Comments

ભાજપ મમતાને નહીં હરાવી શકે?

પશ્ચિમ બંગાળના રાજકારણ અન્ય રાજ્યો કરતા અટપટું છે. અહીં દેશના મુખ્ય પક્ષો સત્તા મેળવી શકતા નથી અને ઘણા વર્ષોથી આ સ્થિતિ છે. પહેલા ડાબેરીઓએ રાજ કર્યું અને હવે મમતા બેનર્જીનાં તૃણમુલનું રાજ તપી રહ્યું છે. કોંગ્રેસ અને ડાબેરીઓ હાંસિયામાં ધકેલાઈ રહ્યા છે. ભાજપ એનું બધું જોર અજમાવે છે પણ સત્તા સુધી પહોચી શકતો નથી અને આ ચૂંટણીમાં અત્યારના સર્વેને સાચા માનીએ તો ભાજપ ફરી અસફળ નીવડવાનો છે અને મમતાની સત્તા અજેય બની રહેવાની છે. આવું શા માટે બનેઈ શકે એમ છે? આ પ્રશ્નોનાં જવાબ જોઈ જવા જેવા છે.

બંગાળમાં મમતા રાજમાં બધું બરાબર ચાલે છે એવું નથી જ. હિંસા વધી છે, બેરોજગારી વધી છે. મુસ્લિમ તુષ્ટિકરણ છે. તીએમસી કાર્યકર્તાઓની દાદાગીરી ઓછી નથી. જેમ અગાઉ ડાબેરી કાર્યકર્તાઓની હતી. આમ છતાં મમતા લોકપ્રિય છે. એનું સૌથી મોટું કારણ છે મમતા બેનર્જીનું વ્યક્તિત્વ અને ‘બંગાળની દીકરી’ની છબી. મમતા બેનર્જીની છબી એક લડાયક અને જમીની સ્તરના નેતા તરીકેની છે. ૨૦૨૧ની ચૂંટણીમાં તેમણે ‘બંગાળને પોતાની દીકરી જોઈએ છે’ સૂત્ર આપ્યું હતું, જેણે બંગાળી અસ્મિતા અને ભાવનાઓને સ્પર્શી લીધી હતી. ભાજપ પાસે અત્યારે મમતા બેનર્જીની તોલે આવી શકે તેવો કોઈ શક્તિશાળી સ્થાનિક ચહેરો નથી. અને એ ભાજપની સૌથી મોટી નબળાઈ છે.

 બીજું કારણ છે, લોકકલ્યાણની યોજનાઓ. તૃણમુલ સરકારની કેટલીક યોજનાઓ સીધી રીતે સામાન્ય જનતા સાથે જોડાયેલી છે. કેમ કે, લક્ષ્મીર ભંડાર. મહિલાઓને આર્થિક સહાય આપતી આ યોજના અત્યંત લોકપ્રિય છે.  તમારા દ્વારે સરકાર: સરકારી સેવાઓને લોકોના ઘર સુધી પહોંચાડવાના અભિયાનથી ગ્રામીણ વિસ્તારોમાં ટીએમસીની પકડ મજબૂત થઈ છે. આ ઉપરાંત, સ્વાસ્થ્ય સાથી જેના તળે મફત સારવારની યોજનાઓએ ગરીબ વર્ગમાં મમતા બેનર્જી પ્રત્યે વિશ્વાસ જાળવી રાખ્યો છે. એક સૌથી મહત્વનું કારણ છે, મુસ્લિમ મત. બંગાળમાં આશરે ૨૭% થી ૩૦% મુસ્લિમ મતદારો છે. મમતા બેનર્જીની ઉદાર નીતિઓ અને ભાજપના વિરોધને કારણે આ મોટો વોટબેંક એકતરફી રીતે ટીએમસી તરફ વળે છે, જે ભાજપ માટે મોટો પડકાર છે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં પણ આ ફેક્ટરે મહત્વની ભૂમિકા ભજવી હતી.

 ભાજપ થાય એટલી મહેનત કરે છે. સામ દામ દંડ ભેદ અપનાવે છે. તૃણમુલમાં ગાબડા પાડવાના પ્રયત્નો કર્યા. કેટલાક નેતાઓ ભાજપમાં આવ્યા છે. રાજ્યપાલની નિયુક્તિ એવી કરી કે જે મમતા સરકારને પરેશાન કર્યા કરે. આ સિવાય વિવિધ કેસ અને છેલ્લે મમતાનું કામ સંભાળતી કંપની પર દરોડા …આ બધું કર્યા છતાં ભાજપ સફળ થતો નથી. એનું એક કારણ છે, જમીન પરનું સંગઠન. હિન્દી બેલ્ટમાં ભાજપનું સંગઠન જે રીતનું છે એવું બંગાળમાં થઇ શક્યું નથી. બીજી બાજુ, ટીએમસીનું બૂથ લેવલનું સંગઠન ખૂબ જ આક્રમક અને મજબૂત છે. ભાજપ હજુ પણ બંગાળના ઘણા ગ્રામીણ વિસ્તારોમાં પોતાનું મજબૂત સંગઠન ઊભું કરી શક્યું નથી. ઘણીવાર ભાજપના કાર્યકરો પર દબાણ અથવા હિંસાના આરોપો પણ સંગઠનને નબળું પાડે છે.

