ભરૂચ: ભરૂચના નેશનલ હાઇવે-48 પર આવેલા મુલદ ટોલપ્લાઝા પર ઝપાઝપીની ઘટના પ્રકાશમાં આવી છે. ટોલપ્લાઝા પર બેરિકેડ હટાવવાના મુદ્દે થયેલી તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. કાર ચાલક સહિત ત્રણ શખ્સોએ ટોલ કર્મચારી પર હુમલો કર્યો હતો.
ગઈ તા. 26મી એપ્રિલ 2025ની રાત્રે લગભગ 10:45 વાગ્યે આ ઘટના બની હતી. હ્યુન્ડાઈ કારમાં આવેલા વ્યક્તિઓએ બેરિકેડ હટાવવાની બાબતે વિવાદ કર્યો હતો.વિવાદ વધતા તેઓએ ટોલ કર્મચારી સાથે મારામારી શરૂ કરી દીધી હતી.
સમગ્ર ઘટના ટોલપ્લાઝાના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ફૂટેજમાં ચાર લોકો ટોલ કર્મચારીને માર મારતા સ્પષ્ટ દેખાય છે. અન્ય ટોલ કર્મચારીઓએ વચ્ચે પડીને મામલો શાંત પાડ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. આરોપીઓની ઓળખ માટે CCTV ફૂટેજનો આધાર લેવામાં આવી રહ્યો છે.