પાલનપુરના (Palanpur) DYSPના પુત્ર આયુષનો મૃતદેહ (Dead Body) વતન સિદસર લાવી તેના અંતિમ સંસ્કાર (Funeral Ceremony) કરવામાં આવ્યા હતા. તેની અંતિમ યાત્રામાં આખું ગામ હિબકે ચઢ્યું હતું. આયુષ કેનેડામાં (Canada) અભ્યાસ કરતો હતો. જેની સાત દિવસ અગાઉ શંકાસ્પદ હાલતમાં લાશ મળી હતી. જેના મૃતદેહને વતન લવાતા તેની અંતિમ વિધિ કરવામાં આવી હતી. વિધિની વક્રતા જુઓ કે મધર્સ ડે (Mothers Day) ના દિવસે જે આયુષની અંતિમ વિધિમાં માતાએ કાંધ આપી હતી.
સિદસર ગામના વતની અને હાલ પાલનપુર ખાતે ફરજ બજાવતા DYSP રમેશભાઈ ડાખરનો 23 વર્ષીય દીકરો આયુષ તારીખ 5 મેના રોજ ગુમ થયો હતો. આ પરિવારને જાણ કર્યા બાદ આયુષના મિત્રોએ તેના ગુમ થવાની ફરિયાદ સ્થાનીય પોલીસમાં નોંધાવી હતી. એના બીજા દિવસે કેનેડા પોલીસને તેની લાશ મળી આવી હતી. આયુષ કેનેડા ખાતે અભ્યાસ કરી રહ્યો હતો. ધોરણ-12 બાદ વધુ અભ્યાસ માટે સાડા ચાર વર્ષ પહેલાં તે કેનેડા ગયો હતો.
આયુષના મોત અંગે કેનેડા પોલીસ તપાસ કરી રહી છે. કેનેડામાં મળેલ મૃતદેહ બાદ ભારત સરકારના પીએમ ઓફિસ, કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવિયાના સહયોગ અને BAPS સંસ્થા દ્વારા તેના મૃતદેહને વતન લાવવા માટેના પ્રયાસ કરાયા હતા. તેના મૃતદેહને ભાવનગરના સિદસર ખાતે લાવવામાં આવ્યો હતો જ્યાં રવિવારે તેની અંતિમવિધિ કરવામાં આવી હતી. અંતિમવિધિમાં પરિવાર સાથે સીદસર ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
મળતી માહિતી મુજબ આયુષ કેનેડામાં યોર્ક યુનિવર્સિટીમાં ભણતો હતો. અહીં તે કેટલાક ગુજરાતી મિત્રો સાથે રહેતો હતો. આયુષ 5મે ના રોજ ઘરેથી નીકળ્યો હતો પરંતુ દોઢ દિવસ સુધી ઘરે પાછો ફર્યો ન હતો. આ બાબતની જાણ મિત્રોએ આયુષના પિતા રમેશભાઈને ફોન દ્વારા કરી હતી. મિત્રોએ જણાવ્યું હતું કે આયુષ દોઢ દિવસથી ઘરે નથી આવ્યો અને ફોન પણ રિસીવ કરતો નથી. ત્યારબાદ આયુષની લાશ પોલીસને મળી હતી. કેનેડા એમ્બેસી અને કેનેડા પોલીસના સહયોગથી એક અઠવાડિયામાં આયુષના મૃતદેહને વતન લાવવામાં આવ્યો હતો જ્યાં આજે તેના અંતિમ સંસ્કાર કરાયા હતા.