વડોદરા: છેલ્લી ઘડીએ વિદ્યુત સહાયકની (ElectricalAssistant) ભરતી (Recruitment) રદ થતાં વડોદરા જેટકો (Getco) કચેરીની બહાર ઉમેદવારોએ હંગામો મચાવ્યો છે. સવારથી મોટી સંખ્યામાં ભેગા થઈ ઉમેદવારો જેટકો કચેરીની બહાર ધરણાં (Protest) પર બેઠાં છે.
તાજેતરમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (જેટકો) દ્વારા વિદ્યુત સહાયકના 1224 પદો પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે ભરતી પ્રક્રિયાની ટેસ્ટમાં ઝોન કક્ષાએ ખામી થઈ હોવાનું તપાસમાં ખુલતા છેલ્લી ઘડીએ ભરતી રદ કરી દેવાઈ હતી. ભરતી રદ કરાતા ઉમેદવારો મોટી સંખ્યામાં જેટકોની કચેરી બહાર વિરોધ પ્રદર્શન કરવા પહોંચી ગયા હતા. મેરિટ લિસ્ટમાં આવેલા ઉમેદવારોએ જેટકોના ઓફિસ બહાર નિમણૂક પત્રોની માંગણી સાથે વિરોધ કર્યો હતો.
યુવરાજ સિંહ જાડેજા પ્રદર્શનકારીઓની વ્હારે આવ્યા
ઉમેદવારોના વિરોધ પ્રદર્શન વચ્ચે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ જાડેજા જેટકો પહોંચ્યા હતા. 5 ઉમેદવારો સાથે યુવરાજ સિંહ જાડેજા જેટકો કચેરીમાં એમડીને મળવા પ્રવેશ્યા હતા. પરંતુ જનરલ એચઆર મેનેજર જ મળ્યા હતા. બહાર આવી યુવરાજ સિંહે કહ્યું કે, એચઆર મેનેજરે હડધૂત કરી કાઢી મુક્યા છે. ઉકેલ નહીં આવે ત્યાં સુધી ધરણાં પ્રદર્શન ચાલુ રહેશે. ન્યાય નહીં મળે તો કોર્ટના દ્વાર ખટખટાવીશું
આ કારણે ભરતી રદ કરાઇ?
જેટકો દ્વારા બે તબક્કામાં વિદ્યુત સહાયકની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. વિવિધ વર્તુળ કચેરીઓએ 6 માર્ચ 2023થી 13 માર્ચ 2023 તથા લેખિત પરીક્ષા 9 સપ્ટેમ્બર 2023ના રોજ આયોજન કરાયું હતું. દરમિયાન કેટલાંક ઉમેદવારોએ વડોદરા સ્થિતિ જેટકોની મુખ્ય કચેરી ખાતે રજૂઆત કરી હતી કે ભરૂચ, રાજકોટ અને મહેસાણા ઝોન હેઠળની વર્તુળ કચેરીઓમાં પોલ ટેસ્ટની પ્રક્રિયામાં જીયુવીએનએલ તેમજ જેટકોની ગાઈડલાઈનનું પાલન કરાયું નથી.
આ મામલે તપાસ કરાતા ગંભીર ક્ષતિ ધ્યાનમાં આવી હતી. તપાસ કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ રાજકોટ, ભરૂચ અને મહેસાણા ઝોન હેઠળની વર્તુળ કચેરીઓના ઉમેદવારોને અન્યાય નહીં થાય તે હેતુથી સક્ષમ અધિકારીની સૂચનાને ધ્યાનમાં રાખી સમગ્ર ભરતી પ્રક્રિયા રદ કરાઈ હતી.