કેનેડાનો સૌથી ઊંચો સસ્પેન્શન બ્રિજ મે મહિનામાં ખુલ્લો મૂકાનાર છે. તેના વોકવે પર ચાલનાર લોકોને ૪૨૬ ફૂટ ઊંચાઇએથી નીચેની ઉંડી કેન્યોન ખીણના દ્રશ્યો જોવાનો રોમાંચક અનુભવ માણવા મળશે.
આ સસ્પેન્શન બ્રિજને ગોલ્ડન સ્કાયબ્રિજ નામ આપવામાં આવ્યું છે અને તેના પર ચાલતા ચાલતા નીચેના દ્રશ્યો જોતી વખતે રોમાંચ થશે કે ચક્કર આવી જશે તે બાબત તેના પર ચાલવા જનાર વ્યક્તિના પોતાના પર આધાર રાખશે.
આવતા મહિને ખુલ્લા મૂકાનાર આ પુલની કેટલીક અદભૂત તસવીરો હાલમાં બહાર આવી છે જેના પરથી સમજી શકાય છે કે આ પુલ પર ચાલવાનું કેટલું રોમાંચક બની શકે તેમ છે.
કેન્યોન ખીણ પર બનેલ આ બ્રિજ પરથી નીચેના વનરાજીથી ભરપૂર વિશાળ વિસ્તારનો નજારો તો જોઇ જ શકાશે, સાથે ૨૦૦ ફૂટ ઊંચાઇએથી પડતા ધોધનું પણ દ્રશ્ય નિહાળી શકાશે.
આ ગોલ્ડન સ્કાયબ્રિજમાં ખરેખર તો એક નહીં પણ બે સસ્પેન્શન બ્રિજ છે અને તેમાં નીચેનો સસ્પેન્શન બ્રિજ પણ ૨૬૨ ફૂટની ઊંચાઇએ છે અને તે પણ કેનેડાનો બીજા ક્રમનો મોટો સસ્પેન્શન બ્રીજ બને છે.