દિપાવલીની પર્વ શૃંખલાઓ બાદ લગભગ અઢી માસ પછી એક મોટા ઉત્સવ તરીકે આવતુ પર્વ એટલે મકરસંક્રાતિ…. નાના -મોટા સૌને ગમતીલા આ ઉત્તરાયણનો ઉત્સવ આખાયે દેશના વિવિધ પ્રાંતોમાં હર્ષભેર ઉજવાય છે. જપ, તપ, ધ્યાન, ભકિત અને દાનનો મહિમા ધરાવતુ ંÀÀÀÀÀહિન્દુ ધર્મનું આ ઉત્તમ ધર્મપર્વ મનાય છે. પૌરાણિક કાળથી ચાલતો આ પર્વ વિવિધ પ્રાંતોમા વિવિધ રીતે અને વિવિધ નામે ઉજવાય છે. મુખ્યત્વે સૂર્યનારાયણનું પૂજા પર્વ છે. જયોતિષ શાસ્ત્રના કથન મુજબ વર્ષ દરમ્યાન સૂર્યની ગતિ અને દિશામા બે વખત ફેરફાર થાય છે. મતલબ રાશિ પરિવર્તન થાય છે.
સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે ત્યારે તે દિવસને મકરસંક્રાતિ તરીકે ઓળખીએ છીએ આ સમયે તે સ્હેજ ઉત્તર દિશાથી ગતિ કરે છે એટલે ઉત્તરાયણ તરીકે પણ જાણીએ છીએ. આ દિવસ લગભગ દર વખતે ૧૪ જાન્યુઆરીનો જ હોય છે. આમ તો ખાસ કરીને સનાતન ધર્મના બધા જ તહેવાર વિક્રમ સંવતને આધારે તિથિ મુજબ જ આવતા હોય છે જે ચંદ્રની કળાને આધારીત હિન્દુ કેલેન્ડર પર નિર્ધારિત હોય છે પણ આ એક માત્ર એવું પર્વ છે જે સૂર્યની ગતિવિધિ પર આધારિત ગ્રેગરીયન કેલેન્ડર મુજબ ૧૪ જાન્યુઆરીએ આવે છે. ઉત્તરાયણ પર્વ ભલે એક દિવસ ઉજવીએ પણ સમયગાળો છ માસનો હોય છે. છ મહિના પછી ૧૪ જુલાઇથી સૂર્ય દક્ષિણ દિશા બાજુના ઝુકાવ સાથે ગતિ કરતો હોવાથી એ બીજા છ માસનો ગાળો દક્ષિણાયતનથી ઓળખાય છે.
ઉત્તરાયણના દિવસથી સૂર્ય પૂર્ણ પ્રકાશિત હોય છે. ઠંડીની ઋતુ ધીમે ધીમે ઘટવા લાગે છે અને રાત નાની અને દિવસ મોટો થવા લાગે છે. શાસ્ત્રોમાં ઉત્તરાયણ દરમ્યાનનો સમય હકારાત્મક અને દક્ષિણાયતનના સમયગાળાનો નકારાત્મકતાનો પ્રતિક માને છે. જે સ્વાસ્થ્યને સ્પર્શે છે અને એટલે જ દક્ષિણાયતન દરમ્યાન વધુને વધુ ઉપવાસ – એકટાણા કરાવતા તહેવારો આવે છે. ઉપવાસ કરવાથી સ્વાસ્થ્ય સમતુલા જળવાઇ રહે છે.
ધાર્મિક માન્યતાઓ એવી છે કે મકર સંક્રાંતિના દિવસે ભગવાન સૂર્ય નારાયણ તેના પુત્ર શનિને મળવા તેના નિવાસે જતા હોય છે. શનિ એ મકર અને કુંભ રાશિના સ્વામિ છે. એટલે મકર રાશિમાં સૂર્ય પ્રવેશની સાથે આ કથા જોડાયેલી છે. અન્ય એક કથાનુસાર ભગવાન વિષ્ણુએ મકર સંક્રાંતિના દિવસે એક સાથે અનેક અસૂરોનો સંહાર કરી તેના મસ્તક કાપી મંદરાચલ પર્વત પર દાટી દીધા હતાં એ અસૂરો પરના વિજય દિવસ તરીકે પણ મકરસંક્રાંતિ પર્વ મનાવાય છે. એક માન્યતા મુજબ માતા સરસ્વતિની પૂજા અર્ચના આજના દિવસે થતી હોય છે જે પ્રથા ગુજરાતમાં બહુ પ્રચલિત નહિ હોવાથી આપણી જાણ બહાર છે.
