આક્રમણ અને ઘુસણખોરીનો ભય ભારતને સતત રહે છે, એટલે સતત સખત શીઘ્ર કાર્યવાહી અને પ્રતિકાર માટે તૈયાર રહેવું જરૂરી છે. દગાબાજ દુશ્મન-દોસ્તનો ઈતિહાસ ઉપહાસ સાથે રચાતો રહે છે. ‘‘હિન્દી-ચીની ભાઈ ભાઈ’’ ના સૂત્રોચ્ચાર સાથે બાસઠની સાલમાં ભારતે ભારે ખુવારી ભોગવવી પડી, અક્ષય ચીનની ભારતીય ભૂમિ ખોવી પડી, અસહાયતા જોવી પડી. છ દાયકા પછી આજે ફરી પડકાર ઊભો છે. ચીને લડાખ અને પૂર્વોત્તર ભારતની સરહદ પર સંકટની વિકટ સમસ્યા સર્જાઈ છે. અરૂણાચલ પ્રદેશની સીમા પર આપત્તિ સર્જાઈ છે. એક હેવાલ મુજબ ચીને ભારતની સરહદે પાંચસો મોડેલ ગામો ઊભા કર્યા છે અને તેની આડમાં બંકર બનાવે છે. સરહદ પરથી ઘુસવાના રસ્તાઓ તૈયાર કરે છે.
પર્વતની ઊંચાઈ પર લડવામાં કુશળ, કસાયેલા તિબેટિયનોને કામે લગાડવાની યોજના છે, ત્યાં ચાલાકી સાથે બાંધકામ થયું છે. ચીનની વ્યૂહાત્મક તાકાત સુપરિચિત છે. પુષ્કળ શસ્ત્ર સરંજામ સાથે આર્થિક, વૈજ્ઞાનિક રીતે પણ તે મજબૂત છે. સોળથી વીસ હજાર ફૂટની ઊંચાઈએ ભારતને બોફોર્સજ કામ લાગી શકે તેમ છે, લડાયક વિમાન કે હેલિકોપ્ટર ખાસ કામ લાગતાં નથી. ચીનની સરમુખત્યારશાહી રાજ્યવ્યવસ્થામાં મેન પાવર પણ ઘણો છે, તે એક મહાસત્તા હોવાથી વિશ્વને પ્રભાવિત કરી શકે છે. આવા સંજોગોમાં ભારતે સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવાનું રહે છે, જરાયે બેદરકારી પાલવે નહીં. ચીનની શૈતાની સામે શાંતિપ્રિયતા ચાલે નહીં, જે રીતે બાસઠમાં પરસ્પર સ્વીકારેલા ‘‘પંચશીલ’’ ના સિધ્ધાંતો ચીને વિસારી દીધા હતા. કાશ્મીરની ભૂમિતો સંવેદનશીલ છે જ અને બાકીની સરહદો સળગે ત્યારે અકલ્પ્ય પરિસ્થિતિ સર્જાય.
સુરત – યૂસુફ એમ. ગુજરાતી -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.