મધ્યપ્રદેશમાં ૨૦૦ થી વધુ બાળકોને કેલ્શિયમ કાર્બાઇડ ગન નામના ફટાકડાના દુરુપયોગથી આંખોને નુકસાન થયું હતું. આ રસાયણનો ઉપયોગ વેલ્ડીંગ અને પેઇન્ટ જેવા ઉદ્યોગોમાં થાય છે, પરંતુ કેટલાંક લોકોએ તેનો ઉપયોગ વિસ્ફોટક તરીકે કર્યો હતો. દિવાળી દરમિયાન ઘરે બનાવેલી કાર્બાઇડ ગનથી રમ્યા પછી આ લોકોએ તેમની આંખોને નુકસાન પહોંચાડ્યું હતું. નિષ્ણાતોએ આ ઘરે બનાવેલાં રમકડાંની તુલના રાસાયણિક બોમ્બ સાથે કરી છે. આ લોકોએ ફટાકડા ફોડવા માટે કાર્બાઇડ ગનનો ઉપયોગ કર્યો હતો, જેનો ઉપયોગ મુખ્યત્વે ખેડૂતો વાંદરાઓ અને પક્ષીઓને ડરાવવા માટે કરે છે. વહીવટી બેદરકારીને કારણે ભારતમાં કાર્બાઇડ ગન સરળતાથી ઉપલબ્ધ હતી. પોલીસ હવે વેચાણકર્તાઓ પર કડક કાર્યવાહી કરી રહી છે.
ભારતનાં લોકો જુગાડ કરવામાં હોંશિયાર છે. તેમણે નવો જુગાડ કરીને કાર્બાઇડ ગન બનાવી કાઢી છે. કાર્બાઇડ બંદૂકો ઘરે બનાવેલાં ઉપકરણો છે, જે સામાન્ય રીતે પ્લાસ્ટિક અથવા ટીનના પાઇપમાંથી બનાવવામાં આવે છે. તેમાં રાસાયણિક પ્રતિક્રિયા બનાવવા માટે કેલ્શિયમ કાર્બાઇડ અને પાણીનો ઉપયોગ કરવામાં આવે છે, જેના પરિણામે હિંસક વિસ્ફોટ થાય છે. નિષ્ણાતો કહે છે કે ભલે તે રમકડાં જેવાં દેખાય છે, પણ આ ઉપકરણો અત્યંત ખતરનાક છે. કાર્બાઇડ બંદૂકોમાં કેલ્શિયમ કાર્બાઇડ, મેચસ્ટીક્સ અને ગનપાઉડરનું મિશ્રણ હોય છે. કેલ્શિયમ કાર્બાઇડ સાથે પાણી ભેળવવાથી એસિટિલિન ગેસ ઉત્પન્ન થાય છે, જે સળગાવવામાં આવે ત્યારે શક્તિશાળી વિસ્ફોટ થાય છે, જે તીવ્ર ગરમી અને હાનિકારક વાયુ છોડે છે.
એક સમયે ફળો પકવવા માટે તેનો ઉપયોગ થતો હતો, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી આ પ્રથા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કાર્બાઇડ બંદૂકો પીવીસી મંકી રિપેલર ગન તરીકે છૂટથી ઓનલાઈન વેચાય છે અને પરંપરાગત ફટાકડાના વિકલ્પ તરીકે ઊભરી આવી છે. જ્યારે કાર્બાઇડ ગન ફૂટવામાં નિષ્ફળ જાય છે, ત્યારે બાળકો ઘણી વાર બેરલમાં જુએ છે. તે સમયે ગન અચાનક ફૂટે તો એક ક્ષણનો વિરામ રેટિના ફાટી જવા માટે પૂરતો શક્તિશાળી વિસ્ફોટ કરી શકે છે અને તાત્કાલિક અંધત્વનું કારણ બની શકે છે. પ્રતિબંધ છતાં ઈ-કોમર્સ પ્લેટફોર્મ ઉપર કાર્બાઇડ આધારિત બંદૂકોનું વેચાણ ચાલુ છે.
મધ્ય પ્રદેશના ભોપાલ જિલ્લામાં જ કાર્બાઇડ ગનથી થતી આંખની ઇજાના ૧૦૦ થી વધુ કેસ નોંધાયા છે, જેમાં ઓછામાં ઓછા ૧૫ કેસોમાં સર્જરીની જરૂર પડી છે. અન્ય ત્રણ જિલ્લાઓમાંથી ૧૦૦ કેસ નોંધાયા છે. બિહાર રાજ્યમાં ૧૭૦ કેસ નોંધાયા છે, જેમાંથી ૪૦ કેસોમાં સર્જરીની જરૂર છે. છત્તીસગઢ, ઝારખંડ અને ઉત્તર પ્રદેશ તેમજ રાજધાની દિલ્હીમાંથી પણ આવા કેસ નોંધાયા છે. મધ્ય પ્રદેશ સહિત કેટલાંક રાજ્યોએ હવે ફટાકડા તરીકે કાર્બાઇડ ગનના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે અને ઘણા વેચનારની ધરપકડ કરવામાં આવી છે.
