Charchapatra

ટ્રમ્પ દરેક અમેરિકનને ખરેખર ૨૦૦૦ ડોલર આપી શકશે?

ટેરિફ એ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો બહુ પ્રિય શબ્દ છે. તેમણે અનેક દેશો પર એક યા બીજા બહાને આકરા ટેરિફ એટલે કે આયાત વેરા લાદ્યા છે. હવે ટ્રમ્પ દાવો કરે છે કે થોડા જ મહિનામાં આ ટેરિફથી અમેરિકાને જંગી   આવક થઇ છે અને આ આવકની રકમ ધનવાનો સિવાયના અમેરિકનોને વહેંચવામાં આવશે. આ અમેરિકનોમાં ગરીબ ઉપરાંત મધ્યમવર્ગીય અમેરિકનોનો પણ સમાવેશ થઇ શકે છે એમ માનવામાં આવે છે. અમેરિકાના પ્રમુખ   ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને દાવો કર્યો હતો કે ટેરિફથી અબજો ડોલરની આવક થઈ રહી છે. તેમણે જણાવ્યું હતું કે  ઉંચી આવકવાળા ધનિકો સિવાય દરેક અમેરિકન નાગરિકને ડિવિડન્ડની આવકમાંથી   2,000 ડોલર (આશરે રૂ. 1.7 લાખ)નું ડિવિડન્ડ મળશે.

પોસ્ટમાં, ટ્રમ્પે ટેરિફના ટીકાકારોને મૂર્ખ કહ્યા હતા. તેમણે કહ્યું, “જે લોકો ટેરિફ વિરુદ્ધ બોલે છે તેઓ મૂર્ખ છે. અમારી સરકારે અમેરિકાને વિશ્વનો સૌથી ધનિક અને સૌથી   આદરણીય દેશ બનાવ્યો છે, જ્યાં લગભગ કોઈ ફુગાવો નથી અને રેકોર્ડબ્રેકિંગ શેરબજાર છે.” જો કે, ટ્રમ્પે સ્પષ્ટ કર્યું નથી કે આ લાભ કોને મળશે, ઉપરાંત પાત્રતા માપદંડો (જેમ કે આવક મર્યાદા) અથવા સમયમર્યાદા વિશે   પણ કોઈ સ્પષ્ટ માહિતી પૂરી પાડી નથી. આ પહેલી વાર નથી જ્યારે તેમણે આવું વચન આપ્યું હોય. ઓક્ટોબરમાં, તેમણે 1,000 થી 2,000 ડોલરની છૂટનો સંકેત આપ્યો હતો.

ટેરિફમાંથી થતા નફા ઉપરાંત, ટ્રમ્પે વેપાર બાબતોમાં પ્રમુખની સત્તાની મર્યાદા પર પણ પ્રશ્ન ઉઠાવીને ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેમણે ગુસ્સાથી જણાવ્યું હતું કે અમેરિકી પ્રમુખ પાસે વિદેશી દેશ સાથેના તમામ વેપારને રોકવા,  બીજા દેશને  લાઇસન્સ આપવાનો અધિકાર છે, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા માટે ટેરિફ લાદવાનો અધિકાર નથી. ટ્રમ્પે કહ્યું, “અન્ય દેશો આપણા પર ટેરિફ લાદી શકે છે, પરંતુ આપણે તેમના પર ટેરિફ લાદી શકતા નથી.

ટેરિફ  એકમાત્ર કારણ છે  જેના કારણે ધંધા ઉદ્યોગો અમેરિકામાં આવી રહ્યા છે. ટેરિફ વિના, આપણી પાસે કંઈ નથી. શું સુપ્રીમ કોર્ટ આ સમજી શકતી નથી?” એમ ટ્રમ્પે કહ્યું હતું. દેખીતી રીતે તેમનો રોષ ટેરિફ વિરુદ્ધના અદાલતી  આદેશો સામે છે. અમેરિકી સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના મોટાભાગના ટેરિફ ગેરકાયદેસર જાહેર કર્યા છે.  ટ્રમ્પે વેપાર ખાધ અને અન્ય કારણોસર ચીન, કેનેડા અને મેક્સિકો સહિત અનેક દેશો પર  ટેરિફ લાદ્યા છે. ટ્રમ્પે અત્યાર સુધીમાં ભારત પર કુલ 50% ટેરિફ  લાદ્યા છે. આમાં 25% પારસ્પરિક ટેરિફ અને રશિયા પાસેથી તેલ ખરીદવા પર 25% દંડનો સમાવેશ થાય છે.

