Vadodara

સરકારી જથ્થામાંથી પ્લાસ્ટિકના ચોખા નીકળતાં કાર્ડધારકની ફરિયાદ

શહેરા : પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં  આવેલ ત્રણ નંબરની  સસ્તા અનાજની  દુકાનમાંથી આપવામાં આવેલ સરકારી ચોખાના જથ્થામાંથી પ્લાસ્ટીકના ચોખા નિકળ્યા હોવાની કાર્ડધારક દ્વારા ફરિયાદ કરવામાં આવતા શહેરા મામલતદાર દ્વારા આ દુકાન ખાતે રાખવામાં આવેલ તમામ ચોખાના જથ્થાને સરકારી ગોડાઉન ખાતે પરત મોકલી આપ્યો હતો, તો બીજી તરફ સમગ્ર મામલે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા પ્લાસ્ટિકના ચોખા હોવાની વાતને નકારીને સરકાર દ્વારા આપવામાં આવતો ફોર્ટિફાઇડ ચોખાના દાણા હોવાનું જણાવ્યું હતું .

શહેરા ખાતે આવેલ શહેરા અર્થક્ષમ સેવા સહકારી મંડળીની શાખા 3 પરથી કાર્ડ ધારકને સરકાર દ્વારા આપવામાં આવેલા ચોખાના જથ્થામાં પ્લાસ્ટિકના ચોખા હોવાની ફરિયાદ કાર્ડધારક દ્વારા  મામલતદારને કરવામાં આવી હતી તો બીજી તરફ શહૅરા મામલતદારને આજ પ્રકારની ખાનગી રાહે બાતમી પણ મળી હતી જે આધારે મામલતદાર દ્વારા આ સસ્તા અનાજની દુકાન પર રાખવામાં આવેલ ચોખાનો 700 કિલો ઉપરાંતનો જથ્થો પરત  સરકારી ગોડાઉન ખાતે મોકલી આપ્યો હતો.

સમગ્ર મામલાની તપાસ પુરવઠા નિગમ તેમજ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા શરૂ કરાઈ હતી. જિલ્લા પુરવઠા નિગમની ટીમ દ્વારા શહેરા સરકારી ગોડાઉન ખાતે ચોખાના સેમ્પલ મેળવીને તપાસ હાથ ધરવામાં આવી હતી. બીજી તરફ  સરકારી ગોડાઉન ખાતે આવેલા જિલ્લા પુરવઠા અધિકારીએ ખુલાસો કર્યો હતો કે ચોખાના જથ્થામાંથી મળી આવેલા અલગ રંગના ચોખાના દાણા સરકાર દ્વારા ચોખાને ફોર્ટિફાઇડ કરીને ઉમેરવામાં આવતા હોય છે.

ચોખાને વધુ પોષણક્ષમ બનાવવા માટે સરકાર દ્વારા અલગથી બનાવડાવીને 50 કિલોની 5 બેગમાં 500 ગ્રામ ફોર્ટિફાઇડ ચોખા ઉમેરાય છે તે જ છે , તેમ છતાં ગાંધીનગર ખાતેથી તપાસ ટીમ શુક્રવારના રોજ  શહેરા ખાતે આવી આ ચોખાના જથ્થાની તપાસ કરનાર છે.  હાલ તો  સસ્તા અનાજની દુકાનના રેશન કાર્ડ ધારકોએ પ્લાસ્ટિકના ચોખા  હોવાનો હોબાળો  કરેલ તે ચોખાનો જથ્થો  પોષણ યુક્ત ચોખા હોવાનુ તંત્ર રટણ કરી રહયુ છે. આ ચોખા ગોધરા તાલુકાના  ભામૈયા  અને  આણંદમાં બનતા હોવાનું પુરવઠા વિભાગમાંથી જાણવા મળી રહ્યું હતું.

Most Popular

To Top