ભોપાલની હમીદિયા હોસ્પિટલના નેત્રરોગ વિભાગના વડા કવિતા કુમાર કહે છે કે દર્દીઓ હળવી, મધ્યમ અને ગંભીર આંખની ઇજાઓ સાથે આવી રહ્યાં છે. મોતીલાલ સાયન્સ કોલેજના રસાયણશાસ્ત્રના પ્રોફેસર ડૉ. અલકા પ્રધાન કહે છે કે ફક્ત કેલ્શિયમ કાર્બાઇડ ખતરનાક નથી. જ્યારે તે પાણીના સંપર્કમાં આવે છે, ત્યારે તે એસિટિલીન નામનો તીખો ગંધવાળો ગેસ ઉત્પન્ન કરે છે. તે ખૂબ જ જ્વલનશીલ અને વિસ્ફોટક છે. જ્યારે તેને બાળવામાં આવે છે, ત્યારે તેની જ્વાળાઓ ૩૨૦૦ ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ થાય છે. વેલ્ડીંગ માટે તેનો ઉપયોગ કરતી વખતે તેને એસીટોન નામના રસાયણમાં ડૂબાડી રાખવામાં આવે છે, જેથી તેનો વિસ્ફોટ ન થાય.
અકસ્માતો પછી પોલીસની કડકાઈની અસર એ હકીકતમાં દેખાઈ રહી હતી કે હાર્ડવેરના વેપારીઓ કાર્બાઇડ ગન વિશે વાત કરવાનું ટાળતા હતા. એક દુકાનદારે કહ્યું કે તે ચૂનાના પથ્થર જેવો પદાર્થ છે. તેને કોઈ વિસ્ફોટક લાયસન્સની જરૂર નથી. તેના મુખ્ય ખરીદદારો લોખંડ અને સ્ટીલ ઉદ્યોગો છે. તે પછી પેઇન્ટમાં કામ કરતાં લોકોમાં તેની માંગ છે. વિસ્ફોટક તરીકે તેનો દુરુપયોગ થયા પછી જાગૃત થયેલી પોલીસ હવે ભોપાલ અને વિદિશા સહિત ઘણા જિલ્લાઓમાં વિસ્ફોટક કાયદા હેઠળ કાર્યવાહી કરી રહી છે. વિસ્ફોટકો સાથે બેદરકારી દાખવીને અન્ય લોકોની સલામતીને જોખમમાં મૂકવા બદલ ઘણા વેચાણકર્તાઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યા છે.
વિસ્ફોટક પદાર્થ તરીકે કેલ્શિયમ કાર્બાઇડનો બિનપરંપરાગત ઉપયોગ આશ્ચર્યજનક રીતે વહીવટી ઉપેક્ષાનો ભોગ બન્યો છે. કેટલીક લોભી વ્યક્તિઓએ તેને બોમ્બમાં ફેરવી નાખ્યું છે અને જડ વહીવટીતંત્ર તેના જોખમને ઓળખવામાં નિષ્ફળ ગયું છે. સામાન્ય રીતે સેન્ટ્રલ ઔદ્યોગિક સલામતી અને પેટ્રોલિયમ અને વિસ્ફોટક સુરક્ષા સંગઠનો ફટાકડા અને વિસ્ફોટકોના ઉત્પાદન, પરિવહન અને સંગ્રહ માટે લાઇસન્સ જારી કરે છે.
પ્રાદેશિક અધિકારીઓ કહે છે કે કેલ્શિયમ કાર્બાઇડ વિસ્ફોટક તરીકે લાયક નથી, તેથી તેઓ તેનું નિરીક્ષણ કરતા નથી. આ કાર્ય રાજ્ય સરકાર દ્વારા, ખાસ કરીને ગૃહ વિભાગ દ્વારા સંભાળવાનું હતું. અસ્પષ્ટ અધિકારક્ષેત્રને કારણે તેને અવગણવામાં આવ્યું હતું. અકસ્માતો પછી રાજ્ય સરકારે આ મુદ્દા પર કાર્યવાહી શરૂ કરી છે. કાર્બાઇડ ગનની દુર્ઘટનાઓ દ્વારા આપણું વહીવટીતંત્ર જડ અને બેદરકાર પુરવાર થયું છે.