ખેડુતો આ તહેવારને ભગવાનને ધન્યવાદ કહેવા ઉજવે છે. કારણકે ખેતરોમાં આ સમય દરમ્યાન સારો પાક તૈયાર થયો હોય છે. એ અનુલક્ષીને પણ આ તહેવાર તમિલનાડુમાં પોંગલ તરીકે ઉજવાય છે. ઉત્તરભારત, મધ્યભારત અને દક્ષિણના ઘણા બધા રાજયોમાં આ ઉત્સવ મકરસંક્રાતિ તરીકે જ ઉજવાય છે તો તમિલનાડુમાં પોંગલ ઉપરાંત ઉજવર અને તિરુનલ તરીકે પણ મનાવાય છે. જમ્મુ – કાશ્મીરમાં ઉત્તરૈણ અને માઘી સંગરાંદ ઉપરાંત શિશુર સેંક્રાંત તરીકે મનાવાય છે. પશ્ચિમ બંગાળમાં પૌષ સંક્રાંતિ તો કર્ણાટકમાં મકર સંક્રમણ તરીકે ઉજવાતો આ તહેવાર ભારતની આજુબાજુના દેશોમાં પણ પ્રિય તહેવાર છે.
બાંગ્લાદેશ અને નેપાળમાં પૌષ સંક્રાંતિ અને ખિચડી સંક્રાંતિના નામે પ્રચલિત છે. થાઇલેન્ડમાં સોંગકરનના નામે તો મ્યાંનમારમાં થિયાંગ, કંમ્બોડિયામાં મોહા સંગક્રાન્ત તો લાઓસમાં પિ મા લાઓ તરીકે ઓળખાતા અને ઉજવાતા આ તહેવારની ઉજવણી પોતપોતાની સંસ્કૃતિ મુજબની હોય છે. નેપાળ હિન્દુ સંસ્કૃતિથી પ્રભાવિત દેશ છે. ત્યાંના વિવિધ પ્રાંતોમા હર્ષભેર આ તહેવારની ઉજવણી થાય છે. નેપાળમાં મકર સંક્રાંતિના દિવસે જાહેર રજા હોય છે. ખેડૂતો ખેતરમાં ઉપજેલ સારા ધાન્ય માટે ભગવાન પ્રત્યે ધન્યવાદની ભાવના વ્યકત કરે છે અને સદૈવ કૃપા બની રહે એવી ભગવાન સૂર્યનારાયણને પ્રાર્થના કરે છે. નેપાળના લોકો પણ તીર્થસ્થાનો પર સ્નાન અને દાન – ધર્માદાની ભકિત પ્રક્રિયાને અનુસરી ધામધૂમથી તહેવારને ઉજવે છે.
જમ્મુ-કાશ્મીરમાં માઘી સંગરાદ ઉપરાંત ઉત્રૈણ, અત્રેણ અથવા અત્રણીના નામે ઓળખાતા આ તહેવારમાં ખીચડીના દાનનું મહત્વ છે. જમ્મુના ઉધમપુરની દેવિકા નદીના તટ પરના ધગવાલ ઉપરાંત પવિત્ર ગણાતા પુરમંડલ તથા ઉત્તર બૈહની સ્થળે ભવ્ય મેળાઓનું આયોજન થતું રહ્યું છે. ઉત્તર પ્રદેશ, બિહાર અને બંગાળમાં પણ રંગેચંગે ઉજવાતા આ ઉત્સવમાં ગંગાસ્નાનનું ખૂબ મહત્વ છે. પ્રયાગરાજના ત્રિવેણી સંગમ અને બંગાળના ગંગાસાગર ખાતે કે જયા ગંગા સાગરમા ભળી જાય છે ત્યા લાખોની મેદની આજના દિવસે ગંગાસ્નાન કરી દાન-ધર્માદા કરી પૂણ્ય કમાઇ લીધાનો સંતોષ અનુભવે છે. ગંગાસાગર ખાતે કપિલ મુનિના આશ્રમે રાજા ભગીરથે પિતૃઓનુ શ્રાધ્ધ કરી મુકિત પ્રદાન કરી હોવાની પણ એક જાણીતી કથા પ્રચલિત છે.
