વતંત્રતા વૈદિક, જૈન, શીખ કે બૌદ્ધ ધર્મસ્થાનોને આપવામાં આવતી નથી. આપણા દેશમાં આશરે નવ લાખ મંદિરો પૈકી ચાર લાખ ઉપર સરકારનો અંકુશ છે. ભારતમાં જ્યારે બ્રિટીશ રાજ હતું ત્યારે સરકારે મંદિરોના વહીવટમાં દખલગીરી કરવા જાતજાતના કાયદાઓ કર્યા હતા. ૧૯૪૭ માં ભારતને સ્વતંત્રતા મળી તે પછી તે કાયદાઓ નવા સ્વરૂપે ચાલુ રાખવામાં આવ્યા હતા. તેમાં બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ (૧૯૫૦) કે હિન્દુ રિલિજિયસ એન્ડ ચેરિટેબલ એન્ડોવમેન્ટ્સ એક્ટ (૧૯૫૧) નો સમાવેશ થતો હતો. આ કાયદાઓ વડે સરકારે હિન્દુ પ્રજાનાં મંદિરો પર પોતાનો કાબૂ કાયમ રાખ્યો હતો. આ કાયદાઓ માત્ર હિન્દુ પ્રજાનાં મંદિરો માટે હતાં. મુસ્લિમ ધર્મસ્થાનોના વહીવટ માટે વક્ફ એક્ટ બનાવવામાં આવ્યો હતો, જેમાં વક્ફ બોર્ડને સંપૂર્ણ સ્વાયત્તતા આપવામાં આવી હતી.

કેન્દ્રમાં ભાજપના ગઠબંધનની સરકાર આવી તે પછી ખાસ કરીને જ્યાં ભાજપનું શાસન નથી તેવાં રાજ્યોમાં હિન્દુ મંદિરોને સરકારના હસ્તક્ષેપથી મુક્ત કરવાની ઝુંબેશ શરૂ થઈ છે. કેરળમાં આવેલા જગપ્રસિદ્ધ પદ્મનાભ મંદિરને સરકારના અંકુશમાંથી મુક્ત કરવા ત્રાવણકોરના રાજવી પરિવાર દ્વારા કેરળ હાઇ કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો. આ કેસ કેરળ હાઈ કોર્ટે કાઢી નાખ્યો તેની સામે રાજાના પરિવાર દ્વારા સુપ્રિમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. સુપ્રિમ કોર્ટે આ કેસનો ચુકાદો રાજવી પરિવારની તરફેણમાં આવતાં પદ્મનાભ મંદિરનો વહીવટ પાછો રાજવી પરિવારના હાથમાં આવ્યો હતો. ભાજપના નેતા અને રાજ્યસભાના સભ્ય સુબ્રમણ્યમ સ્વામીએ આ કેસમાં બહુ રસ લીધો હતો. હવે ભાજપના નેતા અશ્વિની ઉપાધ્યાય દ્વારા જ ચાર લાખ હિન્દુ મંદિરોને સરકારના હસ્તક્ષેપથી મુક્ત કરવા માટે સુપ્રિમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે.

