Dakshin Gujarat

ટ્રક-કાર વચ્ચે અકસ્માતમાં કારનો ખુરદો વળી ગયો, નેશનલ હાઇવે પર ટ્રાફિક જામ

હથોડા: મોટી નરોલી નજીક નેશનલ હાઇવે (Highway) પર ટ્રક (Truck) અને ઇકો કાર (Car) વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં (Accident) ઇકો કારની પાછળ ટ્રક પલટી જતાં ઇકો કારનો પાછળના ભાગનો ખુરદો નીકળી ગયો હતો. કારમાં માત્ર ડ્રાઇવર જ સવાર હોવાથી અને ઇકો કારના પાછળના ભાગે ટ્રક પલટી જઇ અકસ્માત સર્જાતાં ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ થયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે નેશનલ હાઇવે પર ટ્રાફિક જામનો પ્રશ્ન સર્જાયો હતો. અકસ્માત સર્જાતાં આસપાસમાં રહેતા રહીશો તેમજ નજીકની પાલોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી બચાવ કામગીરી હાથ ધરી હતી. અકસ્માતના હદ વિસ્તારની પાલોદ પોલીસ ચોકીમાં અકસ્માત અંગે ફરિયાદ દાખલ થઈ નથી.

બગવાડા ટોલનાકા પાસે પારડી પોલીસની કારને ટ્રેલર ચાલકે ટક્કર મારી
પારડી : પારડીના બગવાડા ટોલનાકા હાઈવે પર પારડી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલની બ્રેઝા કારને એક ટ્રેલર ચાલકે પુરઝડપે હંકારી લાવી કારને અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો. ટ્રેલર ચાલકને પોલીસે ઝડપી પાડ્યો હતો. પારડી પોલીસ મથકના હેકો. કંચન મનસુખ ઠાકરે ગતરાત્રીના બગવાડા ટોલનાકા પાસે પોતાની ફરજ પર જવા માટે બ્રેઝા કાર નં. જીજે 15 સી.જે. 6223 લઈને નીકળ્યા હતા. તે દરમિયાન ટોલનાકાના ટોલ લેન 5 ની આગળ અશોક લેલન ટ્રેલર નંબર આર.જે. 51 જી.એ. 1358 ના ચાલકે પૂરઝડપે અને ગફલત રીતે હંકારી લાવી હેડ કોન્સ્ટેબલની કારના ડ્રાઈવર સાઈડના આગળ પાછળના દરવાજાને અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો. ઘટના અંગે પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ટ્રેલર ચાલક લોકેશ શ્રવણભાઇ મીણા (રહે. રાજસ્થાન)ને ઝડપી પાડી વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી.

બગવાડા રેલવે સ્ટેશન પાસે વલસાડનો યુવાન ટ્રેન અડફેટે આવી ગયો
પારડી : ઉદવાડા રેલવે સ્ટેશનથી બગવાડા રેલ્વે સ્ટેશન વચ્ચે વલસાડનો પરિણીત યુવાન ટ્રેન અડફેટે આવી જતા મોત નીપજ્યું હતું. વલસાડ તાલુકાના નવેરા ગામે બાવીસા ફળિયામાં રહેતો કમલેશ રમેશભાઈ પટેલ (ઉંવ.40) પારડીના ઉદવાડાથી બગવાડા રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેનના અડફેટે આવી જતા મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ પોલીસને થતા સ્થળ પર આવી પહોંચી પુરુષના ખિસ્સામાંથી મળી આવેલા મોબાઇલ ફોન અને એટીએમ કાર્ડના આધારે પરિવારને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા તાત્કાલિક પરિવાર પારડી આવી પહોંચ્યા હતા. પોલીસે ઓરવાડ સીએસસી હોસ્પિટલમાં મૃતકની લાશને પીએમ કરવા મોકલી આપી હતી. જોકે, મૃતક કમલેશ પટેલ પોતાની બાઈક લઈને કામ અર્થે બહાર ગયો હતો. જે રેલવે ટ્રેક પર કયા કારણસર ગયો અને કઈ રીતે ટ્રેન અડફેટે આવી ગયો. જે રહસ્ય અકબંધ રહ્યું હતું. ઘટના અંગે મૃતકના ભાઇ અલ્કેશ પટેલે પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

Most Popular

To Top