આપણે ત્યા ગુજરાતમાં પણ પરંપરાગત મકર સંક્રાંતિની ઉજવણીમાં સૂર્યનારાયણને અર્ધ્ય દેવાનું ઘણું મહત્વ છે. નદીઓમાં સ્નાન કરી જપ, તપ, ધ્યાન, શ્રાધ્ધ અને તર્પણની સાથે દાન – ધર્માદાનું મહત્વ વિશેષ રહેલું છે. ગરીબોને વસ્ત્રદાન, બાલાશ્રમ – અનાથ આશ્રમમાં તેમજ ખાસ કરીને ગૌશાળામાં દાન કરવાની એક પરંપરા આજ સુધી જળવાઇ રહી છે. સાથે એક વિશિષ્ટ પ્રથા કહી શકાય એવી આજના દિવસે બોર, જીંજરા (લીલા ચણા), તલના લાડું, મમરાના લાડું, તલસાંકળી અને વિવિધ પ્રકારની ગોળની ચીકી ખાય છે. તેના ચોકકસ કારણ તો નથી મળતા પણ તજજ્ઞો કહે છે કે ગોળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે. ગોળ શારીરિક ઉષ્મા અને ઉર્જાનું સ્તર જાળવી રાખી છે. શિયાળામાં અધિક ગોળ સેવન લાભકારી છે.
ખાંસી કે ગળાની ખરાશ માટે, ગેસટ્રબલ માટે દમ, માઇગ્રેન કે હૃદયસંબંધી રોગો ઉપરાંત લોહીની ઉણપ પૂર્ણ કરવામાં ખૂબ લાભદાયી ગોળને આપણા પૂર્વજોએ વિવિધ સ્વરૂપે શરીરમાં જાય એટલે ચીકી-લાડુ જેવી પરંપરા શરૂ કરી હોવી જોઇએ. એથી વિશેષ ઉત્તરાયણની એક એવી પરંપરાથી ગુજરાત વિશ્વમાં ખ્યાત છે અને એ છે ‘પતંગબાજી’…, મકર સંક્રાંતિના દિવસે જ પતંગ ઉડાડવાનું ચોકકસ કારણ નથી શોધાયુ પણ ગુજરાતીઓનો આ એક વિશેષ પોતિકો તહેવાર છે. ઉત્તરાયણના દિવસે વહેલી સવારથી છાપરે – ધાબે ચઢી જતા બાળકો, યુવાનો, યુવતિઓ, પ્રૌઢો સૌ કોઇ મોટા સ્પીકર મૂકી ગીતોના તાલે પતંગો ઉડાવતા જોવા માત્ર ગુજરાતમા જ જોવા મળે…. બીજા રાજયોમાં હવે મહદઅંશે કયાક જોવા મળે પણ ગુજરાતના શહેરના લોકોના જેવો ઉન્માદ, આનંદ માણતા ઓછા જોવા મળે. પતંગોથી વિખ્યાત ગુજરાતમાં ૧૯૮૯ થી સાત દિવસનો પતંગોત્સવ પણ પ્રતિવર્ષ અમદાવાદમાં યોજાય છે જેમા વિદેશના પતંગબાજો ઉમટી પડે છે. આ વખતે પણ સાત જાન્યુ.થી પ્રારંભ થનારા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં ભાગ લેવા માટે ૪૫ દેશના દોઢસોથી વધુ પતંગબાજો અમાદાવાદ આવી ચૂકયા છે પણ મહામારી કોરોનાની ત્રીજી લહરના તોફાની આગમનને કારણે પતંગોત્સવ આ વર્ષે મોકુફ રખાયો છે. ઉત્તરાયણની મજા હવે સરકારી ગાઇડલાઇનના નિયંત્રણો મુજબ માણવાની રહેશે.