નવી દિલ્હી : મહેન્દ્ર સિંહ ધોનીને (Dhoni) રમતના ઈતિહાસના મહાન કેપ્ટનોમાંનો (Captains) એક ગણાય છે. ધોનીએ 2020માં તેની ઇન્ટરનેશનલ ક્રિકેટ કેરિયરમાંથી નિવૃત્તિ લીધી હતી અને 2019 વર્લ્ડકપની સેમિફાઇનલ તેની છેલ્લી મેચ હતી. આ મેચ દરમિયાન જ તેણે નિવૃત્તિ લેવાનું મન બનાવી લીધું હતું અને આનો સંકેત ઋષભ પંત અને ફિલ્ડિંગ કોચ આર શ્રીધરને આપ્યો હતો. શ્રીધરે આટલા લાંબા સમય પછી આ અંગે મોટો ખુલાસો કર્યો છે. શ્રીધરે ધ્યાન દોર્યું કે કેવી રીતે ધોનીએ પંત સાથેની વાતચીતમાં વાસ્તવમાં ઈશારો કર્યો હતો કે તેણે ભારત માટે તેની છેલ્લી મેચ રમી લીધી છે.
- માજી ફિલ્ડીંગ કોચ શ્રીધરે ‘કોચિંગ બિયોન્ડ-માય ડેઝ વિથ ધ ઈન્ડિયન ક્રિકેટ ટીમ’માં ધોનીની નિવૃત્તિ સંબંધે ખુલાસો કર્યો
- ન્યૂઝીલેન્ડ સામેની સેમીના રિઝર્વ ડે ની સવારે ધોનીએ પંતને કહ્યું હતું કે હું ટીમ સાથે મારી છેલ્લી બસ ડ્રાઇવ ચૂકવા માગતો નથી
શ્રીધરે કહ્યું હતું કે હું હવે જાહેર કરી શકું છું કે ધોનીએ નિવૃત્તિ વિશે કેવી રીતે સંકેતો આપ્યા હતા. માન્ચેસ્ટરમાં ન્યુઝીલેન્ડ સામેની અમારી વર્લ્ડકપ સેમિફાઇનલમાં રિઝર્વ ડેની સવારે, હું બ્રેકફાસ્ટ હોલમાં પ્રથમ વ્યક્તિ હતો. જ્યારે ધોની અને ઋષભ અંદર આવ્યા ત્યારે હું મારી કોફી પી રહ્યો હતો. પોતાનો સામાન ઉપાડ્યો અને મારા ટેબલ પર બેઠા. શ્રીધરે આ ખુલાસો ‘કોચિંગ બિયોન્ડ-માય ડેઝ વિથ ધ ઈન્ડિયન ક્રિકેટ ટીમ’માં કર્યો છે. તેણે આગળ કહ્યું હતું કે ઋષભે એમએસને હિન્દીમાં કહ્યું- ભાઈ, કેટલાક છોકરાઓ આજે જ એકલા લંડન જવાની યોજના બનાવી રહ્યા છે. તમે રસ ધરાવો છો? ત્યારે ધોની એ જવાબ આપ્યો હતો કે ના, હું ટીમ સાથે મારી છેલ્લી બસ ડ્રાઇવને ચૂકવા માંગતો નથી. શ્રીધરે વધુમાં કહ્યું કે, ધોનીના આદરને કારણે તેણે આ વાતચીત કોઈની સાથે શેર કરી નથી. મેં રવિ શાસ્ત્રી, ભરત અરુણ, મારી પત્નીને પણ આ વિશે એક શબ્દ પણ નથી કહ્યો.