અંકલેશ્વર: અંકલેશ્વર શહેર પોલીસમથકની સર્વેલન્સ ટીમને વાલિયાથી અંકલેશ્વર (Ankleshwar) હાંસોટ રોડ પર અર્ટીકા કારમાં (Car) મોટા પાયે વિદેશી દારૂની (Alcohol) હેરાફેરી થવાની હોવાની મળેલી માહિતીના આધારે શહેર પોલીસે (Police) અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન અર્ટીકા કાર આવતાં પોલીસે તેને રોકી કારમાં તપાસ કરતાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વાલિયાના ડેહલી ગામના અર્ટિકા કારચાલક રીન્કુ રામુ વસાવાની ધરપકડ કરી રૂ.72,900ની કિંમતનો દારૂ તેમજ 5 લાખ રૂપિયાની કિંમતની અર્ટીકા કાર મળી કુલ 5,72,900 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી રીન્કુ વસાવાની વધુ પૂછપરછ હાથ ધરી છે.
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં હોટલમાંથી ગૌમાંસ ઝડપાયું
ભરૂચ: ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇએ ગૌમાંસ વેચાતું હોવાની બાતમી મળતાં શીફા ત્રણ રસ્તાથી મનુબર ગામ તરફ જવાના રસ્તા પર આવેલી ન્યૂ અલ-બેઇક સીક પરાઠા નામની નોનવેજ રેસ્ટોરન્ટમાં તેમની ટીમ તેમજ ભરૂચ પશુ દવાખાનાના પશુચિકિત્સક ડો.સાજીદ વોરા સાથે રેડ કરી હતી. રેસ્ટોરન્ટના માલિક બસારતઅલી કુરબાનઅલી શેખ હોવાનું માલૂમ પડ્યું હતું. પોલીસ ટીમે હોટલમાં ચેકિંગ કરતાં અંદર આવેલા એક ડીપ ફ્રીજમાં પશુ માંસ તેમજ માંસનો ખીમો તેમજ ચરબી અને લીવર પડેલું જણાયું હતું. જેથી તેમણે તમામ જથ્થાનાં ૪ સેમ્પલ મેળવી તપાસ અર્થે સુરત ખાતે આવેલી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલી આપ્યાં હતાં.
4 પૈકી ૩ સેમ્પલમાં ગૌમાંસ હતું
જેના ૪ પૈકી ૩ સેમ્પલમાં ગૌમાંસ હતું. જેના પગલે પીઆઇએ રેસ્ટોરન્ટના સંચાલક બસારતઅલી કુરબાનઅલી શેખની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, તેના મોટા ભાઇ અસરફઅલી કુરબાનઅલી શેખ શહેરના ભઠિયારવાડ ખાતે અસ્લમ કુરેશી નામના એક શખ્સ પાસેથી ગૌમાંસ લાવ્યો હતો. જેના પગલે પોલીસે ન્યૂ અલ-બેઇક રેસ્ટોરન્ટના બંને માલિક ભાઇઓ તેમજ ખાટકી વિરુદ્ધ ભરૂચ બી-ડિવિઝન પોલીસમાં આઇપીસીની કલમ-૪૨૯ તેમજ પશુ સંરક્ષણ સુધારા અધિનિયમની કલમ તથા પશુઘાતકીપણા અધિનિયમ કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.