ઉત્તર ગોળાર્ધમાં ઉત્તર ધ્રુવ નજીકના વિસ્તારોમાં અત્યારે સખત શિયાળો ચાલી રહ્યો છે અને ભારે ઠંડી પડી રહી છે. ઉત્તર ધ્રુવ નજીક આવેલો કેનેડા દેશ આમ પણ તેના સખત ઠંડા વાતાવરણ માટે જાણીતો છે અને અત્યારે તો ત્યાં કાતિલ ઠંડી પડી રહી છે આ ઠંડીમાં કેનેડા અને અમેરિકાની સરહદે આવેલા વિશ્વ પ્રસિદ્ધ નાયગરા ધોધનું પાણી પણ થીજી ગયું હતું જેની કેટલીક અદભૂત તસવીરો હાલ બહાર આવી છે.
વિશ્વના સૌથી લોકપ્રિય પ્રવાસન કેન્દ્રોમાં નાયગ્રા ધોધનો સમાવેશ થાય છે. આ ધોધની કેનેડિયન બાજુએથી હાલમાં લેવામાં આવેલી કેટલીક તસવીરોમાં જોઇ શકાય છે કે આ ધોધનું ઝિંકાઇ રહેલું પાણી સખત ઠંડીના કારણે જામી જાય છે અને બરફની છીણમાં ફેરવાઇ જાય છે.
નાયગરા ધોધની કેનેડાની બાજુ તેના આકારને કારણે હોર્સ શૂ ફોલ તરીકે પણ જાણીતી છે અને ત્યાં લેવામાં આવેલ તસવીરોમાં જોઇ શકાય છે કે ધોધના ઝિંકાતા પાણીમાંથી છાંટા ઉડવાને બદલે બરફની છીણ ઉડી રહી છે અને ઘણી બધી છીણ તો નજીકના વૃક્ષો પર જઇને પણ જામી ગઇ છે અને વૃક્ષો પરથી દોરડીઓ લટકતી હોય તે રીતે બરફના રેસાઓ લટકી રહ્યા છે.