ભારતના બંધારણની ૨૫ મી કલમ દ્વારા દેશના દરેક નાગરિકના પોતાની માન્યતા મુજબના ધર્મની આરાધના કરવાના અધિકારને માન્યતા આપવામાં આવી છે. બંધારણની ૨૬ મી કલમ દ્વારા દરેક ધાર્મિક પ્રજાનાં પોતાનાં ધર્મસ્થળોનો વહીવટ કરવાના અધિકારને માન્યતા આપવામાં આવી છે, પણ આ અધિકાર શોભાના ગાંઠિયા સમાન છે. ૨૫ મી કલમમાં જ લખવામાં આવ્યું છે કે પ્રજાની જે ધાર્મિક સ્વતંત્રતા માન્ય રાખવામાં આવી છે તે જાહેર શાંતિ, કાયદો, વ્યવસ્થા, આરોગ્ય અને નૈતિકતાના માપદંડને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે. અર્થાત્ સરકારને લાગે કે કોઈ પણ ધાર્મિક વિધિ કે રીતરિવાજને કારણે જાહેર શાંતિનો ભંગ થાય તેમ છે, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વણસે તેમ છે, પ્રજાનું આરોગ્ય કથળે તેમ છે, નૈતિકતાનો ભંગ થાય તેમ છે, તો સરકાર કાયદો કરીને તે સ્વતંત્રતાને મર્યાદિત કરી શકે છે કે તેને રદ પણ કરી શકે છે. આ અપવાદને કારણે સરકારને અને દેશની કોર્ટોને હિન્દુ મંદિરોના વહીવટમાં દખલ કરતાં કાયદાઓ ઘડવાનો અધિકાર મળી ગયો છે. આ કાયદાઓનો ઉપયોગ કરીને સરકારે કાશ્મીરમાં વૈષ્ણો દેવીથી લઈને મુંબઈમાં સિદ્ધિવિનાયક મંદિરનો અને શિરડીના સાંઈ બાબાના મંદિરનો વહીવટ પણ પોતાના હસ્તક કર્યો છે.

અગાઉની મુંબઈ સરકારે ૧૯૫૦ માં બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ (૧૯૫૦) નામનો કાયદો કરીને તમામ ધાર્મિક તેમ જ ધર્માદા ટ્રસ્ટોને ફરજિયાત નોંધણી કરવાનો આદેશ કર્યો હતો. આ કાયદા મુજબ ચેરિટી કમિશનર રાજ્યનાં તમામ મંદિરોમાં તેમના હોદ્દાની રૂએ ટ્રસ્ટી બની જતા હતા અને સંસ્થાના વહીવટમાં દખલ પણ કરી શકતા હતા. ગોધરા નજીક આવેલા વેજલપુર જૈન સંઘના રતિલાલ પાનાચંદ ગાંધી દ્વારા સુપ્રિમ કોર્ટ સુધી લડીને આ કાયદાને પડકારવામાં આવ્યો હતો. સુપ્રિમ કોર્ટે કાયદો કાયમ રાખ્યો હતો, પણ ચેરિટી કમિશનરને ટ્રસ્ટી બનાવતી કલમ રદ કરી હતી.

બોમ્બે પબ્લિક ટ્રસ્ટના કાયદા હેઠળ સરકાર ધાર્મિક અને ધર્માદા ટ્રસ્ટોની આવકમાં પણ ભાગ પડાવી શકે છે. મહારાષ્ટ્રમાં કાયદો છે કે રાજ્યના દરેક રજિસ્ટર્ડ ટ્રસ્ટે પોતાની આવકનો બે ટકા હિસ્સો ચેરિટી કમિશનરને વહીવટી ખર્ચ પેટે આપવો જોઈએ. આ કારણે ચેરિટી કમિશનરને કરોડો રૂપિયાની આવક થવા લાગી હતી. ચેરિટી કમિશનરનો વહીવટી ખર્ચ એટલો નહોતો માટે તેણે બેન્કોમાં કરોડો રૂપિયાની એફડી કરાવી હતી. મુંબઈની વિનિયોગ પરિવાર ટ્રસ્ટ નામની સંસ્થાએ આ કાયદાને હાઈ કોર્ટમાં પડકાર્યો ત્યારે તેણે બે ટકાનો કર માફ કર્યો હતો. જો કે ભારતનાં બીજાં રાજ્યોમાં હિન્દુ ટ્રસ્ટોની આવક ઉપર ૧૩ થી ૧૬ ટકા ટેક્સ સર્વિસ ટેક્સના બહાને લેવામાં આવે છે.

ભાજપના નેતા અશ્વિની ઉપાધ્યાય દ્વારા સુપ્રિમ કોર્ટમાં કરવામાં આવેલી જાહેર હિતની અરજીમાં કહેવામાં આવ્યું છે કે જો સરકાર મુસ્લિમ અને ખ્રિસ્તી ટ્રસ્ટો પાસેથી કોઈ ટેક્સ ન ઉઘરાવતી હોય તો તેને હિન્દુ ટ્રસ્ટો પાસેથી તેવો ટેક્સ ઉઘરાવવાનો કોઈ અધિકાર નથી. તેમના કહેવા મુજબ બોમ્બે પબ્લિક ટ્રસ્ટ જેવા કાયદાઓ ભારતનાં બંધારણની ૧૪,૧૫ અને ૨૬ મી કલમના ઉલ્લંઘન સમાન હોવાથી તેમને રદબાતલ કરવા જોઈએ. તેમણે સુપ્રિમ કોર્ટ સમક્ષ માગણી કરી છે કે સરકારે દેશના તમામ ધર્મોને એક લાકડીથી હાંકવા જોઈએ.

