હથોડા: સુરતથી (Surat) અમરેલી તરફ જઈ રહેલી કારના ચાલકે શિયાલજ નજીક હાઇવે પર કાબૂ ગુમાવતાં કાર ડિવાઇડર કૂદી સામેના રોડ (Road) પર ધસી જઈ પસાર થતી ટ્રક (Truck) સાથે ધડાકાભેર અથડાતાં કારચાલકનું મોત (Death) થયું હતું. જ્યારે ત્રણને નાની-મોટી ઇજા થઈ હતી.
- અકસ્માતમાં પીયૂષભાઈનું ઘટના સ્થળે જ મોત થયું
- અન્યને વત્તી ઓછી ઇજા થતાં કામરેજ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા
સુરતથી અમરેલીના થોરડી ગામે વેકરિયા પરિવાર તેમની જીજે ૧૯ એએ ૭૧૭૧ નંબરની કારમાં બેસી સુરતથી નીકળ્યા હતા. આ કારમાં પીયૂષ જયસુખ વેકરિયા, અસ્મિત જયસુખ વેકરિયા, નરેશ જયસુખ વેકરિયા અને ભૂમિ અસ્મિત વેકરિયા સવાર હતા અને કાર પીયૂષભાઈ ચલાવતા હતા. તેઓ શિયાલજ નજીક હાઇવે પરથી પસાર થતા હતા. ત્યારે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં પૂરપાટ ઝડપે દોડતી કાર રોડ વચ્ચેનું ડિવાઇડર કૂદી સામેના રોડ પર ધસી હાઇવે પરથી પસાર થતી આરજે 14 જેજે 4424 નંબરની ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં કારનો ખુરદો નીકળી ગયો હતો. અકસ્માતમાં પીયૂષભાઈનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્યને વત્તી ઓછી ઇજા થતાં કામરેજ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે કોસંબા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઉધનાના વેપારીની બાઇક સ્લીપ થતાં ગંભીર ઇજા બાદ મોત
સુરત : ઉધના વિસ્તારમાં આવેલા રામનગર સોસાયટીમાં રહેતા 50 વર્ષિય યોગેશભાઈ ત્રિવેણીભાઈ સિંઘ કાપડની દુકાન ચલાવીને પત્ની સહિત પુત્ર અને પુત્રીનું ભરણપોષણ કરી રહ્યા હતા. યોગેશભાઈ 23 જાન્યુઆરીના સાંજના સમયે બાઇક પર તેરે નામ ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે તેની બાઈક સ્લીપ થઈ જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.