બીજી બાજુ અમેરિકી નાણા મંત્રી  સ્કોટ બેસન્ટ ગોળગોળ વાત કરતા જણાય છે. ABC ન્યૂઝ સાથેની એક મુલાકાતમાં ટ્રમ્પના દાવાઓ સ્પષ્ટ કર્યા. તેમણે કહ્યું કે તેમણે ટ્રમ્પ સાથે આ ડિવિડન્ડની ચર્ચા કરી નથી, પરંતુ આ  રકમ સંભવિત રીતે કર ઘટાડાના રૂપમાં આવી  શકે છે. બેસન્ટનું ધ્યાન દેવું ચૂકવવા પર છે, સીધા ચેકનું વિતરણ કરવા પર નહીં. ઓગસ્ટમાં, તેમણે CNBC ને જણાવ્યું હતું કે ટેરિફ આવકનો ઉપયોગ દેશનું 38.12 ટ્રિલિયન  ડોલર દેવું ઘટાડવા માટે કરવામાં આવશે. સપ્ટેમ્બરમાં ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના નિવેદન મુજબ, ટેરિફથી નાણાકીય વર્ષ 2025 માં માત્ર 195 અબજ ડોલરની આવક થઈ હતી.

જો પ્રતિ વ્યક્તિ $2,000 (આશરે 25 કરોડ  બિન-ધનવાન અમેરિકનોને) વહેંચવામાં આવે, તો  ખર્ચ આશરે 500 અબજ ડોલર થશે, જે વર્તમાન આવક કરતાં ઘણો વધારે છે. ન્યૂ યોર્ક ટાઇમ્સના અહેવાલ મુજબ, આ યોજના દેવાને ઘટાડવાને બદલે વધારી શકે છે.  અમેરિકાનું દેવું ₹3,200 ટ્રિલિયન ડોલર છે, જે  વિશ્વમાં સૌથી વધુ છે. આ દેવું ટ્રેઝરી સિક્યોરિટીઝ (સરકારી બોન્ડ) ના રૂપમાં વહેંચવામાં આવે છે. કુલ દેવાનો આશરે 70% અમેરિકી સંસ્થાઓ (ઘરેલું) પાસે છે, જ્યારે 30%  વિદેશી દેશો અને રોકાણકારો પાસે છે. વિદેશી હિસ્સો આશરે 8-9 ટ્રિલિયન ડોલર છે.

જાપાન અમેરિકાનો સૌથી મોટો લેણદાર છે, જે અમેરિકી બોન્ડ્સને સુરક્ષિત રોકાણ માને છે. દરમિયાન, ચીનનો હિસ્સો ઘટી રહ્યો છે. આ દેવું  અમેરિકી અર્થતંત્રના GDP (30 ટ્રિલિયન ડોલર) ના 120% થી વધુ છે, જે ચિંતાનો વિષય છે. વધતા દેવાને કારણે વાર્ષિક વ્યાજ ચૂકવણીમાં 1 ટ્રિલિયન ડોલરથી વધુનો વધારો થઈ રહ્યો છે. દેખીતી રીતે નાણા વિભાગ  અને ટ્રમ્પના અન્ય સલાહકારો ટેરિફની આવકનો ઉપયોગ દેવું ઘટાડવા માટે કરવાનો જ આગ્રહ રાખશે. તેથી ટ્રમ્પ તેમણે જે જાહેરાત કરી દીધી છે તે ડિવિડન્ડની વહેંચણી પ્રજાને કરી શકશે કે કેમ? તે એક પ્રશ્ન છે.

Most Popular

To Top