જો કોઈ કાયદા કરવા હોય તો તે બધા ધર્મ માટે સમાન હોવા જોઈએ. ભારતમાં ૧૫ રાજ્યો એવાં છે કે જ્યાં હિન્દુ મંદિરોનો વહીવટ રાજ્ય સરકારો કરતી હોય છે. તેને કારણે પ્રજા દ્વારા મંદિરોમાં જે દાન આપવામાં આવે છે તેનો ગેરવહીવટ કરવામાં આવે છે અને તેનો દુરુપયોગ પણ થાય છે. દાખલા તરીકે તામિલનાડુની સરકાર મંદિરોની આવકમાંથી તબીબી અને શૈક્ષણિક સંસ્થાઓને ભંડોળ ફાળવે છે. તેમાંની કેટલીક સંસ્થાઓ ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા સ્થાપવામાં આવી હોય છે, જેનો મૂળ હેતુ વટાળપ્રવૃત્તિ કરવાનો હોય છે. આ કારણે હિન્દુ ભાવિકો દ્વારા ભક્તિભાવથી મંદિરના ભંડારમાં જે રૂપિયા નાખવામાં આવે છે, તેનો ઉપયોગ તબીબી અને શૈક્ષણિક સંસ્થાના માધ્યમથી વટાળપ્રવૃત્તિ માટે થાય છે.

રતિલાલ પાનાચંદ ગાંધી દ્વારા બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટને સુપ્રિમ કોર્ટમાં પડકારવામાં આવ્યો ત્યારે દલીલ કરવામાં આવી હતી કે ભારતના બંધારણે પ્રજાને તેમનાં ધાર્મિક સ્થળોનો વહીવટ કરવાનો અધિકાર માન્ય રાખ્યો હોવાથી સરકારે તેમાં દખલ કરવી જોઈએ નહીં. તેના ચુકાદામાં સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે ધાર્મિક સ્થળોના વહીવટના બે ભાગો પડે છે. શ્રદ્ધાળુઓ દ્વારા મંદિરમાં જે પૂજા, અર્ચના, આરાધના, ધાર્મિક ક્રિયાકાંડ કરવામાં આવે છે તે નિર્ભેળપણે ધાર્મિક હોવાથી તેમાં દખલગીરી કરવાનો સરકારને કોઈ અધિકાર નથી; પણ ધાર્મિક સંસ્થાની જે સ્થાવર-જંગમ મિલકતો છે તે બિનધાર્મિક સ્વરૂપ ધરાવતી હોવાથી સંસદ તે બાબતમાં કાયદાઓ ઘડી શકે છે.

ધાર્મિક સંપત્તિના આ વિચિત્ર અર્થઘટનને કારણે સેક્યુલર ગણાતી સરકાર પણ ધાર્મિક સ્થળોનો વહીવટ કરતી થઈ ગઈ છે. થોડા સમય પહેલાં શિરડીના સાંઈ બાબાના મંદિરની આવકમાંથી ૫૦૦ કરોડ રૂપિયા એરપોર્ટ બનાવવા માટે વાપરી કાઢવામાં આવ્યા હતા. મંદિરોના રૂપિયા હોસ્પિટલોમાં અને કોલેજોમાં વાપરવાનું તો સામાન્ય થઈ ગયું છે. જો સુપ્રિમ કોર્ટ દ્વારા અશ્વિની ઉપાધ્યાયની પિટીશન માન્ય રાખવામાં આવશે તો લાખો હિન્દુ મંદિરો સરકારી ગુલામીમાંથી મુક્ત થશે. – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top