બીલીમોરા : બીલીમોરા સ્ટેશન રોડ (Station Road) પર ટેક્નિકલ ફોલ્ટના (Technical fault) કારણે અચાનક કાર (Car) સળગી ઉઠી હતી. જેમાં અનાવલમાં ક્રિષ્ણા મેડિકલ એજન્સી ચલાવતા મહાદેવ પાટીલની મારૂતિવાન નં. જીજે 5 એજી 5331નો ચાલક સુનિલ નાયકા બીલીમોરા દવાના પાર્સલ (Parcel) લેવા માટે આવ્યો હતો. કાર સ્ટેશન જવાહર માર્ગ પર ગાંધી સદન સામે પહોંચતા કારમાંથી ધુમાડો નીકળતો દેખાતા ચાલક સુનિલભાઈ અને મહિલા કારમાંથી નીચે ઉતરી ગયા હતા. ઉપરાંત લોકોએ કારમાંથી દવાના બોક્સ પણ ઉતારી લીધા હતા. કારમાંથી ધુમાડો નીકળતો જ રહેતા નજીકના એક દુકાનદારે ફાયર એક્સટીગ્યુશર ચલાવતા ધુમાડો થોડો ઓછો થયો હતો. જ્યાં ફાયર ફાયટર પણ આવી જતા પાણીનો મારો ચલાવતા આગ કાબુમાં આવી હતી. કારમાં ટેક્નિકલ ફોલ્ટના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળ્યું હતું.
વાંસદા તાલુકા પંચાયત અને સેવા સદનમાં શોર્ટ સર્કિટ થતા ઈલેક્ટ્રોનિક વસ્તુઓ બળી ગઈ
વાંસદા : વાંસદા સેવા સદન અને તાલુકા પંચાયત કચેરીમાં ઈલેક્ટ્રોનિક રૂમમાં શોર્ટ સર્કિટ થતા કમ્પ્યુટર, પ્રિન્ટર, સ્કેનર, ઝેરોક્ષ મશીન બળી જવા પામ્યા હતા. તા. ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ કોઈ અગમ્ય કારણોસર શોર્ટ સર્કિટ થતા ઈલેક્ટ્રોનિક વસ્તુઓ અને વાયરીંગ બળી જતાં કચેરીનો વ્યવહાર ખોરવાઈ ગયો હતો. શોર્ટ સર્કિટના પગલે રૂમમાં ધુમાડો થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, સદનસીબે કચરીમાં ઉપસ્થિત કર્મચારીઓ અને લાભાર્થીઓ સુરક્ષિત રહ્યા હતા. ધુમાડો વધતા કચેરીમાં મુકેલા ફાયર એક્સટીંગુંઈશરનો ઉપયોગ કરી કાબુ મેળવવામાં આવ્યો હતો. તપાસ કરતા કચેરીના વાયરિંગમાં જ સમસ્યા થઈ હોવાનું જણાવ્યું હતું.
ચીખલીમાં મારૂતિવાનમાં આગ ફાટી નીકળતા બળીને ખાખ
ઘેજ : ચીખલી તાલુકાના કૂકેરી ગામે શાકભાજી લઇને આવતી મારૂતિવાનમાં અચાનક આગ ફાટી નીકળતા બળીને ખાખ થઇ ગઇ હતી. અનાવલથી સુરખાઇ શાકભાઇ લઇને આવતી મારૂતિવાનમાં કૂકેરીના માઘાતળાવ પાસે અચાનક આગ ફાટી નીકળી હતી અને બીલીમોરાથી ફાયર ફાઇટર આવે તે પૂર્વે બળીને ખાખ થઇ ગઇ હતી. બનાવમાં કોઇ જાનહાનિ નહીં થઇ હોવાનું જાણવા મળ્યું હતું.