Comments

શું ટ્રમ્પ હોર્મુઝ પર ઈરાનનું નિયંત્રણ સમાપ્ત કરી શકે છે?

યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા હુમલાઓ વચ્ચે ઈરાનના હોર્મુઝની સામુદ્રધુની બંધ કરવાના નિર્ણયથી વૈશ્વિક બજારોમાં વ્યાપક ગભરાટ ફેલાયો છે. આ પગલાએ અનેક દેશોમાં ઊર્જા સંકટને વધુ તીવ્ર બનાવ્યું છે. કારણ કે, આ દરિયાઈ માર્ગ તેલ સમૃદ્ધ પર્સિયન ગલ્ફને બાકીની દુનિયા સાથે જોડે છે. વિશ્વના તેલ અને એલએનજી પુરવઠાનો લગભગ 20થી 25 ટકા હિસ્સો, જે દરરોજ 200થી 210 લાખ બેરલથી વધુ થાય છે, તે આ સાંકડા માર્ગમાંથી પસાર થાય છે.

ઈરાન માત્ર એવા દેશોનાં પસંદગીનાં જહાજોને પસાર થવા દે છે જેની સાથે તે મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવે છે. ઉલ્લેખનીય છે કે, આ માર્ગ પરથી પસાર થવાની મંજૂરી મેળવનાર દેશોમાં ભારત પણ સામેલ છે. ઈરાન તેના દરિયાકાંઠાથી 12 નોટિકલ માઇલના વિસ્તારને તેનું પ્રાદેશિક જળ માને છે. ઈરાને ચેતવણી આપી છે કે તે ચેનલમાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહેલાં દુશ્મન જહાજોને નિશાન બનાવી શકે છે. તેના જવાબમાં અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાનને 8 એપ્રિલ સુધીમાં હોર્મુઝ ફરીથી ખોલવા અથવા ‘નરક’નો સામનો કરવાની ચેતવણી આપી હતી. જો ઈરાન તમામ શિપિંગ માટે હોર્મુઝને ફરીથી ખોલવાની સમયમર્યાદા પૂરી કરવામાં નિષ્ફળ જશે તો ટ્રમ્પે ઈરાનના પાવર પ્લાન્ટ્સ અને પુલોને નષ્ટ કરવાની ધમકી આપી છે. જો કે, ટ્રમ્પે હોર્મુઝને ફરીથી ખોલવાની સમયમર્યાદા ઘણી વખત લંબાવી છે.

આ પરિસ્થિતિને કારણે હોર્મુઝની સામુદ્રધુનીની બંને બાજુએ ફસાયેલાં જહાજોની લાંબી કતારો લાગી છે, જે તેને ફરીથી ખોલવાની રાહ જોઈ રહ્યા છે. ઈરાનની ધમકીઓ છતાં ન તો અમેરિકા કે નાટો દેશો આ જળમાર્ગને ફરીથી ખોલવા માટે સીધો હસ્તક્ષેપ કરવા અથવા નૌકાદળ મોકલવા તૈયાર છે. હોર્મુઝ એ વિશ્વના સૌથી મહત્ત્વપૂર્ણ ઊર્જા કોરિડોરમાંનો એક છે. તે સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત, કતાર, કુવૈત, ઇરાક, બહેરીન અને ખુદ ઈરાન જેવા દેશોમાંથી ક્રુડ ઓઇલ અને એલએનજીની નિકાસમાં સુવિધા પૂરી પાડે છે. આ માર્ગ દ્વારા પરિવહન થતી ઊર્જાના મુખ્ય ગ્રાહકોમાં ભારત, ચીન, જાપાન અને દક્ષિણ કોરિયાનો સમાવેશ થાય છે. આ દેશો મળીને સામુદ્રધુની દ્વારા મોકલવામાં આવતા કુલ તેલ અને ગેસના લગભગ 69 ટકા હિસ્સો ખરીદે છે. ભારત એકલું આ સાંકડી ચેનલ દ્વારા તેના ક્રુડ ઓઇલના 40 ટકા અને એલએનજીના 54 ટકાથી વધુની આયાત કરે છે.

ઈરાનની નાકાબંધીએ વૈશ્વિક તેલના ભાવમાં તીવ્ર વધારો કર્યો છે અને વિશ્વભરમાં સપ્લાય ચેઇનને ખોરવી નાખી છે. હોર્મુઝ ખાડી અત્યંત સાંકડી છે અને જહાજો આવવા-જવા માટે મર્યાદિત રસ્તામાંથી જ પસાર થાય છે. તેના સૌથી સાંકડા બિંદુએ, દરેક ચેનલ ત્રણ કિલોમીટર કરતાં ઓછી પહોળી છે. જહાજો એકબીજા સાથે અથડાય નહીં તે માટે લેન સેપરેટર્સ મૂકવામાં આવ્યા છે.

