ઘેજ : ચીખલી તાલુકાના ઘેકટી ગામે કારમાં (Car) સવાર યુવાનનો ફિલ્મી ઢબે પીછો કરી ઘરમાં (House) ઘૂસી જઇ ધમકી આપી. કારમાં તોડફોડ કરતા પોલીસે (Police) ચાર સામે ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઘેકટીના જ આરોપીઓ પૈકી એકની દીકરી ત્રણેક વર્ષ પૂર્વે પ્રેમ સંબંધમાં જતી રહેતા સહકાર નહી આપ્યાનું મન દુ:ખ રાખી ‘તારામાં હિંમત હોય તો દરવાજો ખોલ આજે તારા પગ ભાંગી નાંખવા છે તને જાનથી મારી નાંખવો છે’ તેવી ધમકી આપી ઘરમાં ઘૂસી જઇ કારની તોડફોડ કરી હતી.
પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ ફરિયાદી દિપેન અરવિંદભાઇ પટેલના પાડોશી બાબુભાઇના ભાણેજ જયદીપ ખાપુભાઇ પટેલ સાથે ઘેકટીના કમલેશ બાલુભાઇ પટેલની દીકરી મેઘવી ત્રણેક વર્ષ પહેલા પ્રેમ સંબંધમાં જતી રહી હતી. તે વખતે તમે કમલેશભાઇને સહકાર આપેલો નહિ, તેમ મન દુ:ખ રાખી ગતરોજ સાંજે ફરિયાદી દીપેન તેની કારમાં પરત ફરતો હતો. તે દરમ્યાન વંકાલ વજીરા ફળિયામાં પૂલ્યા આરોપી અક્ષય તથા તેની સાથેના માણસો હાથમાં લાકડાના ધોકા લઇ મારવા આવતા તે ગાડી લઇ ભાગી જતા પીછો કરી ગાળો આપી ‘દીપેન તારામાં હિંમત હોય તો દરવાજો ખોલ, આજે તારા પગ ભાંગી નાંખવા છે અને તને જાનથી મારી નાંખવો છે’ તેવી ધમકી આપી ઘરમાં તેમજ તેની વેરના કાર જી.જે. 21 સીબી 7004માં તોડફોડ કરી નુકશાન કરતા પોલીસે અક્ષય દિનેશ પટેલ તથા જગુભાઇ સામે ગુનો નોંધી હેડ કોન્સ્ટેબલ અલ્પેશ નવનીતભાઇ પટેલે વધુ તપાસ હાથ ધરી હતી.
જેઠે અડપલાં કર્યા એ વાત સાસુને કરી તો બાળકને છીનવી વિધવા વહુને ઘરમાંથી કાઢી મુકી
ભરૂચ, ઝઘડિયા : ઝઘડિયામાં રહેતી વિધવા માતા પાસેથી સાસરી પક્ષવાળાએ ચાર વર્ષના બાળકને છીનવી લઈને ઘરમાંથી કાઢી મુકતા મુશ્કેલીમાં મુકાયેલી વિધવાએ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં મદદ માંગી હતી. મઆખરે ૧૮૧ની રેસ્ક્યુ ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી સાસરિયાં સાથે ચર્ચા કરીને વિધવા માતાને બાળક અપાવતા આખું વાતાવરણ ગદ્દગદ્દિત થઇ ગયું હતું.
ઝઘડિયામાં રહેતી રીટા (નામ બદલ્યું છે)ના ૧૦ વર્ષ પહેલાં લગ્ન થયા હતાં. આ લગ્ન સમયગાળામાં તેને ખોળે એક પુત્રએ અવતરણ લીધું હતું. રીટા તેના પતિ સાથે સાસરીમાં જ રહેતી હતી. પરંતુ બે વર્ષ પહેલાં રીટાના પતિ બીમારીના કારણે મોતને ભેટ્યા હતા. રીટાના પતિના મૃત્યું બાદ તેની સાસરિયામાં સાસુ, જેઠ અને તેમના ભત્રીજા સાથે રહે છે. રીટા પોતાની આજીવિકા ચલાવવા માટે ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી. જેઠે રીટા પર દાનત બગાડી અવાર નવાર શારીરીક છેડછાડ કરતો હતો. આ અંગેની જાણ રીટાબેને તેની સાસુને કરતા સાસુએ પણ તેમના પુત્રની તરફેણ કરીને તેની સાથે ઝઘડો કરીને તેનો જ વાંક કાઢીને કોઈ પણ વ્યક્તિને આ વાત નહિ કહેવા દબાણ કર્યું હતું. જેઠે રીટા પર અન્ય પુરુષ સાથે અફેર ચાલતું હોવાના ખોટા આરોપ મુકીને ઘરમાંથી કાઢી મૂકીને ચાર વર્ષના તેના પુત્રને લઇ લીધો હતો. ત્યાર બાદ રીટાએ તેના પિયરમાં જઈને ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં કોલ કરીને તેના પુત્રને અપાવવા મદદ માંગી હતી. કોલ મળતા જ અભયમ ટીમના કાઉન્સિલર રેસ્ક્યુ વાન સાથે સ્થળ પર પહોંચી રીટાના સાસરિયાને આ રીતે વિધવાને પરેશાન કરવા એ ગુનો બને છે અને તેમજ અન્ય બાબતો સમજાવી તેમની પાસેથી બાળકને લઈને રીટાબેનને સોંપતા માતાની ખુશીનો કોઈ પાર ન રહ્યો હતો.