કાર્બાઇડ ગનનો ભોગ બનીને ભોપાલની હમીદિયા હોસ્પિટલમાં દાખલ ૧૭ વર્ષીય નેહાએ કહ્યું કે અમે ઘરે બનાવેલી કાર્બાઇડ ગન ખરીદી હતી. જ્યારે તે ફૂટી ત્યારે મારી એક આંખ સંપૂર્ણપણે બળી ગઈ હતી. હું કંઈ જોઈ શકતી નથી. ભોપાલ મેમોરિયલ હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર (BMHRC) ના નેત્રવિજ્ઞાન વિભાગના વડા ડૉ. હેમલતા યાદવે કહ્યું કે પરિણામી રાસાયણિક બળે કોર્નિયા, આઇરિસ અને રેટિનાને નુકસાન પહોંચાડી શકે છે, જે ઘણી વાર ઓપ્ટિક નર્વને ઇજા થવાને કારણે કાયમી દૃષ્ટિની ક્ષતિ અથવા દૃષ્ટિ ગુમાવવાનું કારણ બને છે અને તેના કારણે સ્ટેમ સેલનો નાશ થાય છે.
ભોપાલ સ્થિત નેત્રચિકિત્સક ડૉ. અદિતિ દુબેએ ચેતવણી આપી હતી કે કેલ્શિયમ કાર્બાઇડને પાણીમાં ભેળવીને ઉત્પન્ન થતો એસિટિલિન ગેસમાં શ્વાસ લેવાથી વધુ જોખમી છે. તેની સંભવિત હાનિકારક અસરોમાં મગજમાં સોજો, હાયપોક્સિયા, માથાનો દુખાવો, ચક્કર અને યાદશક્તિમાં ઘટાડો સામેલ છે. AIIMS ભોપાલના ડોકટરોએ જણાવ્યું હતું કે આંખની ઇજાઓના બે મુખ્ય પ્રકાર છે: એસિડ અને આલ્કલાઇન. મર્યાદિત ઘૂસપેઠને કારણે એસિડ ઇજાઓ ઓછી ગંભીર હોય છે, પરંતુ આલ્કલાઇન ઇજાઓ ખૂબ ખતરનાક હોય છે.
દિવાળીનાં બે અઠવાડિયાં પહેલાં સરકારી અધિકારીઓએ કાર્બાઇડ ગનની સમસ્યા ઓળખી કાઢી હતી અને તેના વેચાણ પર પ્રતિબંધો લાગુ કર્યા હતા. ૧૫૦થી ૨૦૦ રૂપિયાની કિંમતનાં આ ઉપકરણો ખુલ્લા બજારમાં મનોરંજનની વસ્તુઓ તરીકે વેચાઈ રહ્યાં હતાં, જ્યારે ઈ-કોમર્સ પ્લેટફોર્મ તેમને ૫૦૦થી ૨,૦૦૦ રૂપિયામાં વેચવામાં આવી રહ્યાં હતાં. પ્રતિબંધ છતાં ઈ-કોમર્સ પ્લેટફોર્મે કાર્બાઇડ આધારિત બંદૂકોનું વેચાણ ચાલુ રાખ્યું હતું. આ ઉત્પાદનો મેટલ અથવા પીવીસી પાઈપોમાં ઉપલબ્ધ છે અને કાં તો સ્વ-એસેમ્બલ અથવા ઉપયોગ માટે તૈયાર એકમો તરીકે ઉપલબ્ધ છે. વેચાણકર્તાઓ ઇગ્નીશન મિકેનિઝમ્સ અને રક્ષણાત્મક મોજાં જેવી વધારાની એક્સેસરીઝનો પણ સમાવેશ કરે છે, જે સલામતીની ખોટી ભાવના પેદા કરે છે.
ઘણા અહેવાલો સૂચવે છે કે દિવાળીમાં કાર્બાઇડ ગનના ક્રેઝમાં વધારો સોશ્યલ મીડિયા જેવા કે ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ રીલ્સ અને યુટ્યુબ શોર્ટ્સને કારણે થયો હતો. એક પીડિતાએ સ્વીકાર્યું કે મેં સોશ્યલ મીડિયા પર વીડિયો જોયો અને ઘરે ફટાકડાની બંદૂક બનાવવાનો પ્રયાસ કર્યો હતો. તે મારા ચહેરા પર ફૂટી ગઈ અને મેં એક આંખ ગુમાવી દીધી હતી. યુટ્યુબ શોર્ટ્સ પર કાર્બાઇડ ગન હેશટેગ હેઠળ ટેગ કરેલી ક્લિપ્સ વાયરલ થઈ રહી છે, જેમાં લોકો કાર્બાઇડ ગનનો ઉપયોગ કરતાં દેખાય છે. ઘણાં લોકો ઘરે તેને કેવી રીતે બનાવવી તે દર્શાવતાં પણ જોઈ શકાય છે. ભોપાલમાં સાત બાળકો ગંભીર રીતે ઘાયલ થયાં હતાં અને તેમને હમીદિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. કેટલાંક ગ્વાલિયર અને વિદિશામાં પણ છે. બાળકોની સંભાળ રાખવા અને તેમને તમામ સુવિધાઓ પૂરી પાડવા માટે એક તબીબી ટીમ પણ બનાવવામાં આવી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.