કોઈ પણ જહાજ ઈરાનના પ્રાદેશિક જળસીમાની નજીક આવ્યા વિના આ સાંકડા માર્ગમાંથી પસાર થઈ શકતું નથી. આનાથી ઈરાનની જહાજોને ટ્રેક કરવાની અને સંભવિત રીતે નિશાન બનાવવાની ક્ષમતા વધી જાય છે. આ જોખમને કારણે કોઈ પણ કાર્ગો શિપ ઈરાનની મંજૂરી વિના સામુદ્રધુની પાર કરવા તૈયાર નથી. 28 ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ થયું ત્યારથી ઈરાને કથિત રીતે પૂર્વ મંજૂરી વિના હોર્મુઝમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલાં લગભગ 20 જહાજોને નિશાન બનાવ્યાં છે.

ઈરાને એવું વલણ જાળવી રાખ્યું છે કે માત્ર તેના ‘દુશ્મનો અને તેમના સાથીઓ’એ જ જવાબી કાર્યવાહીનો સામનો કરવો પડશે. જો કે, તેણે તે શ્રેણીમાં કયાં રાષ્ટ્રો આવે છે તે સ્પષ્ટ કર્યું નથી. માર્ચમાં માત્ર 138 જહાજો, જેમાં 87 તેલ અને ગેસ ટેન્કરોનો સમાવેશ થાય છે, તે આ માર્ગ પાર કરવામાં સફળ રહ્યાં હતાં. આનો અર્થ એ છે કે, દિવસમાં માંડ 5થી 6 જહાજો પસાર થાય છે, જે સંઘર્ષ વધ્યા પછી ટ્રાફિકમાં અભૂતપૂર્વ 95 ટકાનો ઘટાડો દર્શાવે છે.

તણાવ વધ્યો તે પહેલાં દરરોજ લગભગ 135-140 જહાજો હોર્મુઝ પાર કરતાં હતાં, જે વિશ્વના ક્રુડ સપ્લાયના લગભગ પાંચમા ભાગનું પરિવહન કરતા હતા. આજે લગભગ 2,000 જહાજો સુરક્ષિત માર્ગ માટે હોર્મુઝની નજીકમાં રાહ જોઈ રહ્યાં છે. ઈરાન આ માર્ગ પરથી પસાર થવાનો પ્રયાસ કરતાં જહાજો પર અસામાન્ય રીતે ઊંચા ટ્રાન્ઝિટ શુલ્ક લાદી રહ્યું છે. જહાજોને સુરક્ષિત માર્ગ માટે 20 લાખ ડોલર (લગભગ 16થી 18 કરોડ રૂપિયા) સુધી ચૂકવવા માટે કહેવામાં આવી રહ્યું છે. જો કે, ઈરાને આ દાવાઓને નકારી કાઢ્યા છે.

સામાન્ય રીતે વર્ષમાં હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થતાં ટેન્કરોની સંખ્યા લગભગ 50,000 હોય છે; દરેક જહાજ માટે 20 લાખ યુએસ ડોલરના ટોલનો અર્થ ઈરાન માટે 100 અબજ યુએસ ડોલરની નવી આવક થાય છે. તે ગયા વર્ષના ઈરાનના જીડીપીના ચોથા ભાગથી વધુ છે. જો જોવામાં આવે તો એક ખૂબ જ મોટા ક્રુડ કેરિયરમાં લગભગ 20 લાખ બેરલ તેલની સમકક્ષ તેલ લઈ જઈ શકાય છે, 20 લાખ ડોલરનો ટોલ પ્રતિ બેરલ દીઠ આશરે 1 ડોલર જેટલો થાય છે, જે હાલમાં છૂટક બજારમાં આશરે 100 યુએસ ડોલર પ્રતિ બેરલના ભાવે વેચાઈ રહ્યું છે અને જ્યાં નજીકના ભવિષ્યમાં માંગ પુરવઠા કરતાં વધી જવાની શક્યતા છે.

આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ આ ટોલ વસૂલવાનો વિચાર જ ગેરકાયદે છે. કારણ કે, સંયુક્ત રાષ્ટ્ર હોર્મુઝને તમામ ટ્રાફિક માટે ખુલ્લી આંતરરાષ્ટ્રીય સામુદ્રધુની માને છે, પરંતુ ઈરાન આને ટૂંકા ગાળાના આવકના સાધન તરીકે જુએ છે, ભલે પ્રતિબંધો હટાવવાની વાત ચાલતી હોય. યુદ્ધથી થયેલી તબાહીનો અર્થ એ હોઈ શકે કે મોટા પાયે પુનઃનિર્માણની કવાયત કરવી પડશે, જેના માટે કોઈક રીતે ભંડોળ મેળવવું પડશે. ટ્રમ્પ માટે એક મોટી સમસ્યા અમેરિકામાં પણ પેટ્રોલની કિંમત છે. તે પ્રતિ ગેલન 4-પ્લસ ડોલરને વટાવી ગઈ છે અને 5 ડોલરના આંકડા તરફ આગળ વધી રહી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top