gandhinagar : ગુજરાત હાઈકોર્ટ ( gujarat high court) સમક્ષ કરાયેલી જાહેર હિતની અરજીમાં આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલને ( arselar mittal nipon ) ફાળવણી રદ કરવી જોઈએ, તેવી દાદ માંગવામાં આવી છે.
અરજદાર દ્વારા એવી રજૂઆત કરાઈ છે કે તાજેતરમાં હજીરા ( hajira) વિસ્તારમાં દિપડો દેખાયો હોવાના મીડિયા અહેવાલ પ્રસિદ્ધ થયા છે. જેના પગલે આ વિસ્તારમાં વન જીવોનો વસવાટ છે તે પુરવાર થાય છે, જો આ જમીન આર્સેલર ગ્રુપને ફાળવવામાં આવે તો વન્ય જીવોનો નાશ થશે .જંગલની મૂલ્યવાન જમીન જો ઉદ્યોગોને ફાળવી દેવાશે તો વન્ય જીવો માટે ખતરાની ઘંટડી વાગશે. આર્સેલર કે તેના પહેલાની કંપની માટે જે હેતુ માટે જંગલની જમીન ફાળવવામાં આવી છે, તે હેતુ માટે તેનો ઉપયોગ થઈ રહ્યો નથી. તેમ છતાં આ રાજય સરકારે કંપનીને 400 હેકટર જમીન આપી દીધી છે. અનામત અને રક્ષિત જંગલની જમીન કાયદાની યોગ્ય પ્રક્રિયા હાથ ધર્યા વિના ખાનગી કંપનીઓને આપી દેવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
અરજદાર બીરેન રામચંન્દ્ર પાધ્યા દ્વ્રારા કરવામાં આવેલી જાહેર હિતની રીટની અરજીની પ્રથમિક સુનાવણી બાદ જસ્ટીસ જે બી પારડીવાલા અને જસ્ટીસ ઈલેશ વોરાએ પ્રાથમિક સુનાવણી બાદ કેન્દ્ર સરકારના વન – પર્યાવરણ મંત્રાલય, રાજયના વન – પર્યાવરણ વિભાગ, અગ્ર મુખ્ય વન સંરક્ષક – અરણ્ય ભવન – ગાંધીનગર, મુખ્યવન સંરક્ષક – સુરત સર્કલ અને આર્સેલર મિત્તલ – નિપ્પોન સ્ટીલ ગ્રુપની સામે કારણદર્શક નોટિસ કાઢીને વધુ સુનાવણી 16મી માર્ચે રાખી છે.
જો કે રાજય સરકાર તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે આ જ પ્રકારની એક રીટ અરજીની સુનાવણી ચીફ જસ્ટીસની કોર્ટ સમક્ષ રાખવામાં આવી છે. માટે બન્ને રીટ સાથે સાંભળવી જોઈએ. આ મુદ્દે જસ્ટીસ પારડીવાલા અને જસ્ટીસ ઈલેશ વોરાની ડિવીઝન બેન્ચે એવું નિરીક્ષણ કર્યુ હતું કે આવી વિનંતી ચીફ જસ્ટીસની કોર્ટ સમક્ષ કરવી જોઈએ, જેથી કરીને બન્ને રીટ એકી સાથે સાંભળવી કે કેમ તે નક્કી કરી શકાય. રીટમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે જંગલની જમીન ફાળવણીમાં ફોરેસ્ટ કંન્ઝર્વેશન રૂલ્સનું ઉલ્લંધન કરાયું છે. શરતોનું પાલન કરવામાં પાંચ વર્ષની રાહ જોવાતી હોય તો આપોઆપ જમીન ફાળવણી રદ થઈ જતી હોય છે. આર્સેલર મિત્તલ ગ્રુપે 86.5 હેકટર જમીન પાવર પ્લાન્ટ માટે મેળવી છે. હકીકતમાં તેનો ઉપયોગ હાલમાં કચરો ઠાલવવા માટે ડમ્પ યાર્ડ તરીકે કરીને કાયદાની તેમજ શરતોની જોગવાઈઓનું ઉલ્લંધન કરાઈ રહ્યું છે.