SURAT

મોટા વરાછાની ઘટના: ઝોકું આવતા ચાલકે કાર પરનો કાબુ ગુમાવ્યો અને રોડ સાઈડ બેઠેલાં 7 પર ચઢાવી દીધી

સુરત: અમદાવાદના તથ્ય કાંડને ટક્કર મારે તેવી હીટ એન્ડ રનની ઘટના શુક્રવારની રાત્રે સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં બન્યો છે. આ ભયાનક અકસ્માત મોટા વરાછા રિંગ રોડ પર ગઈ મોડી રાત્રે 11.30 વાગ્યા આસપાસ બન્યો છે.

પૂરપાટ ઝડપે આવી રહેલી હોન્ડા સિટી કારનાના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં 7 લોકોને ઉડાવ્યા હતા. જેમાં માસા અને માસુમ ભાણેજ સહિત અન્ય એકનું મળીને કુલ ત્રણ વ્યક્તિના મોત થયા છે. તેમજ 5 વ્યકિતને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી બેની હાલત ગંભીર છે. તેમાંય એક તો સગર્ભા છે. તેમજ કાર ચાલકે ચાર જેટલા ટુ-વ્હિલરને પણ ઉડાવ્યા હોવાનું સામે આવ્યુ છે.

ઉત્રાણ પોલીસ સ્ટેશનના પીઆઈ એ.ડી. મહંતના જણાવ્યા અનુસાર જિજ્ઞેશ અમૃતલાલ ગોહિલ નામના વ્યક્તિ દ્વારા અકસ્માત કરાયો હોવાનું સામે આવ્યું છે. આરોપી અમરોલીના સ્ટાર ગેલેક્સી છાપરાભાઠા રોડ વરિયાવ વિસ્તારમાં રહે છે.

પ્રાથમિક પૂછપરછ દરમિયાન એવી વિગતો જાણવા મળી છે કે, પોતાના અમદાવાદના સંબંધી જે કેન્સરથી પીડિત છે તેના અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખબર અંતર પૂછીને તે સુરત પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન તે સુરતના રિંગ રોડ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો.

આ દરમિયાન એકાએક ઝોકું આવી જતા સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને તેના કારણે અકસ્માત થયો હતો. જેમાં દેવેશભાઈ વાઘાણી તેમનો છ વર્ષનો પુત્ર વિયાન દેવેશ વાઘાણી અને તેના સાઢુભાઈ સંકેત હિંમતભાઈ વાવડીયાનું મોત થયું છે. જ્યારે અન્ય પાંચ વ્યક્તિને ઈજા થઈ છે જે પૈકી બે વ્યક્તિ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.

પોલીસ દ્વારા હાલ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપી નશાની હાલતમાં હતો કે કેમ તેને લઈને બ્રિથ એનેલાઈઝરથી તપાસ કરવામાં આવી છે. તેમજ બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. આરોપી અકસ્માત સમયે નશાની હાલતમાં ન હોવાનું જણાય આવ્યું છે.

પોલીસ દ્વારા હજી પણ તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે અને કાયદેસરની કાર્યવાહી પણ કરી લેવામાં આવી છે. આરોપીની સામે ગુનો પણ દાખલ કરી દેવામાં આવ્યો છે.

આઉટ રિંગરોડ પર બેસવા ગયા અને અકસ્માતનો ભોગ બન્યા
અકસ્માતના ભોગ બનેલા પરિવારના સભ્ય જિજ્ઞેશ મિયાણીએ જણાવ્યું હતું કે, કાલે રાત્રે મારી બે બહેન, મારા બન્ને જીજાજી, મારો ભાણજ અને મારી નાની બહેન, નાનો ભાઈ વેલેંજા રીંગ રોડે બેસવા ગયા હતાં. તેઓ તમામ રોડની એકદમ સાઈડમાં બેઠા હતા. ત્યાંથી એક કારચાલક ફૂલ ઝડપથી જાણે આ લોકોને ઉડાવવા આવ્યો હોય તેમ કાર બધાની માથે ચડાવી દીધી હતી. આ ઘટનામાં મારો ભાણો અને એક જીજાજીનું મૃત્યું થયું છે અને પાંચ વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ છે. મારી અન્ય એક બહેનની અને જીજાજીની હાલત ગંભીર છે.

Most Popular

To Top