પારડી : પારડી (Pardi) તાલુકાના ઉદવાડા-રેંટલાવ ઓવરબ્રિજ પાસે આજરોજ સુરતની (Surat) એક કાર (Car) નં. GJ 05 CN 2579 અચાનક હાઇવે (Highway) પર પલ્ટી મારી જતા અકસ્માત (Accident) સર્જાયો હતો. મુંબઈથી સુરત જતા ટ્રેક પર થયેલા બનાવને પગલે કારને ભારે નુકશાન પહોંચ્યુ હતું. કાર હાઇવે પર પલ્ટી મારી જતા ટ્રાફિક જામ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક પહોંચી ટ્રાફિકને કન્ટ્રોલ કર્યો હતો. સદનસીબે કોઈ જાનહાની નહીં થતા મોટી દુર્ઘટના ટળી હતી. જોકે, ઉદવાડા-રેંટલાવ હાઈવે બ્રિજ પર સુરતના ચાલકની કાર પલ્ટી મારતા ચાલક યુવાનને બચાવતાનો વિડીઓ વાયરલ થયો હતો. લોકોએ મદદે આવી યુવાનને હેમખેમ બહાર કાઢી બચાવી લીધો હતો.
પલસાણામાં રોડ ક્રોસ કરતાં વૃદ્ધનું અજાણ્યા વાહનની અડફેટે મોત
પલસાણા: પલસાણા ખાતે ઇકો ટેક્સટાઇલ પાર્ક નજીક ને.હા-48 પર રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધને કોઈ અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. વૃદ્ધ રાત્રિના સમયે મિલમાં નોકરીએ જવા નીકળ્યા હતા ત્યારે માર્ગ અકસ્માતમાં તેમનું મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ પલસાણા ખાતે પઠાણ પાર્ક નજીક તુલસી એપાર્ટમેન્ટના રૂમ નં.202માં રહેતા અને મૂળ યુ.પી.ના અયોધ્યાના વતની છંગાલાલ ભોલાનાથ જેસ્વાલ પલસાણા કાલાધોડા ખાતે સૂર્યોદય મિલમાં નોકરી કરી ગુજરાન ચલાવે છે. તેઓ ગતરોજ રાત્રિના 7:30 વાગ્યાની આસપાસ નોકરીએ જવા માટે નીકળ્યા હતા. તેઓ પલસાણા ખાતે ઇકો ટેક્સટાઇલ પાર્ક સામે ને.હા.નં.48 ઉપર રોડ ક્રોસ કરી રહ્યા હતા. એ સમયે પૂરઝડપે હંકારી આવેલો અજાણ્યો વાહનચાલક છંગાલાલને અડફેટમાં લઈ ભાગી છૂટ્યો હતો. આ અકસ્માતમાં છંગાલાલને માથા તેમજ શરીરે ગંભીર ઇજા પહોંચતાં તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ બાબતે પલસાણા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
દયાદરા-નબીપુર માર્ગ પર ચક્કાજામની સ્થિતિ વચ્ચે વાહનચાલકો પરેશાન
ભરૂચ: ભરૂચ જિલ્લાના દયાદરા-નબીપુર માર્ગ પર ટ્રાફિક જામની સ્થિતિ વચ્ચે અનેક વાહનચાલકો સહિત સામાન્ય પ્રજાને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી જિલ્લાના વિવિધ માર્ગો પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે. પહેલા તો નેશનલ હાઇવે પર દરરોજ ચક્કાજામ થતો હતો. તેમાંથી માંડ છૂટકારો મળ્યો હતો. ત્યાં જ નંદેલાવ બ્રિજનો કેટલોક ભાગ ધરાશાયી થતાં ટ્રાફિક સમસ્યામાં વધારો થયો હતો. બ્રિજનો એક ભાગ ધ્વસ્ત થતાં એક તરફનો માર્ગ બંધ કરવાની ફરજ પડી હતી. જેના પગલે ભરૂચને જોડતા માર્ગો પર વારંવાર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. જેની સીધી અસર નબીપુર-દયાદરા માર્ગ પર થઈ છે. જ્યાં ચક્કાજામની સ્થિતિ વચ્ચે વાહનચાલકો સહિત સામાન્ય પ્રજાને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આવું ક્યાં સુધી ચાલશે તેનો જવાબ તો વહીવટી તંત્ર જ આપી શકે તેમ છે. બાકી આવાં ટ્રાફિક જામનાં દૃશ્યો છાશવારે જોતી પ્રજાને હવે નવાઈ જેવું લાગતું નથી. પ્રસ્તુત તસવીરમાં સવારના સુમારે નબીપુર-દયાદરા માર્ગ પર વાહનોની લાગેલી લાંબી કતારો જોઈ શકાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દિવસે દિવસે વાહનોનું ભારણ વધી રહ્યું છે. ત્યારે તંત્ર ટ્રાફિક સમસ્યાનું ત્વરિત નિરાકરણ લાવે તેવી માંગ વાહનચાલકોમાં ઊઠી છે.