Charchapatra

ગુજરાતી ભાષાના જતન ખૂબ જરૂરી છે

હમણાં એક ઘરે સાત-આઠ વર્ષના એક દીકરાને મળવાનું થયું. એ બહુ જ ચબરાક અને હોશિયાર છોકરો સરસ રીતે ગુજરાતીમાં વાત કરતો હતો. અનાયાસે મારી પાસે ગુજરાતી બાળવાર્તાની એક ચોપડી હતી, એ એને આપી તો એણે કહ્યું હું તો ઇંગ્લિશ મિડિયમમાં ભણું છું. મને આ વાંચતા નહીં ફાવે. NEP 2020 અંતર્ગત અંગ્રેજી માધ્યમમાં પણ હવે તો પ્રાદેશિક ભાષા ભણાવવી ફરજિયાત છે. છતાં માતૃભાષા પ્રત્યેનો આ લગાવ ચિંતાજનક છે. બીજાને ત્યાં રોજિંદુ ઘરકામ કરી ગુજરાન ચલાવનાર પણ પેટે પાટા બાંધી પોતાના સંતાનોને અંગ્રેજી માધ્યમની શાળામાં ભણાવે છે.

એ વિચારે છે કે અંગ્રેજી માધ્યમમાં ભણશે તો એનો દીકરો- દીકરી ક્યાંય પાછા નહીં પડે, એમને પોતાની જેમ બીજાના ઘરે રોજકામના ધસરડા નહીં કરવા પડે. સમાજમાં શિક્ષણ સંદર્ભે ખોટા રોલમોડેલ સેટ થઈ ગયાં છે. આમને આમ નવી પેઢી માતૃભાષા ગુજરાતીના વાંચન લેખનથી અળગી થતી જાય છે. આવા સંજોગોમાં ગુજરાતી ભાષાના જતન સંવર્ધન અંગે શું કરી શકાય એ દિશામાં પ્રત્યેક ગુજરાતીએ વિચારવું રહ્યું. કેમ કે ગુજરાતી ભાષા ભલે નથી મરવાની, પણ એને બોલનારી પેઢી હવે મૃતપ્રાય છે.
કીમ,સુરત – પ્રકાશ પરમાર – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top