અનાવલ: (Anaval) મહુવા પોલીસે ફિલ્મીઢબે પીછો કરી બારડોલીના કેદારેશ્વર મંદિરના સામે આવેલા પેટ્રોલ પંપની બાજુમાંથી મમરાની આડમાં પિકઅપમાં લઈ જવાતી વિદેશી દારૂની (Liquor) ૬૧૮ બોટલ ઝડપી પાડી હતી. આ બનાવમાં ૫,૭૪,૮૦૦ના મુદ્દામાલ સાથે પોલીસે (Police) બેની અટકાયત કરી હતી અને એકને વોન્ટેડ જાહેર કર્યો હતો.
- પોલીસ-બુટલેગરોની ‘રેસ’: ટાયર ફાટી ગયું છતાં બુટલેગરોએ 2 કિ.મી. વ્હીલડિશ પર ગાડી ચલાવી!
- દારૂ ભરેલી પિકઅપ બારડોલી કેદારેશ્વર મંદિરની સામે રસ્તાની સાઈડ પર ખાડામાં ઊતરી જઈ તારની ફેન્સિંગ સાથે અથડાઈ
- મહુવા પોલીસે મમરાની આડમાં લઈ જવાતા દારૂ સાથે ૫.૭૪ લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપ્યો
- સુરતના ભેસ્તાન ખાતે મુદ્દામાલ લઈ જનાર રાહુલ પ્રકાશ પાટીલ અને અર્જુન છબીનાથ ચતુર્વેદીની અટક
- નવસારીના ખેરગામથી દારૂનો જથ્થો ભરી આપનાર મેહુલ પટેલ વોન્ટેડ
મહુવા પોલીસમથકના P.I જે.એ.બારોટને બાતમી મળી હતી કે, એક મહિન્દ્રા કંપનીની પિકઅપ નં.(GJ-05-BZ-9748)માં મમરાની ગુણની આડમાં દારૂનો જથ્થો સુરતના ભેસ્તાન ખાતે લઈ જવામાં આવનાર છે. જેના આધારે મહુવાના મિયાપુર ચાર રસ્તા નજીક પોલીસનો કાફલો કોર્ડન કરી વોચમાં ઊભો હતો. દરમિયાન બાતમી મુજબની પિકઅપ આવી હતી. જેને પોલીસે રોકવાનો પ્રયાસ કરતાં ચાલકે ગાડી ભગાવી હતી. આથી પોલીસ સ્ટાફની ૨ ગાડી અને ૬થી ૭ મોટરસાઇકલ ઉપર GRDના જવાનોએ પીછો કર્યો હતો. દરમિયાન બારડોલીના કેદારેશ્વર મંદિરની સામે દારૂ ભરેલી ગાડીનું ટાયર ફાટી ગયું હતું. તેમ છતાં પિકઅપ ગાડીના ચાલકે ૨ કિ.મી. સુધી માત્ર વ્હીલડિશ પર ગાડી ભગાવી હતી.
પોલીસે પીછો કરી હાઈવે પર આગળ જઈ ગાડી આડી મૂકી દેતાં દારૂ ભરેલી પિકઅપ રસ્તાની સાઈડ પર ખાડામાં ઊતરી જઈ તારના ફેન્સિંગ સાથે અથડાઈ હતી. મહુવા પોલીસ તેમજ GRD જવાનોએ તાત્કાલિક ખાડામાં ઊતરી સુરતના ભેસ્તાન ખાતે મુદ્દામાલ લઈ જનાર રાહુલ પ્રકાશ પાટીલ અને અર્જુન છબીનાથ ચતુર્વેદીની અટક કરી છે. જ્યારે નવસારીના ખેરગામથી દારૂનો જથ્થો ભરી આપનાર મેહુલ પટેલને વોન્ટેડ જાહેર કરાયો છે. પોલીસે પિકઅપ ગાડીમાંથી મમરાની આડમાં સંતાડેલી વિદેશી દારૂની બોટલો નંગ-૬૧૮ કિં.રૂ.૬૧,૮૦૦, મમરા તેમજ પિકઅપ ટેમ્પો મળી ૫,૭૪,૮૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.