 અને ભાજપની ‘બહારના પક્ષ’ તરીકેની છબી રહી છે. ટીએમસી ઘણીવાર ભાજપને ‘બંગાળી સંસ્કૃતિથી અજાણ’ અને ‘બહારના લોકોનો પક્ષ’ તરીકે રજૂ કરવામાં સફળ રહે છે. ભાજપના કેન્દ્રીય નેતાઓ જ્યારે પ્રચાર કરે છે, ત્યારે મમતા બેનર્જી તેને ‘બંગાળી ગૌરવ’ વિરુદ્ધ ‘દિલ્હીની તાકાત’ તરીકે રજૂ કરે છે, જે બંગાળી મતદારોને પ્રભાવિત કરે છે.  બંગાળમાં ડાબેરી પક્ષો અને કોંગ્રેસના મતો ઘટતા જાય છે, જેનો સીધો ફાયદો ઘણી જગ્યાએ ટીએમસીને થાય છે. ભાજપ મુખ્ય વિરોધ પક્ષ તો બન્યો છે, પરંતુ વિરોધ પક્ષો વચ્ચે મતો વહેંચાઈ જવાથી મમતા બેનર્જીની બેઠકો સુરક્ષિત રહે છે.

 આ વર્ષે કેટલાક પડકારો મમતા સામે છે ખરા. અસ્દુદિન ઓવૈસી તો છે જ. ઉપરાંત બાબરી મસ્જીદ બનાવવાની જાહેરાત કરનારા ટીએમસીનાં પૂર્વ ધારાસભ્યે બાબરે પણ મુસ્લિમ ઉમેદવારો ઉતારવાની જાહેરાત કરી છે પણ એને સફળતા મળે એવી શક્યતા ઓછી છે. શક્ય છે કે આ વેળા ભાજપને વધુ બેઠકો મળે. એસઆઈઆર પણ એમાં જવાબદાર હોય શકે. પણ સતા માટે જોઈએ એટલી બેઠકો મેળવવા ભાજપે હજુ રાહ જોવી પડે એમ છે.

ગુજરાતમાં યુસીસી : ભાજપને કેટલો ફાયદો કરાવશે?
ગુજરાત વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા- યુસીસી બિલ પસાર કર્યું છે. ઉત્તરાખંડ પછી ગુજરાત આવો કાયદો લાવનાર દેશનું બીજું રાજ્ય બન્યું છે. ભાજપ માટે આ કાયદો રાજકીય અને સામાજિક રીતે માસ્ટરસ્ટ્રોક સાબિત થઈ શકે છે.યુસીસી, રામ મંદિર અને કલમ ૩૭૦ એ ભાજપના પાયાના ત્રણ મુખ્ય એજન્ડા રહ્યા છે. ગુજરાતમાં આ કાયદો લાવીને ભાજપે પોતાના વચનબદ્ધ મતદારોને મજબૂત સંદેશ આપ્યો છે કે તેઓ જે કહે છે તે કરે છે. આનાથી ભાજપની ‘નિર્ણાયક સરકાર’ તરીકેની છબી વધુ મજબૂત થશે.

આ કાયદાની ઘણી જોગવાઈઓ સીધી રીતે મહિલાઓના અધિકારો સાથે જોડાયેલી છે. એ દીકરા અને દીકરીને મિલકતમાં સમાન અધિકાર આપે છે. બહુપત્નીત્વ પર પ્રતિબંધ અને હલાલા જેવી પ્રથાઓ નાબૂદ થવી. તમામ ધર્મની મહિલાઓને છૂટાછેડા બાદ સમાન ભરણપોષણનો અધિકાર. આ સુધારાઓથી ભાજપ ખાસ કરીને મહિલા મતદારોમાં પોતાની લોકપ્રિયતા વધારી શકે છે, જે કોઈપણ ચૂંટણીમાં મોટું પાસું હોય છે. ભાજપ હંમેશા વિપક્ષો પર ‘લઘુમતી તુષ્ટિકરણ’નો આરોપ લગાવતું આવ્યું છે. યુસીસી દ્વારા ભાજપ ‘એક દેશ, એક કાયદો’નો નારો બુલંદ કરી શકશે. તે એવો દાવો કરી શકશે કે તેઓ કોઈ ધર્મ વિરુદ્ધ નહીં પણ ‘સમાનતા’ માટે કામ કરી રહ્યા છે. આનાથી રાષ્ટ્રવાદી મતદારોમાં ભાજપની પકડ વધુ મજબૂત બનશે.

યુસીસીના મુદ્દે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જેવા પક્ષો માટે વલણ સ્પષ્ટ કરવું અઘરું બને છે. જો તેઓ વિરોધ કરે તો ભાજપ તેમને ‘મહિલા વિરોધી’ અથવા ‘તુષ્ટિકરણ કરનારા’ સાબિત કરી શકે છે અને જો તેઓ સમર્થન આપે તો ભાજપની જીત ગણાય છે. કોંગ્રેસે ફરી ભૂલ કરી છે, આ કાત્દાનો વિરોધ કરીને. બીજું કે, લિવ-ઈન રિલેશનશિપનું રજિસ્ટ્રેશન અને લગ્નની ઉંમર જેવા કાયદાઓ દ્વારા ભાજપ આધુનિક અને જાગૃત યુવા પેઢીને એવો સંદેશ આપી શકે છે કે તેઓ કાયદાકીય વ્યવસ્થાને આધુનિક બનાવી રહ્યા છે. એટલે કે, ભાજપ માટે આ કાયદો માત્ર કાયદાકીય સુધારો નથી, પણ ૨૦૨૭ની ગુજરાત વિધાનસભા અને ૨૦૨૯ની લોકસભા ચૂંટણીઓ માટે એક મજબૂત પીચ તૈયાર કરવાની રણનીતિ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top