Charchapatra

સંયમ આદત નહીં બની શકે?

કોરોનાની ત્રીજી લહેરની દહેશત વચ્ચે ખાસ કરીને લોકટોળાં ભેગાં થાય એવા તહેવારો સંયમથી ઉજવવાની ચર્ચા વિચારણા ચાલે છે તે સારી વાત છે. ખાસ કરીને આગામી ગણેશોત્સવ માટે મૂર્તિઓની સંખ્યા અને કદ મર્યાદિત કરવાની વાત ચાલે છે. શહેરના હિતની સામે મતપેટી નહીં આવે  તો ઘણું થઈ શકે એમ લાગે છે. બાકી આપણા શહેરમાં દર વર્ષે એક લાખથી માંડીને સવા લાખ સુધી ગણેશજીની મૂર્તિ સ્થપાય અને કડક પહેરા વચ્ચે શ્રીજી  વિસર્જનની વ્યવસ્થા કરવી પડે ત્યારે પ્રશ્ન એ થાય કે દર વર્ષે આટલી મૂર્તિ સ્થાપવાની ફરજીયાત છે!?

મૂળ વાત એ છે કે ગણેશોત્સવની આગેવાની શાસક પક્ષના સમર્થકો લેતા આવ્યા છે એટલે સ્વાભાવિક રીતે તેમની નજર સામે મતપેટીઓ હોય જ પણ પ્રશ્ન એ છે માનવશરીરની સુખાકારી મહત્ત્વની કે મત પેટી?! માટીની મૂર્તિઓનું ચલણ વધ્યું છે તે સારી વાત છે, પણ મૂર્તિઓની સંખ્યા શહેરનું પર્યાવરણ ઝીલી શકે એના કરતાં ઘણી મોટી છે. ખરી જરૂર તો એક શેરીમાં ચડસાચડસીને કારણે બધા ચાર-પાંચ મંડપ નિયંત્રિત કરવાની જરૂર છે. એક વોર્ડમાં માત્ર ચાર-પાંચ મૂર્તિ જ સ્થપાય  એવું કંઇ વિચારી ન શકાય!? આ ક્ષેત્રે શહેરને ધીમા ધીમા સુધારાનો વૈભવ હવે પોષાય  તેમ નથી. જે કંઈ કરવું પડશે તે જલ્દી કરવું પડશે. સુરત – સુનીલ રા.બર્મન– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top