આણંદ : કરમસદ સ્થિત ભાઇકાકા યુનિવર્સિટી સંચાલિત શ્રીકૃષ્ણ હોસ્પિટલના મણિભાઈ શીવાભાઈ પટેલ સેન્ટરના 18મા સ્થાપના દિનની અને સંસ્થાના સ્થાપક અધ્યક્ષ ડો. એચ.એમ. પટેલની 118મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ડો.એચ.એમ. પટેલની સમાધિએ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જેમાં ભાઇકાકા યુનિવર્સિટીના પ્રમુખ અતુલભાઈ પટેલ, ચારુતર આરોગ્ય મંડળના માનદમંત્રી જાગૃતભાઈ ભટ્ટ, ભાઇકાકા યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો. ઉત્પલા ખારોડ, રજીસ્ટ્રાર હરિશભાઈ દેસાઇ, શ્રીકૃષ્ણ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો. જીતેશ દેસાઇ, પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજના ડીન ડો. હિમાંશુ પંડ્યા, યુનિવર્સિટીની ફેકલ્ટી, ડોક્ટર્સ, નર્સીસ અને કર્મચારીગણે પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
કરમસદ સ્થિત શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં કેન્સર સાથે લડત આપનારા માટે સ્નેહમિલન નવી આશા નવા સ્વપ્ન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેની શરૂઆત રેડિયેશન ઓન્કોલોજીના ડો. ઋષી પંચાલ, ડો. ઇન્દરપ્રીત કોર, ડો. અમૃતા ત્રિપાઠી, મેડિકલ ઓન્કોલોજીના ડો. નિરવ અસારાવાલા, ડો. પ્રિયંકા શ્રીવાસ્તવ તથા સર્જીકલ ઓન્કોલોજીના ડો. રઘુનંદન વિગેરે દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ ખાસ દિવસે કેન્સર સામે લડત આપી રહેલા અને સારવાર લીધેલા દર્દીઓને આમંત્રિત કરવામાં આવ્યાં હતાં. આ દર્દીઓએ પોતાના હૃદયદ્રાવક અનુભવો અને તેમની સારવારની ગાથાનું વર્ણન કરીને અન્ય દર્દીઓનું મનોબળ વધાર્યું હતું.
જેમાં સ્વામી નારાયણદાસજીએ પોતાની સારવારની કથની જણાવી હતી. તેઓએ જણાવ્યું હતું કે, આત્મવિશ્વાસ, સકારાત્મક અને ઇશ્વર પર શ્રદ્ધા રાખવાથી કેન્સરને હરાવી શકાય છે. કેન્સર નિદાન થયા પછી કેન્સરની મોર્ડન સારવાર જ કામ લાગે છે. સંસ્થાના સ્થાપક અધ્યક્ષ ડો. એચ.એમ. પટેલને યાદ કરીને તેમણે સ્વાસ્થ્ય અને શિક્ષણ ક્ષેત્રે કરેલા યોગદાનની પ્રસંશા કરી હતી. ડો. ઋષિ પંચાલે જણાવ્યું હતું કે, કેન્સર સેન્ટરની સ્થાપના વર્ષ 2004માં મણિભાઈ શિવાભાઈ પટેલ તથા ટાટા ટ્રસ્ટના માતબર દાનથી કરવામાં આવી હતી. બાદ સમયાંતરે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર અને પેલિએટીવ કેરની શરૂઆત પણ કરવામાં આવી હતી. સેન્ટર ખાતે મેડિકલ ઓન્કોલોજી, રેડિયેશન થેરાપી, ઓન્કોસર્જરી, ડાયગ્નોસ્ટિક સર્વિસિસ, ફિઝીયોથેરાપી તેમજ પ્લાસ્ટિક સર્જરીની સારવાર પણ ઉપલબ્ધ છે.
આમ કેન્સરની સંપૂર્ણ સારવાર પુરી પાડવામાં આવે છે. કેન્સરના આધુનિક ઉપકરણોની વાત કરીએ તો લિનિયર એક્સલરેટર મશીન, બ્રેકી થેરાપી મશીન પણ ઉપલબ્ધ છે. અત્યાર સુધી 30 હજારથી વધુ દર્દીઓને કેન્સરની સારવાર પુરી પાડવામાં આવી છે. દરરોજ ઓપીડી ખાતે 200થી 250 દર્દીઓને સારવાર આપવામાં આવે છે તથા 40થી 60 દર્દીઓને ડે કેર સેવાઓ, 120 દર્દીઓને રેડિયેશન તથા 5થી 7 સર્જરી કરવામાં આવે છે.